અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ
ભવિષ્યમાં કોઈ સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવાની હિંમત ન કરે તે પ્રકારે કાર્યવાહી કરો – જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાંગલે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.21
અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સરકારી જમીનો ખુલ્લી કરવા માટે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કોવીડ મહામારી બાદ લાંબા સમય પછી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલનની બેઠકમાં વેજલપુરના ધારાસભ્યશ્રી કિશોરભાઈ ચૌહાણના પ્રશ્નના સંદર્ભે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા જિલ્લા કલેક્ટરશ્રીએ કહ્યું કે, ભવિષ્યમાં કોઈ સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવાની હિંમત ન કરે તે પ્રકારે કાર્યવાહી કરો.
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાબરમતી નદીના પ્રદૂષણ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીએ GPCBના સ્ટાફની પંદર દિવસમાં બેઠક યોજી કાર્યયોજના બનાવવાના નિર્દેશ આપ્યા હતા. કલેક્ટરશ્રીએ નદીના પ્રદૂષણ સંદર્ભે અમદાવાદ મહાનગરપાલિકા સાથે જરૂરી સંકલન કરી પ્રશ્નનો ઉકેલ આણવા માટે તાકીદ કરી હતી.
જિલ્લા સંકલનની બેઠક પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેનું મહત્વનું ફોરમ ગણાવતા જિલ્લા કલેક્ટરશ્રીએ આગામી માસથી તાલુકા કક્ષાએ પણ સંકલન બેઠક યોજવા માટેની તમામ પ્રાંત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. જિલ્લા સંકલનની બેઠકમાં સરકારી જમીન પર દબાણ, અંતરિયાળ વિસ્તારોમાં એસ.ટી.ની સુવિધા, જળ-જમીન પ્રદૂષણ અને કોરોનાની સભંવિત ત્રીજી લહેર માટેની જિલ્લા વહીવટીતંત્રની પૂર્વતૈયારી જેવા પ્રજાલક્ષી મુદ્દાઓની ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
સંકલનની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારુબહેન પઢાર,રાજ્યસભા સાંસદ શ્રી અમીબહેન યાજ્ઞિક, સર્વ ધારાસભ્યશ્રી બલરામ થાવાણી, શ્રી કિશોરભાઈ ચૌહાણ, શ્રી ઈમરાન ખેડાવાલા,શ્રી કનુભાઈ પટેલ, શ્રી લાખાભાઈ ભરવાડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જનસમસ્યાઓને વાચા આપી હતી. જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ વડા શ્રી વિરેન્દ્ર યાદવ,નિવાસી અધિક કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમ જ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.