બાપુના અંતેવાસી સદગત છગનલાલ જાદવે દોરેલા બાપુ,દાંડીકૂચ અને સ્વતંત્રતા આંદોલન વિષયક રેખા ચિત્રોના જાહેર પ્રદર્શનને ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ ખુલ્લું મૂક્યું
બાપુના અંતેવાસી અને યરવડા માં તેમની સાથે જેલવાસ ભોગવનારા છગનલાલ જાદવ ના આ રેખાચિત્રો દર્શનીય છે.
આ ચિત્રો સ્વતંત્રતા આંદોલન સમયના મિજાજને અને આઝાદી માટેના ધબકારને મૂર્તિમંત કરે છે: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
(વિવેક આચાર્ય દ્વારા)
વડોદરા, તા.15
રાજ્યના ગૃહ મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ સયાજીબાગમાં આવેલા વડોદરા સંગ્રહાલય ખાતે, ગોરા હાકેમો ની હકુમતના પાયા હચમચાવનાર દાંડી કૂચના ચપટી નમકના પ્રતીક રૂપ મીઠાના ગાંગડા અને બાપુના પ્રિય રેંટિયા સમક્ષ દીપ પ્રગટાવીને બાપુના અંતેવાસી સદગત છગનલાલ જાદવે દોરેલા બાપુ, દાંડીકૂચ અને સ્વતંત્રતા આંદોલન વિષયક રેખા ચિત્રોના જાહેર પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું.
તેમણે અમદાવાદની ગુજરીમાંથી સ્વતંત્રતાના અમુલ્ય દસ્તાવેજ જેવી છગનદાદા ની ચિત્ર પોથી શોધીને ઇતિહાસનો વૈભવ વારસો વધારનારા ઇતિહાસવિદ શ્રી રિઝવાન કાદરી અને તેને સર્વ સુલભ બનાવવા માટે તેની છપાઈ માં સહયોગ આપનારી મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાને હાર્દિક અભિનંદન આપ્યા હતા. સંસ્થાના સંતો દ્વારા શાંતિ મંત્રોના પઠન વચ્ચે ગૃહ રાજ્ય મંત્રીએ દીપ પ્રગટાવ્યો હતો.
પ્રધાનમંત્રીશ્રી આ અમુલ્ય ચિત્રપોથી જોઈને ખૂબ પ્રસન્ન થયાં તેનો ઉલ્લેખ કરતાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, તેના ચિત્રો દાંડી કૂચ વખતે પૂજ્ય બાપુના ભાવ જગતને,સ્વતંત્રતા આંદોલન સમયે દેશના મિજાજને અને આંદોલનના ધબકારને મૂર્તિમંત કરે છે. આ ચિત્રપોથી દાંડી કૂચનો અર્વાચીન અને જીવંત દસ્તાવેજ છે.
પ્રધાનમંત્રીશ્રી એ વર્તમાનમાં આઝાદી વખતની સ્થિતિનું મૂલ્યાંકન કાયમી કરવાની કરેલી હિમાયતને યાદ કરતા ગૃહ મંત્રીએ જણાવ્યું કે, ભાવિ પેઢીને સ્વતંત્રતા કેટલા વિકટ સંઘર્ષો પછી મળી છે તેની અનુભૂતિ કરાવવા આ પ્રકારનું દસ્તાવેજીકરણ અનિવાર્ય છે. શ્રી રિઝવાન કાદરીએ પ્રત્યેક રેખાચિત્ર પાછળની કલ્પનાની વિગતવાર જાણકારી મંત્રીશ્રીને આપવાની સાથે આશ્રમની રાત્રી શાળામાં જાદવજી ને શિક્ષણ આપવાની બાપુએ કરેલી વ્યવસ્થા,રવિશંકર રાવળ પાસે તેમને મળેલી ચિત્રકલા ની તાલીમ, તેમણે બાપુ સાથે યરવડામાં ભોગવેલો જેલ વાસ, બાપુ ઉપરાંત સરદાર સાહેબ,જવાહરલાલ, મૃદુલા સારાભાઈ, જુગતરામ દવે ના ચિત્રો ઈત્યાદી પર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશ્નર શ્રી ડો. શમશેરસિંહ, મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની સાથે પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રસંગે મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાના મહંત શ્રી ભગવતપ્રિય દાસજી અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા સંગ્રહાલય ના ક્યુરેટર શ્રી વિજય પટેલે સહુને આવકાર્યા હતા.