નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે ના અંદાજિત 79500 ચો.મી(અંદાજીત 19.65 એકર) ક્ષેત્રફળ વાળા પ્લોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બહુ હાઇટેક સ્પોર્ટસ કોમ્પલેક્સ આકાર પામશે
છ અલગ-અલગ ભાગમાં નિર્માણ પામનારા આ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં 800 ટુ વ્હીલર અને 850 ફોર વ્હીલરના પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે
અમદાવાદ,તા.4
ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં નવા બનાવવામાં આવનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ગ્રાન્ટ ફાળવવા અંગે પ્રાથમિક મંજૂરી આપવામાં આવેલ છે આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વરદાન ટાવર પાસે ના અંદાજિત 79500 ચો.મી(અંદાજીત 19.65 એકર) ક્ષેત્રફળ વાળા પ્લોટમાં વિકસાવવામાં આવનાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના તરીકે હોસ્ટ કરી શકાય તેમજ ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળતા થી સુવિધા મળી શકે તે હેતુથી શહેરની મધ્યમાં આવેલ નારણપુરા વિસ્તારમાં આ પ્લોટની પસંદગી કરવામાં આવી છે. આ સ્પોર્ટસ કોમ્પલેકસમાં આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષાની રમતોની સાથે-સાથે પ્રાદેશિક રમત-ગમતો ને પણ પ્રોત્સાહન મળી શકે તે મુજબ ડિઝાઇન કરવામાં આવેલ છે. આ સમગ્ર પ્રોજેક્ટ નો અંદાજીત ખર્ચ રૂપિયા 584 કરોડ આંકવામાં આવી રહ્યો છે
ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા તારીખ 3-8-2021 ના પત્રથી નિયત શરતોને આધીન આ પ્રોજેક્ટની ગ્રાન્ટની મંજૂરી આપવામાં આવી છે. જે શરતો મુજબ, આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ એન્ડ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વપરાશ માટે નિશુલ્ક રાખવાનું રહેશે, ઉપરાંત આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વાપરવાનો ધ મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સને પ્રથમ અધિકાર રહેશે, સ્પોર્ટ્સ વિભાગ દ્વારા છૂટી કરેલી ગ્રાન્ટ ગુજરાત સરકાર મારફતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મળશે તેમ જ મંજુર થયેલ ગ્રાન્ટ ઉપરાંત જે કોઈ વધારાનો ખર્ચ થશે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમ જ ગુજરાત સરકારે ભોગવવાનો રહેશે. એસએઆઈ દ્વારા આ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં સેન્ટર ઓફ એકસેલન્સ ચલાવવાનું રહેશે.
વધુમાં પ્રથમ તબક્કાની ગ્રાન્ટ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલીક જરૂરી વિગતો પણ રજૂ કરવાની રહેશે. જેમાં જરૂરિયાત મુજબના દરેક બાબતોના ક્લીયરન્સ સર્ટિફિકેટ, પ્રોજેક્ટ માટેની જમીનનું પઝેશન મળવું જોઈએ જેથી તાકીદે પ્રોજેક્ટ ચાલુ કરી શકાય. બીજુ કે કન્સ્ટ્રકશન કોન્ટ્રાક્ટરને આપેલી લેટર ઓફ ઇન્ડેન્ટ – વર્ક ઓર્ડર ની નકલ સહિતની વિગતો કેન્દ્રમાં સબમીટ કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર પ્રોજેક્ટને મુખ્ય છ અલગ-અલગ ભાગમાં વહેચવામાં આવેલ છે. જેમાં એકવાટીક કોમ્પલેક્ષ મુખ્ય છે. આ સ્વીમીંગ પુલની સાઇઝ ફીના(એફઆઇએનએ) દ્વારા મંજૂર રખાઇ છે. જેમાં ડાઇવીંગ પુલ તેમજ આર્થિક તથા વોટરપોલો તરીકે વપરાશ કરી શકાશે. જેની પ્રેક્ષક ગેલેરી 1500 પ્રેક્ષકોની છે. આ સિવાય બીજા ભાગમાં કોમ્યુનિટી સ્પોર્ટસ સેન્ટરનો સમાવેશ થાય છે. જેમાં છ બેડમિન્ટન કોર્ટ, છ ટેબલટેનિસ, છ કેરમ ટેબલ, 9 ચેસ, સ્નુકર અને બીલીયર્ડના 10 ટેબલનો સમાવેશ કરી શકે તેઓ મલ્ટીપર્પજ હોલ બનાવવામાં આવનાર છે. ત્રીજા ભાગમાં સેન્ટર ફોર સ્પોર્ટસ કોમ્પલેક્સનો સમાવેશ કરાયો છે. જ્યારે ચોથા ભાગમાં ઇન્ડોર મલ્ટી સ્પોર્ટસ એરેના અને પાંચમાં ભાગમાં ફીટ ઇન્ડિયા ઝોન તેમ જ છઠ્ઠા ભાગમાં આઉટડોર સ્પોર્ટસ કે જેમાં ઉપરોક્ત સુવિધા ઉપરાંત આ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં આઉટડોર સ્પોર્ટસ માટે છ ટેનિસ કોર્ટ, એક બાસ્કેટબોલ કોર્ટ, એક વોલીબોલ કોર્ટ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં 800 ટુ વ્હીલર અને 850 ફોર વ્હીલરના પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે સાથે ગુજરાત સરકાર માટે પણ આ બહુ મોટો અને મહત્વાકાંક્ષી પ્રોજેકટ બની રહેશે. જે માટેની પ્રાથમિક તબક્કાની ગ્રાંટ અંગે કેન્દ્રના નાણાં મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવતા અમ્યુકો અને સરકારના વર્તુળોમાં ભારે રાહતની લાગણી ફેલાઇ ગઇ છે.