21મી સદીમાં પણ અંધશ્રધ્ધા અને અભિશાપરૂપ સામાજિક ઘટનાને પગલે સાંતલપુર પંથક સહિત રાજયભરમાં ચકચાર
પાડોશી મહિલાને કોઇ અજાણી વ્યકિત સાથે જોઇ ગયેલી 11 વર્ષની બાળકીએ આ વાત કોઇને કહી તો નથી દીધીને તેની ખરાઇ માટે સતના પારખા તરીકે આરોપી મહિલાએ માસૂમ બાળકીના હાથ ઉકળતા તેલમાં નાંખ્યા
બાળકીએ ઉકળતાં તેલમાં હાથ નાંખતા જ બૂમાબૂમ અને ચીસાચીસ કરી મૂકી બાળકીના હાથ બહુ ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં સારવાર લેવી પડી
પોલીસે આરોપી પાડોશી મહિલા લખીબહેન મકવાણાની ધરપકડ કરી – ગુજરાત રાજય મહિલા આયોગે પણ પાટણ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા પાસે રિપોર્ટ માંગ્યો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.23
પાટણ જિલ્લાના સાંતલપુર ગામ ખાતે કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. અહીં સતના પારખા માટે એક 11 વર્ષની બાળકીનો હાથ ઊકળતા તેલમાં નંખાવવામાં આવતાં સમગ્ર પંથક સહિત રાજયભરમાં ભારે ચકચાર મચી ગઇ છે. બાળકીના વાલી તરફથી આ મામલે પાડોશી મહિલા સામે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, જેના અનુસંધાનમાં પોલીસે તાત્કાલિક ધોરણે આરોપી પાડોશી મહિલા લખીબહેન મકવાણાની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજબાજુ, ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ એવી આ ઘટનામાં ગુજરાત રાજય મહિલા આયોગે પણ તપાસના આદેશો જારી કર્યા છે અને તાત્કાલિક પાટણ જિલ્લા કલેકટર પાસેથી સમગ્ર ઘટનાને લઇ વિગતવાર અહેવાલ માંગ્યો છે. ગુજરાત રાજય મહિલા આયોગના ચેરમેન શ્રીમતી જાગૃતિબહેન પંડયાએ 11 વર્ષની માસૂમ બાળકીને સતના પારખનાના નામે ઉકળતા તેલમાં હાથ નંખાવવાની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી અને તેને સમાજ માટે અતિ નિંદનીય અને અભિશાપ સમાન ગણાવી હતી. તેમણે બાળકી અને તેના પરિવારજનો પરત્વે સંવેદના પ્રગટ કરી સમગ્ર કેસમાં ન્યાયી તપાસ કરવાની હૈયાધારણ ઉચ્ચારી હતી. તેમણે આ સમગ્ર કેસને લઇ પાટણ જિલ્લા કલેકટર પાસેથી અને જિલ્લા પોલીસ વડા પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પાટણ જિલ્લાના સાંતલપુર ગામ ખાતે રહેતી લખીબેન મકવાણા નામની મહિલાને પીડિત બાળકીએ થોડા દિવસ પહેલા કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરતા જોઈ લીધી હતી. જે બાદમાં મહિલાને શંકા પડી હતી કે, બાળકીએ આ વાત કોઈને કહી દીધી હશે. બાળકીએ કોઈને આ વાત નથી કરતી તેની ખાતરી કરવા માટે મહિલાએ બાળકીને પોતાના ઘરે બોલાવીને ઊકળતા તેલમાં હાથ નંખાવ્યો હતો. ઊકળતા તેલમાં હાથ નાખવાથી બાળકીનો હાથ બળી ગયો હતો અને તેણીએ ભારૈ બૂમાબૂમ અને ચીસો પાડી હતી, જેથી ગભરાઇ જતાં આરોપી ત્યાંથી નાસી ગઇ હતી. બીજીબાજુ, દાઝેલી બાળકીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બાળકીના પિતાને સમગ્ર વાતની જાણ થતાં તેમણે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પાડોશી મહિલા લખીબહેન મકવાણાની ધરપકડ કરી લીધી હતી અને તેની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
તો, 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવી દઝાડી મૂકવાના કેસને લઇ સમગ્ર પંથખ સહિત રાજયભરમાં ભારે ચકચાર મચી જતાં આખરે ગુજરાત રાજય મહિલા આયોગ પણ હરકતમાં આવ્યું હતું. આયોગના ચેરમેન શ્રીમતી જાગૃતિબહેન પંડયાએ આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી અને 21મી સદીમાં પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે, તેને લઇ ભારે ચિંતા વ્યકત કરી હતી. તેમણે આ બનાવને ખૂબ જ ગંભીર અને અતિ સંવેદનશીલ ગણાવી સમગ્ર મામલે પાટણ જિલ્લા પોલીસ વડા અને પાટણ જિલ્લા કલેકટર પાસેથી વિગતવાર અહેવાલ પણ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું., જેને પગલે હવે આ કેસમાં પોલીસની તપાસનો ધમધમાટ આગળ ધપશે. હાલ તો આ બનાવને લઇ સાંતલપુર પંથક સહિત સમગ્ર રાજયમાં ભારે ચકચાર મચી ગઇ છે, લોકોએ 11 વર્ષની બાળકી પરત્વે ભારે સંવેદના અને સહાનુભૂતિ પ્રગટ કરી હતી તો, તેને ઉકળતા તેલમાં હાથ નંખાવનાર આરોપી પાડોશી મહિલા પરત્વે ફિટકારની લાગણી વરસાવી હતી.
#bharatmirror #bharatmirror21 #news