અમદાવાદ શહેરમાં ગંદકી અને રોગચાળો ના વકરે તે માટે સાફ સફાઈ પર ધ્યાન આપવા અને પૂરતી સ્વચ્છતા જાળવવા કડક સૂચના જારી
ગંદકી નિવારણના ભાગરૂપે અમદાવાદમાં કુલ 800 થી વધુ સિલ્વર પેટી મૂકવામાં આવી છે, જો કે, તેમછતાં ગંદકીના સામ્રાજયની ફરિયાદો યથાવત્
અમદાવાદ, 12
અમદાવાદ મહાનગર પાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં આજે વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આજે રૂ.1 કરોડ 55 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં ચોમાસાની સીઝન છે અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઠેર-ઠેર મચ્છર અને માખીનો ઉપદ્રવ છે., જેને લઇ રોગચાળાની ગંભીર દહેશત બની રહી છે ત્યારે સોસાયટી બહાર મુકવામાં આવતી સિલ્વર પેટી વિશે ફરિયાદો જીરો અવર્સમાં કરવામાં આવી હતી. અમદાવાદમાં 800 જેટલી સિલ્વર પેટી મૂકવામાં આવી છે. ત્યાં કચરો લેતી વખતે ત્યાં વધુ ગંદકી થાય તેવી અનેક ફરિયાદો આવી હતી. જેમાં આજે સોલિડ વેસ્ટ વિભાગને ખાસ સૂચના અપાઇ કે, આ તમામ વોર્ડમાં જરૂરી સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે અને શહેરમાં ગંદકી અને રોગચાળો ના વકરે તે હેતુથી સાફ સફાઇ અને પૂરતી સ્વચ્છતા જાળવવામાં આવે કે જેથી લોકોનું આરોગ્ય જોખમાય નહી.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સાફ સફાઈનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. અમદાવાદમાં અનેક જગ્યાઓ પર સિલ્વર પેટી સોસાયટી બહાર મુકવામાં આવતી હોય છે. કોર્પોરેશનના સફાઈ કર્મીઓ સાફ સફાઈ કરીને કચરો તેમાં નાખી શકે પરંતુ ત્યાં સોસાયટીના રહીશો પણ કચરો નાખે છે. એએમસીની ગાડી કચરો લેવા આવે છે ત્યારે પણ કચરો બહાર પડે છે,જે પછી તેની કોઈ સાફ સફાઇ થતી નથી જેથી ત્યાં માખી અને મચ્છર વધુ થાય છે. આવી અનેક ફરિયાદો કોર્પોરેશનને મળી હતી, જેને લઇ આ બાબતે આજે સોલિડ વેસ્ટ વિભાગને સૂચના આપવામાં આવી છે કે દરેક વોર્ડમાં સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવે અને પૂરતી સ્વચ્છતા જાળવવામાં આવે.
સાફ સફાઈ માટેની ફરિયાદ અગાઉ હેલ્થ અને હોસ્પિટલ કમિટીમાં પણ કરવામાં આવી હતી. ખુદ ભાજપના જ એક કોર્પોરેટરે આ બાબતે કમિટીને જાણ કરી હતી કે મેડિકલ વેસ્ટ ભરેલી ગાડી પોતાના વોર્ડમાં છે જે ખાલી નહીં થાય તો રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. આ પ્રકારની ફરિયાદ પણ બીજા વોર્ડમાંથી મળે છે. છતાં પણ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે ના તો સાફ સફાઈ પર ધ્યાન રાખવામા આવે છે. ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે પણ એ લોકો સમયસર આવતા નથી. સફાઇ કર્મચારીઓની ગંભીર બેદરકારી અને નિષ્કાળજીના કારણે નગરજનોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થઇ શકે છે અને શહેરમાં રોગચાળાની પરિસ્થિતિ વકરી શકે છે તેવી પણ દહેશત આ કોર્પોરેટરે વ્યકત કરી હતી.
અમદાવાદ મનપા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી હતી . જેમાં વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી, રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી , હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી તથા હોસ્પિટલ કમિટીના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 155 લાખના ખર્ચે પશ્ચિમ ઝોનમાં ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનના કામ કરાશે. તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ વોર્ડમાં 98 લાખના ખર્ચે આર સી સી રોડ બનાવવા અને સ્ટોર્મ વોટર લાઈન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં પણ કાંકરિયાના ફુડ કોર્ટનો કોન્ટ્રાકટ અંગે હેવમોર લાઈટ બિલ હેવમોર ભરશે તે સુધારા સાથે મંજૂરી આપવામાં આવી છે.