ગૂંગળામણનો ભોગ બનનાર ત્રણેય કામદારો એક જ પરિવારના કૌટુંબિક ભાઇઓ – પરિવારજનોમાં કરૂણ આક્રંદ, સત્તાધીશો પરત્વે આક્રોશ ઠાલવ્યો
બોપલ પોલીસે આ કામગીરીમાં બેદરકારી દાખવનાર યોગી કન્સ્ટ્રકશનના પેટા કોન્ટ્રાકટર હિંમતભાઇની ધરપકડ કરી, વધુ તપાસ જારી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ, તા.26
અમદાવાદ શહેરનાં બોપલમાં વિસ્તારમાં આવેલા નિલકંઠ વિલા નજીક ડ્રેનેજની ચાલી રહેલી કામગીરી દરમ્યાન ત્રણ મજૂરો અંદર ગટરમાં ફસાઇ જતાં ઝેરી ગેસની અસરથી ગૂંગળામણનો ભોગ બન્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં બે કામદારોના કરૂણ મોત નીપજયા હતા, જયારે એક કામદારને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે, ડ્રેનેજ સફાઇના કામ માટે ગટરમાં અંદર ઉતરેલા ત્રણ કામદારો એક જ પરિવારના કૌટુંબિક ભાઇઓ છે, જેમાંથી બે અકાળે મોતને ભેટયા છે, જયારે એક અત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે…આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતો તો, ભોગ બનનાર પરિવાર પર તો જાણે આભ તૂટી પડયું હતું. બોપલ પોલીસે પણ સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કલમ-304 હેઠળ ગુનો નોંધી યોગી કન્સ્ટ્રકશનના પેટા કોન્ટ્રાકટર હિંમતભાઇની ધરપકડ કરી આ સમગ્ર મામલે વધુ તપાસ જારી રાખી છે.
ત્રણ સફાઇ કામદારો ગટરમાં ગૂંગળામણના કારણે તેમ જ ઝેરી ગેસની અસરના કારણે ભોગ બન્યા હોવાના સમાચારને પગલે ઔડા અને અમ્યુકો તંત્રમાં પણ હડકંપ મચી ગયો હતો. જવાબદાર અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને સમગ્ર મામલે તપાસ કરી હતી. બીજીબાજુ, ભોગ બનનાર પીડિત પરિવારજનોએ કરૂણ આક્રંદ સાથે અમ્યુકો અને ઔડા સત્તાધીશો પર આકાર પ્રહારો કર્યા હતા અને છાશવારે આવા બનાવો બનતા હોવાછતાં તેને અટકાવવા કે આ પ્રકારે ગટર સફાઇ દરમ્યાન કામદારોના મોતને નિવારવા માટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ અને માર્ગદર્શિકા હોવાછતાં તેનું કોઇ પાલન નહી થતુ હોવાના આક્ષેપ કરી ન્યાય અને યોગ્ય વળતરની માંગણી ઉચ્ચારી હતી. અમદાવાદ શહેરનાં બોપલમાં વિસ્તારમાં આવેલા નિલકંઠ વિલા નજીક આજે ઔડાની ડ્રેનેજ સફાઇ અંગેની કામગીરી ચાલી રહી હતી, જે માટે ત્રણ કામદારો એક પછી એક ગટરમાં અંદર નીચે ઉતર્યા હતા.
સૌથી નોંધનીય વાત એ હતી કે, ગટરમાં ઉતરનાર ત્રણેય કામદારો એક જ પરિવારના કૌટુંબિક ભાઇઓ હતા.., જેઓ ગટરમાં અંદર સફાઇ કામકાજ કરી ચકાસણ કરી રહ્યા હતા તે દરમ્યાન ઝેરી ગેસની અસર થતાં ત્રણેય ભાઇઓ ગૂંગળામણનો ભોગ બન્યા હતા, જેના કારણે બે ભાઇઓ તો ગંભીર રીતે ગૂંગળામણની અસરના કારણે મોતને ભેટયા હતા, જયારે ત્રીજા ભાઇની પણ હાલત વધુ લથડતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. બીજીબાજુ, ફાયરબ્રિગેડ તંત્રને પણ જાણ કરાતાં ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક આવીને ગટરમાંથી ત્રણેય ભાઇઓને બહાર કાઢયા હતા. જો કે, બે ભાઇઓના તો ઘટનાસ્થળે જ મોત નીપજય હતા, જયાર એક ભાઇને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
નવી ગટર લાઇનના ટેસ્ટિંગ દરમિયાન ત્રણ કામદાર અંદર ફસાયા અંગેની ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરનાં જવાનો ઘટનાસ્થળે પહોંચીને એક મજૂરની શોધખોળની કામગીરી હાથ ધરી હતી, ભારે જહેમત બાદ આખરે તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. દરમ્યાન આ સમગ્ર દુર્ઘટના અંગે પોલીસે કલમ-304 હેઠળ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, હાલ તો પીડિત પરિવાર ઉંડા આઘાતમાં ગરકાવ થયો છે અને પરિવારના બે ભાઇઓના મોત અને એક હાલત ગંભીર થતાં પરિજનો તંત્ર અને તેના સત્તાધીશો પરત્વે ઉગ્ર આક્રોશ ઠાલવી રહ્યા છે.