વિવિધ ભરતી પ્રક્રિયાના અંતે એક જ દિવસે ૬૨ હજાર યુવાનોને નિમણૂક પત્રો અપાયા
રોજગારદાતા અને રોજગાર વાંચ્છુઓ વચ્ચે ડિજિટલ સેતુરૂપ રોજગાર પોર્ટલ “અનુબંધમ્”નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી
રોજગાર દિવસને લઇ જિલ્લા-મહાનગરપાલિકાનાં કુલ ૫૨ સ્થળોએ મેગા જોબફેર અને નિમણૂક પત્રોના વિતરણ કાર્યક્રમો યોજાયા
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાણંદ ખાતે અને અન્ય મંત્રીશ્રીઓ વિવિધ જિલ્લામથકોએ સહભાગી થયા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.6
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકારને તા.૭ ઑગસ્ટના રોજ પાંચ વર્ષની સફળ પૂર્ણતાના વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ તા.૧લી ઑગસ્ટથી તા. ૯મી ઑગસ્ટ દરમિયાન રાજયવ્યાપી આયોજન કરાયુ છે. જે અંતર્ગત તા.૫મી ઑગસ્ટના રોજ “રોજગાર દિવસ” નિમિત્તે રાજ્યનાં તમામ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાનાં કુલ ૫૨ સ્થળોએ મેગા જોબફેર અને નિમણૂક પત્રોના વિતરણ કાર્યક્રમો યોજાયા હતા.
કોરોનાના કપરા કાળમાં જયારે વિશ્વ આખુ રોજગારી સહિતની અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે એવા સમયે પણ દેશભરમાં ગુજરાતનો રોજગારી દર સૌથી ઊંચો રહ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ સહિત અન્ય સરકારી વિભાગોમાં શિક્ષણ સહાયક, નર્સ સહિતના વિવિધ સંવર્ગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. બોર્ડ-કોર્પોરેશનની તથા ખાનગી ક્ષેત્રોમાં પણ મહત્તમ રોજગારી પૂરી પાડવામાં આવી છે. જેમાં પસંદગી પામેલા અંદાજે ૬૨ હજાર યુવાનોને આજે સુરત ખાતેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
રોજગાર દિવસ નિમિતે અભિનવ ડિજિટલ પહેલ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રોજગારદાતા અને રોજગાર વાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ એક વિશેષ રોજગાર પોર્ટલ “અનુબંધમ્” તૈયાર કરવામાં આવ્યું છે જેનો પણ આજે મુખ્યમંત્રીશ્રીએ શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુરતમાં રોજગાર દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે, યુવાધનને ‘જોબ સિકર નહીં, પણ જોબ ગિવર’ બનાવવાના સરકારના અભિનવ અભિગમના કારણે યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટેના અવસરો પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજ્ય સરકારે લીધેલા યુવાધન માટેના અનેક ભવિષ્યલક્ષી પગલાઓ, નીતિઓ અને શ્રેણીબદ્ધ રોજગાર મેળાઓ થકી છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ સરકારી નોકરી આપી છે. ‘લર્નિંગ વીથ અર્નિંગ’ના અભિનવ અભિગમ સાથે રાજ્ય સરકારે શરૂ કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૨.૩૦ લાખથી વધુ યુવાનોને આ યોજનાનો લાભ મળ્યો છે. ગુજરાતમાં ભારતના સૌથી વધુ ૨૪ ટકા એપ્રેન્ટિસ છે. એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓને પ્રતિ માસ અભ્યાસની સાથે રાજ્ય સરકારનું રૂ.૫ હજાર સુધીનું સ્ટાઇપેન્ડ મળતાં ઉદ્યોગો પર આર્થિક ભારણ પણ રહ્યું નથી.
ગુજરાતની ‘જોબ ગિવર’ તરીકેની સરાહનીય ભૂમિકાનો ઉલ્લેખ કરતા દેશના અન્ય રાજ્યોમાંથી રોજગાર અર્થે આવીને વસેલા ૨૫ લાખ શ્રમિકોને ગુજરાત રોજી-રોટી પૂરી પાડી રહ્યું છે. ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’-તકોની ધરતી બનેલા ગુજરાત રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરનો વ્યાપ મોટા ફલક પર વિસ્તરી રહ્યો છે, જે રાજ્યના યુવાધનને રોજગારી આપવાનું ઉમદા પ્લેટફોર્મ છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગ્લોબલ ફાયનાન્સીયલ અને આઈ.ટી. હબ તરીકે વિકસી રહેલા ગિફ્ટ સિટી ગાંધીનગર તેમજ સુરતના નિર્માણાધીન અત્યાધુનિક ડાયમંડ બુર્સ એમ આ બંને પ્રોજેક્ટમાં એક-એક લાખથી વધુ રોજગારીનું સર્જન થશે. જેનો સીધો લાભ કુશળ યુવાઓને થવાનો છે. યુવાનોને સરળતાથી નોકરી અને ઔદ્યોગિક એકમોને જરૂરિયાત અનુસાર કુશળ માનવબળ મળી રહે એ અમારી સરકારની પ્રાથમિકતા છે.
અમદાવાદના સાણંદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વૈશ્વિક કંપનીઓને આમંત્રણ આપી ઉદ્યોગો થકી યુવાનો માટે રોજગાર સર્જન કર્યું છે. નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલી વિકાસયાત્રાને અવિરત રાખવાની નેમ સાથે ગુજરાત સરકાર કૃષિ અને ઔધોગિક વિકાસના માધ્યમથી મહત્તમ યુવાનોને રોજગાર પૂરું પાડવાના ધ્યેય સાથે કાર્યરત છે. જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું ત્યારે વિરોધીઓ ટીકા કરતા હતા, પણ આજે પરિણામો આપણી સામે છે અને ગુજરાત રોજગાર સર્જનમાં સમગ્ર ભારતમાં અવ્વલ છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર યુવાનોને રોજગાર આપવા સંકલ્પબધ્ધ છે. જેના પરિણામે રાજ્યમાં રોજગારની નવી તક ઉપલબ્ધ બનતા બેરોજગારીનો દર ઘટશે. કોરોના કાળમા અન્ય રાજ્યના ૧૫ લાખથી વધુ શ્રમિકોને ટ્રેન મારફતે તેમના વતન મોકલવામાં આવ્યા , તે આંકડો જ પુરવાર કરે છે કે ગુજરાતમાં કેટલી મોટી સંખ્યામાં રોજગાર ઉપલબ્ધ છે. રાજ્યમાં સાણંદ અને મોરબી જેવા ઔદ્યોગિક કેન્દ્ર કઈ રીતે ઉભરી આવ્યા અને તે ગુજરાતના GST કલેકશનમાં કેવી રીતે મહત્વનો ફાળો આપી રહ્યા છે, તેની પણ રૂપરેખા આપી હતી.
સુરત ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત ઊર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં સૌથી વધુ રોજગારીનું આપતુ રાજય ગુજરાત રહ્યું છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસના કારણે લોકોની જિંદગી બદલવાની સાથે સુખ શાંતિમાં વધારો થયો છે. જેમ વિકાસ દર વધે છે તેમ રોજગારીનું સર્જન પણ થાય છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ જે વચન આપીએ છીએ તેની પાળી બતાવીએ છીએ. સરકારની સારી નીતિઓના કારણે મોટા ઉદ્યોગો ગુજરાતમાં રોકાણ કરે છે જેથી રોજગારીમાં વધારો થાય છે. રાજયમાં ૩૦ લાખ એમ.એસ.એમ.ઈ. યુનિટ થકી સવા કરોડ લોકોને રોજગારી પ્રાપ્ત થઇ રહી છે. રાજયમાં પ્રથમ પ્રોડકશન પછી પરમીશનની નીતિના કારણે અનેકગણી રોજગારી ઉપલબ્ધ થઈ રહી છે. સ્ટાર્ટઅપ પોલીસીમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ટુરીઝમ પોલીસીના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી મળતી થઈ છે. હાલ રાજયમાં બે લાખ વિદ્યાર્થીઓ આઇ.ટી.આઈ.માં અભ્યાસ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયની આઈ.ટી.આઈ.માં આધુનિક મશીનરીઓ ઉપલબ્ધ હોવાના કારણે ઉમેદાવારો નવી ટેકનોલોજી સાથે તાલ મીલાવીને મોટા ઉદ્યોગોમાં સરળતાથી નોકરી મેળવી રહ્યા છે.
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપ ઠાકોરે દ્વારકા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આજના દિવસે રાજયમાં ૫૦ હજાર રોજગાર વાચ્છુંઓને નિમણૂંક આપવાના લક્ષ્યાંક સામે ૬૨ હજાર ઉપરાંત યુવાનોને પ્લેસમેન્ટ ઓર્ડર આપવામાં આપણે સફળ થયા છીએ. રાજયની રોજગાર કચેરીઓ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં કુલઃ ૪૭,૩૮૮ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવેલ છે. જે પૈકી ૩૭૫ વર્ચ્યુઅલ ભરતીમેળાના આયોજન થકી ૧૮,૭૧૯ ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલ છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજયની રોજગાર કચેરીઓ દ્વારા કુલ ૧૭ લાખ ઉપરાંત ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. જે પૈકી ૫,૫૩૯ રોજગાર ભરતીમેળાના આયોજન થકી ૧૦,૬૦,૧૧૫ ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલ છે. રાજયનો યુવાન સ્કીલ તરફ આગળ વધે અને વધુમાં વધુ રોજગારી મેળવે તે માટે અનેક પ્રયાસો રાજય સરકારે કર્યા છે.
કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુએ બનાસકાંઠા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યુ કે, દરેક માતા-પિતાની એક અપેક્ષા હોય છે કે પોતાનું સંતાન ઉચ્ચ સ્થાન પર પહોંચે. આ અપેક્ષાઓને ઉડાન આપવા માટે સરકારે અનેક નિર્ણયો લીધા છે. વર્ષ-૧૯૯૫માં રાજ્યમાં માત્ર ૯ યુનિવર્સિટીઓ હતી. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આપણા દિકરા-દિકરીઓને બહારના રાજ્યોમાં જવું પડતું હતું. આજે રાજ્યમાં વિવિધ ફેકલ્ટીની ૯૧ યુનિવર્સિટીઓ કાર્યરત છે, હવે આપણા દિકરા-દિકરીઓ ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યાં છે. આ ઉપરાંત દેશના અન્ય પ્રદેશો અને વિદેશોમાંથી વિધાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરવા માટે આવે છે.
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગર ખાતે જણાવ્યુ કે, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાં માટે રાજ્યમાં પ્રતિ બે વર્ષે વાઇબ્રન્ટ સમીટ કરવામાં આવે છે. જેના લીધે રાજ્યમાં મૂડીરોકાણ વધ્યું છે. આ બધાને લીધે પણ રાજ્યમાં રોજગારની વ્યાપક તકો ઉભી થઇ છે. રોજગાર અને વિકાસ એ સિક્કાની બે બાજુ છે. જો વિકાસ થશે તો આપોઆપ રોજગારના અવસર ઉભા થવાના છે. આ માટે સરકારી નીતિ પણ યોગ્ય હોવી જોઇએ. આ માટે રાજ્યભરમાં જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરી અનેક રોજગારના અવસર ઉભા કરાયાં છે. છેલ્લાં ૫૦ વર્ષામાં જે સમસ્યાઓ હતી તેનું અમારી સરકારે નિદાન શોધી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આથી આ કોઇ ઉજવણી નથી પરંતુ કરેલાં સેવા કાર્યો લોકો સુધી લઇ જવાનો સેવાયજ્ઞ છે.
રોજગાર દિવસ નિમિત્તે રાજયભરમાં કુલ-૫૨ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અમદાવાદ ખાતે ૮, રાજકોટ ખાતે ૪, સુરત ખાતે ૩, ગાંધીનગર, વડોદરા, જુનાગઢ, ભાવનગર, કચ્છ, ભરૂચ અને જામનગર ખાતે ૨-૨ અને સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, આણંદ, સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, પોરબંદર, અમરેલી, બોટાદ, મોરબી, પાટણ ખાતે ૧-૧ મળી કુલ-૫૨ કાર્યક્રમો યોજાયા હતા.
રાજ્યવ્યાપી યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી વ્યારા ખાતે, કેબિનેટ મંત્રી સર્વ શ્રી કૌશિકભાઇ પટેલ નડિયાદ ખાતે, ઈશ્વરભાઇ પરમાર રાજપીપળા ખાતે, શ્રી કુંવરજીભાઈ બાવળીયા દાહોદ ખાતે, શ્રી જવાહર ચાવડા આણંદ ખાતે, શ્રી જયેશભાઇ રાદડીયા બોટાદ ખાતે, શ્રી ગણપત વસાવા છોટા ઉદેપુર ખાતે, રાજ્ય મંત્રી સર્વશ્રી પ્રદિપસિંહ જાડેજા મોડાસા ખાતે, શ્રી રમણભાઈ પાટકર પાટણ ખાતે, શ્રી બચુભાઈ ખાબડ વડોદરા ખાતે, શ્રી વિભાવરીબેન દવે નવસારી ખાતે, શ્રી જયદ્રથસિંહ પરમાર ગોધરા ખાતે, શ્રી ઇશ્વરસિંહ પટેલ રાજકોટ ખાતે, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા મોરબી ખાતે, શ્રી વાસણભાઇ આહીર ગાંધીધામ ખાતે, શ્રી કિશોરભાઇ કાનાણી જુનાગઢ, શ્રી યોગેશ પટેલ સુરેન્દ્રનગર ખાતે ઉપરાંત સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત અન્ય પદાધિકારીઓ વિવિધ જિલ્લા મથકે ઉપસ્થિત રહ્યા હતા.