અમદાવાદ સહિત રાજયભરમાં મેઘરાજાએ મન મૂકીને જમાવટ કરતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી
વલસાડના તમામ તાલુકાઓમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઇ, વારોલી નદીમાં ઘોડાપૂર
રાજયના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં મેઘરાજાએ ભારે જમાવટ કરી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.31
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે મેઘરાજાએ મન મૂકીને જાણે મહેર વરસાવી હતી. રાજયના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં મેઘરાજાએ ભારે જમાવટ કરી હતી. રાજયમાં આજે સૌથી વધુ વરસાદ વલસાડ પંથકમાં નોંધાયો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામમાં તો જાણે આભ ફાટયુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. વલસાડના ઉમરગામમાં છેલ્લા 12 કલાકમાં 12 ઇંચ વરસાદ નોંધાતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઉમરગામ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે વારોલી નદીમાં આવ્યું ઘોડાપૂર આવ્યું છે. કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં સારા વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિને લઇ ઉમરગામ તાલુકાના 9 ગામોમાં 375થી વધુ લોકોને સલામત રીતે શેલ્ટર હોમમાં સ્થળાંતર કરી ખસેડવામાં આવ્યા હતા. બીજીબાજુ, વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર અતિ ભારે વરસાદ અને પૂરની સ્થિતને લઇ હાઇએલર્ટ પર આવી ગયુ છે અને તમામ સરકારી અધિકારીઓને હેડ કવાર્ટર નહી છોડવા કડક સૂચના જારી કરી દેવાઇ છે.
બીજીબાજુ, તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરાઇ છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સલામત રીતે સ્થળાંતરિત કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઇ હતી. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના ઘણા ખરા વિસ્તારોમાં મેઘરાજાએ સારી એવી જમાવટ કરી હતી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. અલબત્ત, કેટલાક પંથકોમાં તો, ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પડેલા 12 ઇંચ વરસાદને લઈને ઉમરગામ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ઉમરગામ તાલુકાના સંજાણ, ફણસા, કરમબેલી, બિલિયા, ગોવાડા, ડહેલી માંડા, ખતલવાડા અને કલગામ સહિત 9 ગામોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 375થી વધુ લોકોનું સ્થાનિક વહીવટી તંત્રએ નજીકના શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજે પણ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર તોફાની વરસાદ નોંધાયો હતો. જેના કારણે મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બની પાણીમાં ગરકાવ બન્યા હતા.
વલસાડ જિલ્લામાં ગઇ મોડી રાત્રે 2 વાગ્યાથી શરૂ થયેલ મેઘમહેર બીજા દિવસે બપોર સુધી યથાવત્ત રહી હતી. છેલ્લા 12 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધારે ઉમરગામ તાલુકામાં 12 ઇંચ, વાપીમાં 6 ઇંચ, પારડીમાં 2 ઇંચ, કપરાડામાં 3 ઇંચ અને વલસાડમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ વચ્ચે ખેડૂતો આ વરસાદથી ખુબ જ ખુશ થયા છે, કારણ કે, તેમના પાકને જીવતદાન મળી ગયુ છે.
બીજીબાજુ, ઉમરગામ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે વારોલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં સારા વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે. દમણગંગા, કોલક અને પાર નદીમાં આવેલા નવા નીરને કારણે ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. લાંબા વિરામ બાદ જીલ્લામાં સારો વરસાદ પડતા ખેતીલાયક પાણી નદીઓમાં આવતા જિલ્લામાં પાણીની સમસ્યા દૂર થઇ છે. ભારે વરસાદને કારણે જિલ્લાના 19 જેટલા રસ્તાઓ બંધ થઇ ચુક્યાં છે. ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદને કારણે 16 જેટલા રસ્તાઓ બંધ થયા છે. પારડી તાલુકાના 2 રસ્તાઓ તો કપરાડા નો 1 રસ્તો બંધ થઇ ગયો છે. તો, ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવકામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.
દરમ્યાન કચ્છના અત્યાર સુધી કોરાધાકોર રહેલા નખત્રાણા તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. નખત્રાણા તાલુકાના શાંગનારા, વિથોણ, દેશલપર, પલીવાડ ગામમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તો મુન્દ્રા અને નિરોણા પંથકમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી છે. કચ્છના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાતા લોકોએ ભારે રાહતની લાગણી અનુભવી હતી. સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, ગોંડલ, ખંભાળિયા સહિતના અનેક પંથકોમાં મેઘરાજાની મહેર જોવા મળી હતી.
બીજીબાજુ, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, કડી, ઉંઝા, વડનગર, અરવલ્લી, મેઘરજ, મોડાસા, પ્રાંતિજ, ચીલોડા સહિતના અનેક વિસ્તારોમાં તો, મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, મહીસાગર સહિતના પંથકોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાતા ચોમાસાનો માહોલ ફરી એકવાર જોવા મળ્યો હતો. ગાંધીનગરના માણસામાં તો, અઢી ઇઁચથી વધુ વરસાદ ખાબકતાં લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. ખાસ કરીને ખેડૂતોમાં આનંદની લાગણી છવાયેલી જોવા મળી હતી. ખેડા, નવસારી, વાંસદા સહિતના પંથકોમાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી. ઓવરઓલ રાજયના ઘણા ખરા વિસ્તારોમાં આજે મેઘરાજાએ સારી એવી જમાવટ કરી ખેડૂતોને પણ ખુશખુશાલ કર્યા હતા. હજુ પણ આગામી દિવસોમાં રાજયના ઉત્તર ગુજરા, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાયેલી છે, જેથી સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદાં રખાયા છે.
#bharatmirror #bharatmirror21 #news