GSTR 2Aમાં દર્શાવેલ ITC કરતાં વધારે ITC મેળવતા વેપારીઓ વિરુદ્ધ GST વિભાગ દ્વારા કડક કાર્યવાહી
ખાસ સોફ્ટવેરની મદદથી વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરના આંકડાઓનું વિશ્લેષણના આધારે ITCનો ખોટો ક્લેઈમ કરનાર 99 વેપારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી
અમદાવાદ,તા.12
મુખ્ય રાજ્ય વેરા કમિશનર દ્વારા ચાલુ ક્વાર્ટર દરમિયાન રૂ. 171 કરોડ જેટલી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડિટ ભોગવનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ITC અંગેની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતા અમુક વેપારીઓ સરકારી વેરો પૂરેપૂરો ન ભરવાના હેતુથી તેમને ઉપ્લબ્ધ ITC કરતા GSTR- 3Bમાં વધારે ITC ક્લેઈમ કરે છે. આવું કરીને તેમના દ્વારા ભરવાપાત્ર વેરા કરતા ઓછી રકમ ભરવામાં આવે છે અને તેના કારણે સરકારી તિજોરીને નુકશાન થાય છે. આ નુકશાન અટકાવવા માટે વિભાગ દ્વારા ખાસ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે.
આ સોફ્ટવેરની મદદથી વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરના આંકડાઓનું વિશ્લેષણના આધારે ITCનો ખોટો ક્લેઈમ કરનાર 99 વેપારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન 99 પૈકી 78 વેપારીઓ મળ્યા નથી. જેથી તેમના વ્યવહારો શંકાસ્પદ જણાયછે અને તેઓ બીલીંગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોઈ તેમના અગાઉના વ્યવહારોની પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અધિક રાજ્ય વેરા કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ(વહીવટ) એ એક યાદીમાં જણાવ્યું છે.
આવી રીતે ખોટી રીતે ક્રેડિટ લેતા વેપારીઓ સામે વેરાની વસુલાતની કાર્યવાહી હાથ ધરવા માટે એકાઉન્ટ સીઝ કરવાથી સહિતના બીજા કાયદાકીય પગલા લેવામાં આવી રહ્યા હોવાનું યાદીમાં વધુમાં જણાવાયુ છે.