સુરતના કડોદરા વિસ્તારનો કાળજા કંપાવી દે તેવો બનાવ – સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી
આત્મહત્યા પહેલા સગર્ભા મહિલાએ પોતાની નણંદને ફોન કરી કહ્યું કે, દીદી મેં કિસનાને મારી નાંખ્યો છે અને હવે હું પણ આત્મહત્યા કરૂ છું
સગર્ભા મહિલાનો બીજો ચાર વર્ષનો બાળક દાદાની સાથે સૂઇ રહ્યો હતો, તેથી બચી ગયો – કડોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
સુરત, તા.18
સુરતમાં કડોદરા વિસ્તારમાં આજે એક સગર્ભા મહિલાએ પોતાના અઢી વર્ષના બાળકની હત્યા કર્યા બાદ પોતે પણ ફલેટના 4થા માળેથી પડતુ મૂકી આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. કાળજા કંપાવી મૂકે એવી વાત તો એ છે કે, આ સગર્ભા મહિલાએ મોત વ્હાલુ કરતા પહેલા તેના અઢી વર્ષના બાળકની હત્યા કરી હતી. દીકરાની હત્યા બાદ મહિલાએ ચાર માળની બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સગર્ભા મહિલાએ આત્મહત્યા કરતાં પહેલા પોતાની નણંદને ફોન કર્યો અને કહ્યું હતું દીદી મેં કિસનાને મારી નાખ્યો અને હું આત્મહત્યા કરું છું. કમકમાટીભર્યા આ બનાવને પગલે સમગ્ર કડોદરા વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કડોદરા વિસ્તારમાં ગ્રીન સિટીના યુનિક એપાર્ટમેન્ટમાં રહેતી 30 વર્ષીય સગર્ભા મહિલા વનિતાબેન મહેશભાઇ પાંડેએ આજે સવારે એપાર્ટમેન્ટ પરથી કૂદીને મોત વ્હાલુ કર્યું છે. પાંડે પરિવાર મૂળ યુપીનો રહેવાસી છે. વનિતા પાંડેના પતિ અને સસરા અલગ રૂમમાં સૂતા હતા. તો સગર્ભા વનિતાબેન પોતાના નાના બાળક સાથે અલગ રૂમમાં સૂતા હતા. વહેલી સવાર છ વાગ્યે વનિતાબેને 4થા માળેથી કૂદીને મોત વ્હાલુ કર્યું હતું. પરંતુ આઘાતજનક વાત એ છે કે, પોતે આત્મહત્યા કરતાં પહેલા વનિતાબહેને પોતાના અઢી વર્ષના પુત્ર કિસનાની પણ હત્યા કરી નાંખી હતી. મહિલાના આપઘાત બાદ બાળકનો મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવ્યો હતો. આ જાણીને પરિવાર પણ ચોંકી ગયો હતો. મૃતક વનિતા પાંડેને અન્ય એક 4 વર્ષનો પણ બાળક હતો જે દાદા સાથે સૂતો હોઇ બચી ગયો હતો. પરંતુ સગર્ભા મહિલાના આત્મહત્યાના પગલાંને લઇ સમગ્ર પરિવાર ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયો હતો.
સગર્ભા મહિલાઓ કયા કારણસર આત્મહત્યાનું આ અંતિમ પગલુ ભર્યું તેનું કારણ જાણવાની દિશામાં કડોદરા પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મરનાર વનિતાબેનને છ માસનો ગર્ભ હતો. ઉપરાંત તેણીએ આત્મહત્યા કરતાં પહેલા પોતાની નણંદને ફોન કર્યો અને કહ્યું કે, દીદી મેં કિસનાને મારી નાખ્યો અને હું આત્મહત્યા કરું છું. આટલુ કહ્યા બાદ વનિતાબેને પોતાના ફલેટના 4થા માળેથી પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં કડોદરા પોલીસ સ્ટાફના કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, કમકમાટીભર્યા આ બનાવને પગલે સમગ્ર કડોદરા વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ છે.
bharatmirror #bharatmirror21 #news