હળાહળ કળિયુગ – પુત્રની હત્યા કરાવી લાશ ફેંકાવી દેનાર સાવકી માતા પરત્વે સમાજમાં ફિટકારની લાગણી – પોલીસે આરોપી માતાની ધરપકડ કરી, ફરાર તેના ત્રણ મિત્રોને શોધવાની તપાસ ચાલુ
પુત્રની હત્યા બાદ હાથ-પગ બાંધી લાશ કોથળામાં ભરી અવાવરૂ જગ્યાએ ફેંકી દઇ લાશનો નિકાલ કર્યો પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો
અમદાવાદ,તા.૧૪
અમદાવાદના દસક્રોઇ તાલુકાના કણભામાં સાવકી માતાએ પુત્રની હત્યા કરી હોવાની હળાહળ કળિયુગી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. રૂપિયાને લઈ બોલાચાલી થતા સાવકી માતાએ પુત્રની હત્યા કરી હોવાનું સામે આવતાં લોકો હવે આ ક્રૂર અને હત્યારી માતા પરત્વે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ સાવકી માતાએ હત્યા બાદ પુત્રની લાશ કોથળામાં ભરી અવાવરૂ જગ્યાએ ફેંકી દેવડાવી હતી. સાવકી માતાએ તેના ત્રણ મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે પુત્રનો મૃતદેહ કબજે કરી આરોપી માતાને ઝડપી લીધી છે. જ્યારે હત્યામાં મદદ કરનાર માતાના આરોપી મિત્રો ફરાર થઇ ગયા છે જેને લઇ હવે પોલીસે આ ફરાર મિત્રોને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.
હળાહળ કળિયુગના અત્યંત ઘૃણાસ્પદ એવા આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, થોડા સમય પહેલાં આરોપી માતા અને તેના પુત્ર વચ્ચે રૂપિયાને લઈને બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાદ સાવકીએ માતાએ તેના ત્રણ મિત્રો સાથે પુત્રની જ હત્યાની યોજના બનાવી હતી. આશરે રૂ. ૨૫ લાખ જેટલી મોટી રકમ માટે આ બોલાચાલી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. આ કેસમાં બોલાચાલી બાદ આખો ખૂની ખેલ ખેલાયો હતો. આખરે સાવકી માતાએ તેના ત્રણ મિત્રોની મદદથી પોતાના જ પુત્રની હત્યા કરાવીને તેના મૃતદેહને નદીમાં ફેંકાવી દીધો હતો. જેથી કોઈને પણ આ હત્યા અંગે જાણ ન થાય. પરંતુ હત્યારાઓની પોલીસ આગળ કોઇપણ ચાલાકી કામ ના લાગી અને સમગ્ર ગુનાનો પર્દાફાશ થઇ જતાં આરોપી માતાની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગઇકાલે પોલીસને કણભા ગ્રામ્ય વિસ્તારમાંથી કોથળામાંથી લાશ વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઇ પોલીસે હાથ ધરેલી અસરકારક તપાસમાં આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખુલી ગયો છે અને હત્યા કરનાર સાવકી માતા ગૌરીબેન પટેલની ધરપકડ કરી દીધી છે. ગૌરીબેને નાસીકથી તેમના ત્રણ મિત્રોને બોલાવ્યા હતા અને હાર્દિકની હત્યા કરીને તેને એક કોથળામાં પેક કરીને અવાવારૂ જગ્યા પર ફેંકી દીધી હતી. આરોપી માતાની પૂછપરછ દરમ્યાન અને પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ ગામમાં રહેતો હાર્દિક રજનીભાઇ પટેલ નામનો ૨૩ વર્ષીય યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જો કે પોલીસ તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના ઘેરામાં આવી હતી. જેથી પોલીસે તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેણે જ અન્ય ત્રણ ઈસમો સાથે મળી ને હાર્દિકની હત્યા કરી દીધી છે અને મૃતદેહ નો નિકાલ કરી નાખ્યો હતો. સાવકી માતાની તપાસમાં જાણવા મળ્યું કે, રૂપિયાની લેતી દેતીમાં સાવકી માતાએ તેના પુત્રના નામે સગા સંબંધીઓ પાસેથી રૂપિયાની માંગણી કરતાં તેના પુત્ર હાર્દિકે તેની માતાને આમ નહી કરવા ઠપકો આપ્યો હતો, જેની અદાવત રાખી આરોપી માતાએ પોતાના ત્રણ મિત્રોને નાસિક ખાતેથી બોલાવ્યા હતા અને પુત્રની હત્યાના ઘડેલા પ્લાન મુજબ, તેને ગળે ટૂંપો દઇ હત્યા કરી તેના હાથપગ બાંધી લઇ લાશ કોથળમાં ભરી અવાવરૂ જગ્યાએ ફેંકી દઇ તેનો નિકાલ કર્યો હતો પરંતુ આખરે આરોપી માતાની કાળી કરતૂતનો પર્દાફાશ થઇ જ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ અમદાવાદ શહેરમાં એક સગી માતાએ પ્રેમીને પામવા માટે માત્ર ત્રણ વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ કિસ્સામાં પણ માતા તેના ત્રણ વર્ષના દીકરાને લઈને પ્રેમીને મળવા ગેસ્ટ હાઉસમાં ગઇ હતી. જ્યાં અંગત પળો માણવામાં બાળક ખટકતો હોવાથી દૂધમાં ઝેર ભેળવીને સગી માતા અને તેનાં પ્રેમીએ બાળકને દૂધ પીવડાવી દીધું હતું. ત્યાર બાદ બાળકને ઘરે લાવી સુવડાવવાનું નાટક માતાએ કર્યું હતું. પણ દાદા જ્યારે બાળકને રમાડવા ગયા ત્યારે તે બેભાન હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ આ અનૈતિક સબંધ માટે રચાયેલા કાવતરમાં માસૂમ યુવી નામના બાળકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બાબતમાં બાળકની માતાની પૂછપરછ કરતા તેણે સમગ્ર કાવતરાની જાણ કરી હતી. આખરે પિતાએ પોતાના બાળકની હત્યા માટે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેમાં પ્રેમી સામે ગુનો નોંધાવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. આ બનાવે પણ હળાહળ કળિયુગની જાણે કે પ્રતીતિ કરાવી દીધી છે. છેલ્લા બે દિવસના આ બે કિસ્સાઓએ સમાજ કઇ ગંભીર ગુનાહિત માનસિકતા તરફ આગળ વધી રહ્યો છે અને લોકોના મગજ કેટલી હદ સુધી વિકૃત થતા જાય છે તેની પ્રતીતિ આ કિસ્સાઓ પરથી થઇ રહી છે ત્યારે સભ્ય સમાજના લોકોએ પણ આવા કિસ્સાઓ પરથી હવે ચેતતા રહેવાની અ્ને જાગૃતતા દાખવવાની જરૂર છે.
#bharatmirror #bharatmirror21 #news