દેશભરમા ખેડૂતોને સતત, નિરંતર અને પૂરતા દબાણથી દિવસે વીજળી આપવામાં ગુજરાત રાજ્ય અગ્રેસર-ઊર્જા મંત્રીશ્રી, સૌરભભાઇ પટેલ
સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપવામાં ગુજરાત રાજ્ય દેશભરમા પ્રથમ ક્રમે
રાજ્યમાં સોલાર રૂફ ટોપ યોજના થકી અંદાજે ૨.૫ લાખથી વધુ વીજ જોડાણો દ્વારા ૧૨૩૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન
દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતનો ઊર્જા વિભાગ છેલ્લા પાંચ વર્ષમાં વધુ ઉર્જાવાન બન્યો
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.2
કોઇપણ રાષ્ટ્ર અને રાજ્યના વિકાસમાં ઊર્જા શક્તિ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે ગુજરાતમા છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયા તે ઉપલક્ષમાં ઊર્જા વિભાગમાં આવેલ બદલાવો અને પ્રગતિનો ચિતાર ઊડીને આંખે વળગે તેવો છે. રાજયના ઊર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ભાજપ સરકારના પાંચ વર્ષના સુશાસનના પૂર્ણ થવાના અવસરે રાજયભરમાં યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો પૈકી આજે બીજા દિવસે સંવેદના દિવસ નિમિતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઊર્જાક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષમાં આમૂલ પરિવર્તન લાવી પ્રજાની માંગણીઓ અને ભવિષ્યને ધ્યાને લઇને અનેક પ્રકારની યોજનાઓ અને અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. જેના થકી રાજ્યમાં ખેડૂતોને સતત, નિરંતર અને દિવસે સવારના ૫ વાગ્યા થી રાત્રીના ૯ વાગ્યા સુધી બે તબક્કામાં વીજપૂરવઠો આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે તે સહિતની વિગતો આપી હતી.
ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ઊર્જા વિભાગ દ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતા ૯૦૦૦ મેગાવૉટ સુધી વધારવામાં આવી છે. વીજળીનો પુરવઠો પૂરતો મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં ૫૦૮ જેટલા નવા સબ સ્ટેશનો ઉભા કરીને કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોને ૫.૫ લાખ ખેતી વિષયક વીજ જોડાણો આપવામાં આપવામાં આવ્યા છે તેની પાછળ રાજ્ય સરકારે અંદાજે ૩૦ હજાર કરોડ રૂપિયાની સબસીડીનો લાભ આપ્યો છે. ખેડૂતોને સાતત્યપૂર્ણ અને પૂરતા દબાણથી વીજળી મળી રહે તે માટે ૨૨૧૧ જેટલા ફીડરોનું વિભાજન પણ કરવામાં આવ્યા છે. એક ખેતી વિષયક નવા વીજ જોડાણ આપવા માટે સરકારને અંદાજે દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે ખેડૂતો પાસેથી ૫ હોર્સપાવરના રૂપિયા ૭૮૫૫ અને ૧૦ હોર્ષપાવરના રૂપિયા ૧૪૩૪૦ જેટલું ચાર્જ વસુલ કરે છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને આદિજાતીના ખેડૂતોને ૫ હોર્સપાવરના રૂપિયા ૧૩૫૫ અને દસ એચ.પી.ના ૨૫૬૦ જેટલો ચાર્જ વસુલ કરવામાં છે. રાજ્ય સરકારે ખેતી વિષયક વીજ જોડાણમાં છેલ્લા ૧૭ વર્ષથી વીજદરમાં કોઇપણ જાતનો વધારો કર્યો નથી. ઉપરાંત ખેડૂતોને છેલ્લાં પાંચ વર્ષમાં ૨૯૫૩૧ કરોડ રૂપિયાની સબસીડી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ઊર્જા વિભાગ દ્વારા હવે રાજ્યના નાગરિક પણ વીજ ઉત્પાદન કરી શકે તે માટે સોલાર રૂફ ટોપ યોજના લાગુ કરીને ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપવામાં પ્રથમ ક્રમે છે. રાજ્યમાં સોલાર રૂફ ટોપ યોજના થકી અંદાજે ૨.૫ લાખથી વધુ વીજ જોડાણો દ્વારા ૧૨૩૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા દેશના સૌપ્રથમ અંદાજે રૂ. ૧,૫૦,૦૦૦ કરોડના રોકાણની ક્ષમતા ધરાવતો વિશાળ અલ્ટ્રામેગા સોલાર પાવર પાર્કનું કચ્છ જિલ્લાના ખાવડા ગામ નજીક રણ વિસ્તારની ખરાબાની પડતર/બિનઉપજાઉ ૭૨,૬૦૦ હેક્ટર નજીકમાં આંતરરાષ્ટ્રીય સરહદ , બોર્ડર સિક્યોરિટી ફોર્સ-વિઘાકોટની પોસ્ટ નજીક આયોજન કરવામાં આવ્યું છે. ઊર્જા વિભાગ રાજ્યના યુવાનોને રોજગારી આપવામાં પણ અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫ હજારથી વધુ યુવાનોને વિવિધ સ્થાનો પર ભરતી કરીને રોજગારી પૂરી પાડી છે. આ ઉપરાંત ૨૭ હજાર કરતાં વધુ યુવાનોને એપ્રેન્ટીસશીપ હેઠળ ટ્રેઇનીંગ આપવામાં આવી છે.
ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ઉમેર્યું કે, કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના ૩૯૧૫ જેટલા ગામોના ૩.૩૮ લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે જ્યારે આગામી ૫મી ઓગસ્ટના રોજ રાજ્યના ૧૫૦૦થી વધુ ગામોના ૧.૧૦ લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આમ રાજ્યના અંદાજે ૫૫૦૦ ગામડાઓને ખેડૂતોને સૂર્યોદય યોજના થકી ખેતીવાડી ફીડર પર દિવસ દરમિયાન સવારે ૫.૦૦ વાગ્યા થી રાત્રીના ૯.૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ કિસાન સૂર્યોદય યોજના હેઠળ ૧૦ નવા સબસ્ટેશનો, ૨૮૧ ટ્રાન્સમીશન લાઇનમાં ૪૫૧૭ સર્કિટ કિ.મી. નવી વીજરેષાઓ સ્થાપિત કરવામાં આવશે.
સતત, નિરંતર અને પૂરતા દબાણથી વીજ પૂરવઠો આપવા માટે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૦૦થી વધુ સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે ઉપરાંત આગામી ત્રણ વર્ષમાં વધુ ૪૦૦ જેટલા સબ સ્ટેશન સ્થાપવાનું આયોજન પણ કરી દેવાયું છે. ઉપરાંત રાજ્યના અંદાજે ૩.૨૭ લાખથી વધુ ગરીબ અને વંચિત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક ઘર વપરાશના વીજ જોડાણો આપવામાં આવ્યા છે.
રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત રાજ્ય સમગ્ર દેશ માટે રોલ મોડેલ સાબિત થઇ રહ્યું છે. એશિયાનો પ્રથમ ૭૩૦ મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલાર પાર્ક તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે સ્થાપિત કરવામાં આવ્યો હતો. ૫૦૦૦ મેગાવૉટની ક્ષમતાવાળુ સોલારપાર્ક યુનિટ અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે દરિયાઇ ખારી જમીનમાં સ્થાપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાધાનેસડા ખાતેં ૭૦૦ મેગાવોટ અને બનાસકાંઠા સુઇગામના હર્ષદ ખાતે ૫૦૦ મેગાવોટના અલ્ટ્રામેગા સોલાર પાર્ક સ્થાપિત કરાયા છે. આમ, સમગ્ર રાજ્યમાં ગત પાંચ વર્ષ દરમિયાન ૭૬૫૦ મેગાવૉટની રીન્યુએબલ વીજ કેપેસીટીમાં વધારો કરવામાં આવ્યો છે.
દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના હેઠળ રાજ્યમાં ૯૨૪.૬૯ કરોડ રૂપિયાનું ગ્રામ્ય વિસ્તારમાં રોકાણ કરીને ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વરા હાથ ધરાતા એન્યુએલ ઇન્ટિગ્રેટેડ રેટિંગ ઓફ સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝના દરેક વર્ષમાં ચારેય વીજકંપનીઓને સંચાલન અને આર્થિક કામગીરીની શ્રેષ્ઠ ક્ષમતા બદલ “એ પ્લસ” રેટિંગ પ્રાપ્ત થયું છે. એટલું જ નહીં પરંતુ રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓ પ્રથમ ચાર ક્રમે આવીને સમગ્ર દેશમાં ગુજરાતને ઊર્જા ક્ષેત્રે શિરમોર સ્થાન અપાવેલ છે એમ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે અંતમાં જણાવ્યું હતું.