નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ફરી એકવાર હડતાળીયા ડોકટરોને ચીમકી આપતાં તાત્કાલિક ધોરણે હડતાળ સમેટી લેવા ફરમાન કર્યું
હડતાળ પર ગયેલા ડોક્ટરો અહમનો પ્રશ્ન ન બનાવે અને દર્દીઓના હિતમાં તાત્કાલિક કામે લાગી જાય તેવી મારી અપીલ – નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
અમદાવાદ,તા.7
રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા વિરોધના ભાગરૂપે હડતાળનું શસ્ત્ર ઉગાવમાં આવ્યું છે ત્યારે આજે રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ફરી એકવાર હડતાળીયા ડોકટરોને ચીમકી આપતાં તાત્કાલિક ધોરણે હડતાળ સમેટી લેવા ફરમાન કર્યું છે. રાજયમાં છેલ્લા ચાર દિવસથી રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર છે. જેને લઇને દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મેડિકલ વિદ્યાર્થીઓની આ હડતાળ મામલે આજે રાજયના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, હડતાળ પર ગયેલા ડોક્ટરો અહમનો પ્રશ્ન ન બનાવે અને દર્દીઓના હિતમાં તાત્કાલિક કામે લાગી જાય તેવી મારી અપીલ છે. આ પ્રશ્ન વધારે ખેંચવાનો પ્રયત્ન ન કરે. બીજીબાજુ, સરકારના વારંવારના ફરમાન છતાં ડોકટરો હડતાળ સમેટવાનું નામ નહી લેતાં હવે મામલો ગરમાયો છે.
રાજ્યમાં રેસિડન્ટ ડોક્ટરોની છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી હડતાળને લઇ રાજય સરકાર પણ આક્રમક મૂડમાં છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે અગાઉ જ સ્પષ્ટ કરી દીધુ હતું કે, ડોકટરોની આ હડતાળ ગેરકાયદે અને અયોગ્ય છે. જો તેઓ તાત્કાલિક ફરજ પર હાજર નહી થાય તો તેમની વિરૂધ્ધ પગલાં લેતાં સરકાર અચકાશે નહી પરંતુ હજુ સુધી ડોકટરો હડતાળ સમેટવાનું નામ નથી લેતા. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના જિલ્લાની સરકારી હોસ્પિટલના ચાર હજારથી વધુ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. તા.12-4-2021 ના બહાર પાડવામાં આવેલા કોવિડ ડ્યૂટી અંગે કરેલ 1:2 ની બોન્ડ પોલિસી અંગે અચાનક ફેરફાર કરાયો હતો, જેને લઇને ડોકટરોમાં નારાજગીની લાગણી પ્રવર્તી રહી છે. રેસિડેન્ટ ડોક્ટરના મુદ્દાઓને સાંભળ્યા વગર જ બોન્ડમાં 1:1 નો ફરેફાર કરવામાં આવતા રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરતાં દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓની હાલત ભારે કફોડી બની છે.
દરમ્યાન આ સમગ્ર મામલે આજે રાજયના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ફરી એકવાર સ્પષ્ટ વલણ કરતાં જણાવ્યું હતું કે, ડોકટરો પોતાની ગેરકાયદેસર રીતે ચાલતી હડતાળ સમેટી લઈને સરકાર સોંપે તે જગ્યાએ નોકરી કરવા ડોક્ટરો તૈયાર થઈ જાય. હવે રેસિડેન્ટ ડોક્ટરો રહેતા નથી. તેઓ ડોક્ટર બની ચૂક્યા છે. એટલે પોઇન્ટના આધારે સરકાર જે ગ્રામ્ય વિસ્તારમાં કહે ત્યાં નોકરી કરે. રાજ્ય સરકાર યોગ્ય પગાર પણ આપશે. હડતાળ પર ગયેલા ડોક્ટરો અહમનો પ્રશ્ન ન બનાવી કામે લાગી જાય તેવી મારી અપીલ છે. આ પ્રશ્નને વધારે ખેંચવાનો પ્રયત્ન ન કરે. દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓના હિતને પણ ધ્યાનમાં રખાવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે, 48 કલાકના અલ્ટીમેટમ બાદ પણ સરકારે વાત ના સાંભળતા રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ યથાવત છે. તબીબોએ ચાર દિવસ અગાઉ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સમક્ષ તેમની માંગ કરી હતી પરંતુ હેલ્થ કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ રજુઆત ના સાંભળતા ડોક્ટરોમાં ભારે રોષની લાગણી ફેલાયેલી છે. અગાઉ ચાર મુદ્દાઓ પર સરકારને રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર ડોક્ટરોની વાત સાંભળી રહી નથી.આખરે રેડસિડેન્ટ ડોક્ટરોના એસો. (JDA) દ્વારા તાત્કાલિક સારવારની સેવા બંધ કરવાનું આહવાન કર્યું હતું અને છેલ્લા ચાર દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગાવી પોતાની રજૂઆત સરકારના કાને પહોંચાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.