ગુજરાતમાં ઇન્વેસ્ટર સમિટને લઇ વિશેષ રોકાણકાર સમિટને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહત્વપૂર્ણ સંબોધન દરમ્યાન વડાપ્રધાનશ્રીએ આ નવી પોલિસીની જાહેરાત કરી
ભારતની નવી સ્ક્રેપ પોલિસી તા.1લી ઓક્ટોબર 2021થી લાગુ થશે. નવી સ્ક્રેપ પોલિસીમાં ડીઝલ અને પેટ્રોલના વાહનો માટે 20 વર્ષ સુધી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
20 વર્ષથી જૂનાં વાહનો જો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટમાં પાસ નહીં થાય અને રજીસ્ટ્રેશન રિન્યુ નહીં થાય તો 1લી જૂન 2024થી જે તે વાહનનું રજીસ્ટ્રેશન આપોઆપ રદ્દ થઇ શકે છે
ગાંધીનગર, તા.13
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાતમાં ઇન્વેસ્ટર સમિટને લઇ વિશેષ રોકાણકાર સમિટને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહત્વપૂર્ણ સંબોધન દરમ્યાન દેશની બહુ મહત્વની વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી હતી, જેને લઇ ગુજરાત સહિત દેશભરમાં જોરશોરથી ચર્ચા શરૂ થઇ ગઇ છે. આજે ઇન્વેસ્ટર સમિટિ દરમ્યાન વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ પોલિસી હેઠળ વાહન સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણકારોને આમંત્રણ આપવા માટે આ સમિટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વ્હીકલ સ્ક્રેપ પોલિસી હેઠળ ભારતના એક કરોડથી પણ વધુ વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. અલબત્, કોઇપણ વાહન સ્ક્રેપ કરવા માટેનું માપદંડ વાહનોની ઉંમર નહિ પણ તેની ફિટનેસની સ્થિતિ હશે. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના સૌપ્રથમ સ્ક્રેપેજ પાર્કને અલંગમાં સ્થાપવાની બહુ મહત્વની જાહેરાત પણ કરી હતી.
ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા આજે વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોની હાજરીમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી હતી. વડાપ્રધાન મોદીએ કરેલી જાહેરાત મુજબ વર્ષ 2005 પહેલાનાં વાહનો ભંગારમાં જશે, દેશમાં હવે વર્ષ 2005 પહેલાંના જૂના વાહનોનો વૈજ્ઞાનિક પદ્ધતિએ નિકાલ કરવામાં આવશે. અલબત્ત, આ વાહનો તે કેટલા વર્ષ જૂના એટલે કે, તેની ઉંમર નહીં પરંતુ ફિટનેસના આધારે ભંગારમાં મોકલવામાં આવશે. આ સાથે રાજ્યમાં અલંગ ખાતે દેશનું સૌપ્રથમ સ્ક્રેપ પાર્ક બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. નવી પોલિસી મુજબ 2005 પહેલાંના વાહનોને ભંગારમાં નાખવામાં આવશે અને ‘કચરામાંથી કંચન’ પેદા કરવામાં આવશે એવું આશ્વાસન પણ વડાપ્રધાનશ્રીએ દેશના નાગરિકોને આપ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી સ્ક્રેપ પોલિસી જાહેર કરતા જણાવ્યું કે, આ પોલિસી મુજબ 2005 પહેલાંના વાહનોનું વૈજ્ઞાનિક પરીક્ષણ થશે. ઓટોમેટેડ ટેકનોલોજી દ્વારા વાહનના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરવામાં આવશે. વાહન કેટલું જૂનું છે. વાહનનું સ્વાસ્થ્ય કેટલું સારું છે અને કેટલું ખરાબ છે તેના આધારે તેને વૈજ્ઞાનિક રીતે કચરામાં નાખવામાં આવશે. આ સ્ક્રેપમાં મોકલવામાં આવનાર વાહન ભંગારમાં જતા તેના માલિકને કેટલાક ફાયદાઓ પણ થશે. વડાપ્રધાનશ્રી મોદીએ ઉમેર્યું કે, જે વ્યક્તિનું વાહન ભંગારમાં જશે તેને મુખ્યત્વે પાંચ ફાયદા થશે. પ્રથમ ફાયદો એ થશે કે આ વાહનના મેઇન્ટેનન્સ ખર્ચમાંથી મુક્તિ મળશે. આ વાહન પ્રદૂષણ ફેલાવતું અટકાવશે. ત્યારબાદ વાહનની માઇલેજના કારણે વધારે વપરાતા ઇંધણનો વપરાશ અટકશે. જૂના વાહનો વધુ ઇંધણ ખાય છે તેથી તેના ઇંધણના વધારે ખર્ચમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત જૂના વાહનના અકસ્માતની સંભાવના વધારે છે એટલે કે નવું વાહન ખરીદતા એ પણ એક ફાયદો થશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં ઉમેર્યું કે, દેશમાં અલંગ વહાણોના ભંગાર કરવા માટે ખૂબ જાણીતું છે. હવે આ સાથે રાજ્યમાં અલંગમાં અને કચ્છમાં સ્ક્રેપ પાર્ક બનશે. અલંગને વહાણ તોડવાનો મોટો અનુભવ છે ત્યારે આ સ્ક્રેપ પોલિસીથી હજારો રોજગારીની નવી તકો સર્જાશે. દેશમાં તબક્કાવાર ઠેર ઠેર આવા સ્ક્રેપ પાર્ક ઉભા થશે જ્યાં દરેક રાજ્યના વાહનો ભંગારમાં જશે. ગુજરાતમાં ભાવનગરના અલંગમાં મોટાપાયે જહાજને તોડવાના તેમજ રિસાઇકલિંગ કરવાનો વ્યવસાય ચાલે છે. ત્યાં પહેલીવાર સ્ક્રેપિંગ સુવિધા અલંગ પાસે જ પ્રસ્થાપિત થાય તે ઘણુ મહત્વનું બની રહે છે. આ આયોજન એટલા માટે મહત્વપૂર્ણ છે કે, ભારત 15થી 20 વર્ષ જૂનાં વાહનોને ફરજીયાત ફિટનેસ યોજના બનાવી રહ્યું છે. આ પરિક્ષણમાં વિફળ થનારા વાહનોને સ્ક્રેપિંગમાં લઇ જવાશે. આ નીતિ દેશમાં એપ્રિલ 2022 થી લાગુ થવાની છે.
નવા નિયમો પ્રમાણે 2005 પહેલાંના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. ગુજરાતમાં 2004-05 સુધીમાં નોંધાયેલા ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા 10.16 લાખ અને નોન ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા 68.01 લાખ છે. ભારતની પોલિસી 1લી ઓક્ટોબર 2021થી લાગુ થશે. નવી સ્ક્રેપ પોલિસીમાં ડીઝલ અને પેટ્રોલના વાહનો માટે 20 વર્ષ સુધી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. 20 વર્ષથી જૂનાં વાહનો જો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટમાં પાસ નહીં થાય અને રજીસ્ટ્રેશન રિન્યુ નહીં થાય તો 1લી જૂન 2024થી જે તે વાહનનું રજીસ્ટ્રેશન આપોઆપ રદ્દ થઇ શકે છે. આમ, વડાપ્રધાનશ્રી મોદી દ્વારા દેશની સૌપ્રથમ વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર કરવામાં આવતાં ગુજરાત સહિત દેશભરમાં વ્હીકલ સેકટરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ નવી નીતિને લઇ ગુજરાત સહિત દેશભરમાં જોરશોરથી ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ છે.
બોક્ષ – વાહનો સ્ક્રેપનો શું ફાયદો થશે તો જાણી લો
(1) જુના વાહનોની સ્ક્રેપ વેલ્યુ વાહનોના એક્સ શોરૂમની કિંમતના 4 થી 5 ટકા સુધી મળી શકશે
(2) મોટર વાહન ટેકસ પર નોન ટ્રાન્સપોર્ટ વાહનો પર 25 ટકા અને ટ્રાન્સપોર્ટ વાહનો પર 15 ટકા છુટ
(3) નવા વાહનોની ખરીદી પર રજિસ્ટેશન ફી માફી કરવામાં આવશે
બોક્ષ – ખાનગી વાહનો માટે સ્ક્રેપની શું જોગવાઇ રહેશે
(1) ખાનગી વાહનો પ્રથમ રજિસ્ટ્રેશનથી 15 વર્ષ સુધી માન્ય રહેશે
(2) 15 વર્ષ બાદ ખાનગી વાહનોને ફિટનેશ રજિસ્ટેશન લેવું ફરજીયાત
(3) 15 વર્ષ બાદ મેળવેલ ફિટનેશ સર્ટિફિકેટ પાંચ વર્ષ સુધી માન્ય રહેશે
(4) ખાનગી વાહનો માટે ઓટોમેટિક ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટર પર ફિટનેસ ટેસ્ટ 1 લી જૂન 2024 થી ફરજીયાત કરવાની વિચારણા
(5) જો કોઈ વાહન ફિટનેસ ટેસ્ટિંગમાં નિષ્ફળ જાય તો તે રીટેસ્ટ કરાવીને એપેલેટ ઓથોરિટીમાં જશે
(6) એપેલેટ ઓથોરિટીમાં પાસ થયેલા વાહનો આવરદા પૂર્ણ ગણાશે અને તે સ્ક્રેપમાં જશે
બોક્ષ – કોમર્શિયલ વાહનો માટે સ્ક્રેપની શું જોગવાઇ રહેશે
(1) કોમર્શિયલ વાહનોએ રજિસ્ટેશનના પ્રથમ વર્ષથી 8 વર્ષ સુધી દર 2 વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે
(2) 8 વર્ષ બાદ કોમર્શિયલ વાહનોએ 15 વર્ષ સુધી દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે
(3) 15 વર્ષ બાદ કોમર્શિયલ વાહન ફિટનેસ ટેસ્ટમાં પાસ થાય તો તેને 5 વર્ષ વધુ રજિસ્ટેશન રિન્યુઅલ આપવામાં આવશે
(4) 15 વર્ષથી જુના કોમર્શિયલ અને ખાનગી વાહનોના ફિટનેસ ટેસ્ટ માટેના દરોમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે