અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વિશાળ પંડાલ, શામિયાણામાં દાદાનું વિધિવત્ રીતે સ્થાપન કરાયું – મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ નાગરિકોને ગણેશ ચતુર્થી અને સંવત્સરની શુભકામના પાઠવી
દસ દિવસ સુધી હવે ગણપતિ દાદાની પૂજા-અર્ચના અને ભકિતનો માહોલ જામશે – કોવીડ ગાઇડલાઇન્સના કારણે મોટાભાગના પંડાલ અને શામિયાણામાં ચાર ફુટ સુધીની મૂર્તિઓનું જ સ્થાપન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ રિવરફ્રન્ટ સહિતના જુદા જુદા સ્થળોએ 37 થી વધુ વિસર્જન કુંડ તૈયાર કરાયા
ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન દરમ્યાન કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે, નહી તો, અમ્યુકો તંત્ર કાર્યવાહી કરશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.10
અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં આજથી વિઘ્નહર્તા દેવ ગણપતી દાદાના મહોત્સવનો ગણેશ ચતુર્થી ના આજના પવિત્ર દિને ભારે હર્ષોલ્લાસ અને રંગેચંગે પ્રારંભ થયો હતો ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં ગણેશ ભકતોમાં ગણપતિદાદાની ભક્તિનો માહોલ છવાયો છે. ગણેશ ભક્તો દ્વારા આજે શહેર સહિત રાજ્યભરમાં ગણપતીદાદાની અવનવી આકર્ષક અને મનોહર મૂર્તિઓ ખરીદી નાના વાહનો કાર, જીપ સહિતના વાહનોમાં લઈ જઈ તેમના શેરી મહોલ્લા અને વિસ્તારમાં ઊભા કરાયેલા વિશાળ મંડપ પંડાલ અને શામિયાણામાં વિધિવત રીતે સ્થાપન કરાયું હતું દાદાની ભારે ભક્તિભાવ સાથે આરતી ઉતારી પૂજા કરી ભક્તજનોને પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો. શહેરમાં આ વખતે કેટલાક પંડાલ અને શામિયાણામાં મનમોહક અને આકર્ષક ગણપતિ સ્વરૂપો જોવા મળી રહ્યા છે જેને લઇને નગરજનોમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થી અને સંવત્સરની આજના પવિત્ર દિને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ રાજ્યની જનતાને ગણેશોત્સવ અને સંવત્સરીની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વર્ષે કોવીડ ગાઇડલાઇન્સને લઇને ચાર ફુટની જ ગણેશમૂર્તિની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોઇ મોટાભાગના સ્થળોએ પંડાલ, શામિયાણામાં ચાર ફુટ સુધીની જ દાદાની સુંદર પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. કોવીડ ગાઇડલાઇન્સનું પાલન થાય તેનું પણ આયોજકો દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો કે, રાજયમાં કેટલાક સ્થળોએ સરકારની આ મંજૂરીનો પણ ભંગ થયો હોવાના છૂટાછવાયા કિસ્સા સામે આવ્યા હતા. ખેડા જિલ્લાના કપડવંજ ખાતે છ ફુટની મૂર્તિ પંડાલમાં સ્થાપિત કરાઇ હોવાથી કપડવંજ પોલીસે મૂર્તિ જપ્ત કરતાં સ્થાનિક ગણેશભકતો અને લોકોમાં પોલીસ પરત્વે આક્રોશ ફેલાયો હતો. જો કે, પાછળથી સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા. અમદાવાદ સહિત રાજયભરમાં આજે ઘણા સ્થળોએ માટીના ગણેશજી, ઇકો ફ્રેન્ડલી ગણેશજી સહિતના સુંદર સ્વરૂપો પણ જોવા મળ્યા હતા. જેના મારફતે ગણેશભકતોએ પર્યાવરણ બચાવોનો અનોખો સંદેશ આપ્યો હતો.
બીજીબાજુ, કોરોના મહામારીના કારણે આ વર્ષે મોટાભાગના લોકોએ પોતપોતાના ઘરોમાં ગણપતિ દાદાની બે ફુટથી લઇ ચાર ફુટ સુધીની જુદી જુદી આકર્ષક અને મનમોહક મૂર્તિઓ પધરાવી દાદાની ભકિત કરવાનું આયોજન પણ કર્યું છે. અમદાવાદ શહેરમાં પણ લોકોએ પોતાના ઘરોમાં યથાશકિત દિવસ સુધી દાદાની સેવા-પૂજા, આરતી અને પ્રસાદનું આયોજન કર્યું છે, જેને લઇ દાદાની ભકિતનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. લોકોએ આજે શુભ મૂર્હુતમાં દાદાની પ્રતિમાઓને વિધિવત્ રીતે સ્થાપન કરી દાદાની પૂજા-આરતી ઉતાર્યા બાદ મોદક સહિતનો સુંદર પ્રસાદ આડોશ-પાડોશ અને સ્થાનિક રહીશોમાં વિતરણ કર્યો હતો. આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ગણપતિ બાપ્પા મૌરયાના ભકિતનાદ ગુંજી ઉઠયા હતા.
સુરતમાં મજુરાગેટ કૈલાશ નગરના એક ગણેશ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાને ઇલેક્ટ્રોનિક-રિમોટ કન્ટ્રોલ કારમાં શાહી સવારી સાથેની ઉત્સવ યાત્રા કાઢવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી જન્માષ્ટમીએ નહી યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટના લોકમેળાના દર્શન ગણેશ મહોત્સવમાં જોવા મળી રહ્યાં છે. રાજકોટનાં રામાનુજ પરિવારના દંપતીએ પોતાના ઘરમાં જ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કર્યું છે. જેમાં લોકમેળાની થીમ સાથે ગણેશોત્સવનો પ્રારંભ કર્યો છે. ચકડોળ, વિવિધ રાઇડ્સ, ખાણીપીણીની દુકાનોની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી લોકમેળાનાં દર્શન થતાં ગણેશભકતોમાં ભારે શ્રધ્ધા અને ભકિતનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.
દરમ્યાન દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જ્યાં વિસર્જન માટે લાઇટ, પાણી , ટ્રાફિક , ક્રેઈન સહીતની વ્યવસ્થા આપવા માટે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. જે ઠરાવ પાસ થતા શહેરમાં રિવરફ્રન્ટ સહિતના જુદા જુદા સ્થળોએ 37 થી વધુ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં વિવિધ ઝોન પ્રમાણે વિસર્જન કુંડ જોઇએ પશ્ચિમ ઝોનમાં 10 કુંડ, દક્ષિણ ઝોન 05 કુંડ, ઉત્તર ઝોન 06 કુંડ, મધ્ય ઝોનમાં 16 સહિત કુલ 37થી વધુ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. એક વિસર્જન કુંડ માટે અંદાજે રૂપિયા પાંચ લાખનો ખર્ચ થાય તેવી શક્યતા છે. જેના કારણે 37 થી વધુ કુંડ માટે અમ્યુકોને 2 કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચ થવાનો અંદાજ છે. ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન દરમ્યાન કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે, નહી તો, અમ્યુકો તંત્ર કાર્યવાહી કરશે તેવી પણ અમ્યુકો સત્તાધીશોએ ગણેશ વિસર્જનને લઇને સ્પષ્ટ તાકીદ કરી છે. હાલ તો અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ગણેશભકિતનો જોરદાર માહોલ છવાયો છે. ઠેર-ઠેર ગણપતિ બાપ્પા મૌરયાના ભકિતનાદ ગુંજી રહ્યા છે.
#bharatmirror #bharatmirror21 #news