સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત યોજાયેલા સહસ્ત્ર કળશ મહોત્સવના અંતિમ દિવસે પંચમુખી હનુમાનની મૂર્તિને અભિષેકની વિધિને જોઇ શ્રધ્ધાળુ ભકતોએ ભારે ધન્યતા અનુભવી દાદાના ચમત્કારિક આશીર્વાદ મેળવ્યા
આ સહસ્ત્ર કળશ મહોત્સવમાં એકસાથે એક હજાર કળશ દ્વારા દાદાને ઔષધિ અને ધાન્ય સહિત પંચામૃતના અભિષેક કરવામાં આવ્યા
અમદાવાદ,તા.29
ભાવનગર જિલ્લાના બોટાદ પાસે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત યોજાયેલા સહસ્ત્ર કળશ મહોત્સવના અંતિમ દિવસે પંચમુખી હનુમાનની મૂર્તિને અભિષેક કરવામાં આવ્યો હતો, જે દરમ્યાન સાધુ-સંતો સહિત શ્રધ્ધાળુ દર્શનાર્થીઓએ દાદાના દર્શન અને તેમના અભિષેકની વિધિ જોઇ ભારે ધન્યતાનો અનુભવ કર્યો હતો. આજે રવિવારે સવારે સાડા પાંચ વાગ્યાથી શરૂ થયેલો આ અભિષેક સાંજે સાડા ચાર વાગ્યે પૂરો થયો હતો. જેને લઇ દાદાની ભકિતનો માહોલ છવાયો હતો.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે યોજાયેલા આ સહસ્ત્ર કળશ મહોત્સવમાં એકસાથે એક હજાર કળશ દ્વારા ઔષધિ અને ધાન્ય સહિત પંચામૃતના અભિષેક કરવામાં આવ્યા હતા. સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ કરવા પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે હનુમાન દાદાની સ્થાપના બાદ અત્યાર સુધીમાં જો ભૂલથી પણ કોઈ દોષ થયો હોય તો તે આ અભિષેકથી દુર થાય છે તેમજ દાદાના શોર્યમાં વધારો થાય છે. આજના અભિષેકની વિધિને જોઇ શ્રધ્ધાળુ ભકતોએ ભારે ધન્યતા અનુભવી દાદાના ચમત્કારિક આશીર્વાદ મેળવ્યા હતા.
સાળંગપુરમાં સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ અંતર્ગત જળયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં સૌ પ્રથમ વખત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ તારીખ 27,28 અને 29 ઓગષ્ટ એમ ત્રણ દિવસના આ મહોત્સવમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા-અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત નારાયણ કુંડ ખાતે 1000 મહિલાઓ દ્વારા ભવ્ય જળયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં અંબાડી સાથેના ગજરાજ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના દ્વાર જૂન માસથી ભક્તો માટે ખૂલ્યા છે. બે-અઢી મહિના બાદ મંદિરના દ્વાર ખુલતા દાદાના દર્શન કર્યા બાદ હરિભક્તોમાં ખૂબ આનંદ જોવા મળી રહ્યો હતો. તો આ તરફ મંદિર વહીવટી વિભાગ દ્વારા દર્શને આવતા હરિભક્તો માટે ફરજીયાત માસ્ક, સેનેટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. મંદિર પરિસરમાં કોવીડ ગાઇડલાઇન્સનું પણ ચુસ્તપણે પાલન કરાવાઇ રહ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news