ભાઇ જગન્નાથજી ભગવાને પણ પોતાની વ્હાલી બહેનને સોનાના આભૂષણો, અલંકારો ભેટ સ્વરૂપે અર્પણ કર્યા
અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં રક્ષા બંધન પર્વની પરંપરાગત ઉજવણી કરાઇ, જે જોઇ શ્રધ્ધાળુ ભકતો પણ ગદ્ ગદ્ બન્યા
આજે રક્ષાબંધન અને શ્રાવણી પૂનમને લઇ રાજયના સોમનાથ તીર્થધામ, દ્વારકા, ડાકોર, શામળાજી અને અંબાજી યાત્રાધામોમાં પણ ભકતોની ભારે ભીડ જામી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.22
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર. આજે રાજ્યભરમાં રક્ષાબંધનના પવિત્ર અને પાવન એવા તહેવારની ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને આજના પાવન પર્વ અને શ્રાવણી પૂનમને લઇ રાજયના સોમનાથ તીર્થધામ, દ્વારકા, ડાકોર, શામળાજી અને અંબાજી યાત્રાધામોમાં તો આજે ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટયા હતા. તો, આ તીર્થધામોમાં શ્રાવણી પૂનમને લઇ ભગવાનનો વિશેષ સાજ શણગાર અને આરતી કરવામાં આવ્યા હતા. બીજીબાજુ, અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે રક્ષાબંધન પર્વની વિશેષ અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહેન સુભદ્રાજીએ પોતાના વ્હાલસોયા ભાઇ ભગવાન જગન્નાથજી અને ભાઇ બલરામને ભારે હેત અને આશીર્વાદ સાથે રાખડી બાંધી હતી. બહેને રાખડી બાંધ્યા બાદ ભાઇ જગન્નાથજી ભગવાને પણ પોતાની વ્હાલી બહેન સુભદ્રાજીને સોનાના આભૂષણો અને અલંકારો ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથજી મંદિર ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જગન્નાથજી મંદિરના મહારાજ શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઇ ઝા સહિત અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. જગન્નાથજી મંદિરમાં દર્શનાર્થે આવેલા શ્રધ્ધાળુ ભકતોએ પણ આજે જગન્નાથજી મંદિરમાં બહેન સુભદ્રાજી અને ભાઇ જગન્નાથજી, બલરામજીની રક્ષાબંધનની ઉજવણી જોઇ અને બહેન સુભદ્રાજીને અર્પણ કરાયેલા દર્શનાર્થે મૂકાયેલા સોનાના આભૂષણો, અલંકારોના દર્શન કરી ભારે ધન્યતા અનુભવી હતી.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં બે મંદિર એવા છે કે જ્યાં ભગવાન જગન્નાથજી પોતાના બહેન સુભદ્રાજી સાથે બિરાજમાન છે, એક જગન્નાથપુરી કે જ્યાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી સાથે બિરાજમાન છે અને બીજું ગુજરાતનું અમદાવાદમાં આવેલ જગન્નાથ મંદિર જ્યાં ભગવાન જગન્નાથજી પોતાના બહેન સુભદ્રાજી સાથે બિરાજમાન છે. આજે ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક એટલે કે રક્ષાબંધન, જેને લઇ આજે રક્ષાબંધનની પરંપરાગત ઉજવણી જગન્નાથજી મંદિરમાં કરવામાં આવી હતી. બહેન સુભદ્રાએ ભાઈ ભગવાન જગન્નાથજીને રાખડી બાંધી પોતાના વ્હાલસોયા ભાઇ પર હેત વરસાવ્યું હતું. તો ભગવાન જગન્નાથજીએ પણ બહેન સુભદ્રાજીને સોનાના અલંકારો ભેટ સ્વરૂપે અર્પણ કરી તેમને પ્રસન્ન કર્યા હતા. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે, જે આજે પણ યથાવત રહેવા પામી છે. ભગવાન જગન્નાથજીને રાખડી બાંધવાની વિધિ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં ઉમટેલા શ્રધ્ધાળુ ભકતો પણ આજે બહેન-ભાઇના પવિત્ર પર્વ અને તેની ઉજવણીનો જોઇ ધન્ય બન્યા હતા. રક્ષાબંધન અને શ્રાવણી પૂનમને લઇ આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામનો વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યો હતો, જે અતિ મનમોહક જણાતો હતો.
હિન્દુ શાસ્ત્રોમાં તહેવારોનું વિશેષ મહત્વ છે.અને તહેવારોના દિવસે મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આજે પણ રક્ષા બંધનના પવિત્ર પર્વને લઇ રાજયના સોમનાથ તીર્થધામ, દ્વારકા, ડાકોર, શામળાજી, અંબાજી જેવા તીર્થધામોમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો દર્શનાર્થે ઉમટયા હતા. ખાસ કરીને આજે શ્રાવણી પૂનમ પણ હોઇ આ તીર્થધામોમાં ભકતોની ભારે ભીડ અને ધસારો જોવા મળ્યા હતા.
રક્ષા બંધન અને શ્રાવણી પૂનમને લઇ તીર્થધામોમાં ભગવાનના વિશેષ સાજ-શણગાર અને આરતી કરવામાં આવ્યા હતા, જેને જોઇ ભકતોએ ભારે ધન્યતાનો અનુભવ કર્યો હતો. દ્વારકા પાસે નાગેશ્વર જયોર્તિલિંગ, ઉજ્જૈનના મહાકાલેશ્વર જયોર્તિલિંગ સહિતના તીર્થધામોમાં પણ રક્ષાબંધનના પર્વ અને શ્રાવણી પૂનમને લઇ દેવાધિદેવ મહાદેવ ભોળાનાથનો વિશેષ સાજ શણગાર અને પૂજા, અર્ચના, આરતી કરવામાં આવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news