નારણપુરાના અંકુર ખાતે કામેશ્વર મહાદેવમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભકિતનો માહોલ છવાયો – જો કે, કોવીડ ગાઇડલાઇન્સના પાલનને લઇ ભકતોને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ નહી
50 વર્ષ જૂનું આ કામેશ્વર મહાદેવ મંદિર ગુજરાતનું એક માત્ર મંદિર છે કે, જેના ગર્ભગૃહમાં દેવાધિદેવ મહાદેવજીના બારેય જયોર્તિંલિંગ સોનાથી મઢેલા છે
શ્રધ્ધાળુ ભકતોના દાન થતી મંદિરની આવક સામાજિક અને સેવા પ્રવૃત્તિઓમાં લોક કલ્યાણ અર્થે ખર્ચ કરાય છે – મંદિરના ટ્રસ્ટી નટવરભાઇ પટેલ(નટુકાકા)
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.9
શહેરના નારણપુરા વિસ્તારમાં અંકુર ખાતેના સુપ્રસિધ્ધ કામેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસના પ્રારંભે અને પ્રથમ સોમવારે સવા લાખ બિલ્વપત્રનો અભિષેક, ભસ્મ આરતી સહિતના ધાર્મિક પ્રસંગોનું ભવ્ય આયોજન કરાયું હતું. તો, મંદિરમાં રણછોડરાયજી પ્રભુને હિંડોળાના આજે ફળોના શણગાર સાથેના અદ્ભુત દર્શન શ્રધ્ધાળુ ભકતો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતાં જો કે, કામેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પણ ગર્ભગૃહમાં શ્રધ્ધાળુ ભકતોને પ્રવેશ અપાયો ન હતો કે તેમને જળાભિષેક, કે બિલ્વપત્રના અભિષેકની સીધી પરવાનગી અપાઇ ન હતી પરંતુ કામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી પૂજારી અને પંડિતો દ્વારા જ ભકતોના બિલ્વપત્ર અભિષેક કરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, મંદિર ટ્રસ્ટ દ્વારા કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરાવાઇ રહ્યું છે. શ્રાવણ માસને લઇ કામેશ્વર મહાદેવ મંદિરમાં દર સોમવારે દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજા, સાજ-શણગાર અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઇ શ્રધ્ધાળુ ભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.
કામેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભોળાનાથને સવા લાખ બિલ્વપત્રનો અભિષેક અને ભસ્મ આરતીએ ભકતોને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રાવણ માસના પ્રારંભે અને તેમાંય પ્રથમ સોમવારે કામેશ્વર મહાદેવના દર્શન કરી ભકતોએ ભારે ધન્યતા અનુભવી હતી. કામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી નટવરભાઇ અંબાલાલ પટેલે(નટુકાકાએ) એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, શ્રાવણ માસને લઇ દેવાધિદેવ મહાદેવની શ્રધ્ધાળુ ભકતો દ્વારા અર્પણ કરાયેલા બિલ્વપત્રનો અભિષેક કરવા માટે મંદિરના પૂજારી, બ્રાહ્મણો અને પંડિતો દ્વારા રોજ ત્રણ કલાક અભિષેક વિધિ રાખવામાં આવી છે. શ્રાવણ માસને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુ ભકતો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ખાસ કરીને શ્રાવણ માસના દર સોમવારે કામેશ્વર મહાદેવને સવા લાખ બિલ્વપત્રનો અભિષેક, ભસ્મ આરતી, મહાઆરતી સહિતના વિશેષ ધાર્મિક પૂજા અને ભકિતરસનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો શ્રધ્ધાળુ ભકતો તેનો લાભ લઇ રહ્યા છે. કોરાનાની સંભવિત ત્રીજી લહેરને લઇ અગમચેતીના પગલારૂપે કામેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં શ્રધ્ધાળુ ભકતોને પ્રવેશ પર મનાઇ ફરમાવાઇ છે પરંતુ પંડિતો અને બ્રાહ્મણો દ્વારા તેમના બિલ્વપત્ર ભોળાનાથને અર્પણ કરી દેવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
કામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની સામાજિક પ્રવૃત્તિઓ અને અન્ય સેવા પ્રવૃત્તિ વિશે વાત કરતાં નટવરભાઇ અંબાલાલ પટેલે(નટુકાકાએ) વધુમાં જણાવ્યું કે, કામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની ભકતોના દાન કે આવકમાંથી લોકકલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં કામેશ્વર મેડિકલ સેન્ટર ચલાવવામાં આવે છે, જેમાં રોજના 400 દર્દીઓ તેનો લાભ લઇ રહ્યા છે. આ સિવાય કામેશ્વર કિડની ડાયાલિસીસીસ સેન્ટર જે સવા ત્રણ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયુ છે, તેમાં અત્યારસુધીમાં 2500 જેટલા લોકો લાભ લઇ ચૂકયા છે. આ સિવાય શિક્ષણના ક્ષેત્રમાં પણ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને મદિર ટ્રસ્ટ તરફથી રાહતદરે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. જો કોઇની આર્થિક સ્થિતિ બિલકુલ ખરાબ હોય તો તેવા બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરી તેને શિક્ષણ માટે મદદ પૂરી પાડવામાં આવે છે. આમ, મંદિર ટ્રસ્ટ તરફથી તબીબી, શૈક્ષણિક સહિતના અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરાઇ રહી છે.
કામેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ અંગે નટવરભાઇ અંબાલાલ પટેલે(નટુકાકાએ) વધુમાં ઉમેર્યું કે, આ મંદિર 50 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. આ વિસ્તારમાં જયારે કયાંય કોઇ મંદિર નહોતુ ત્યારે આસપાસના લોકો અને સ્થાનિક રહીશો પાસેથી પૈસા-દાન એકત્ર કરીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આજે આ મંદિર અમદાવાદ શહેર જ નહી પરંતુ રાજયભરમાં જાણીતુ અને પ્રખ્યાત બની રહ્યું છે. દેવાધિદેવ મહાદેવનું આ એક જ મંદિર એવું છે કે, જેના ગર્ભગૃહમાં દેવાધિદેવ મહાદેવના બારેય જયોર્તિલિંગ સોનાથી મઢેલા છે. દેવાધિદેવ મહાદેવના શિવાલયના ગર્ભગૃહમાં બારે બાર જયોર્તિલિંગ હોય તેવું સમગ્ર ગુજરાતનું આ એક માત્ર મંદિર છે.
આ મંદિરનું ખાતમૂર્હુત એ વખતે પૂજય ડોંગરેજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં રણછોડરાયજી ભગવાન સોનાના સિંહાસન પર બિરાજમાન છે અને અંબાજી માતા પણ સોનાના સિંહાસન પર બિરાજમાન છે. કામેશ્વર મહાદેવ પરત્વે દિન પ્રતિદિન શ્રધ્ધાળુ ભકતોની આસ્થા અને શ્રધ્ધા બહુ વધી રહી છે કારણ કે, કામેશ્વર મહાદેવ તમામ શ્રધ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરનારા દેવ છે. કામેશ્વર મહાદેવ મંદિરમાં રોજ હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
દરમ્યાન કામેશ્વર મહાદેવના દર્શનાર્થે આવેલા શ્રધ્ધાળુ ઇલાબહેન પટેલ અને રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, કામેશ્વર મહાદેવ મંદિર એ બહુ જાણીતુ અને પ્રખ્યાત મંદિર છે કે જયાં આવી ભકતોને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આજે જયારે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને પ્રથમ સોમવાર છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા માસ્ક, સોશ્યલ ડિસન્ટન્સીંગ સહિત કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરાવાઇ રહ્યું છે તે બાબત ખરેખર પ્રશંસનીય છે. શ્રાવણ માસને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુ ભકતો માટે પૂજા-ભકિત માટે વિશેષ આયોજન કરાયું છે તે સારી વાત કહી શકાય. શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવજીને આપણે સૌ એ જ પ્રાર્થના કરીએ કે, ગુજરાત સહિત માત્ર ભારત દેશ જ નહી પરંતુ વિશ્વભરમાંથી કોરોના મહામારી નાબૂદ થાય અને સૌ કોઇ સુખ, શાંતિ અને સમૃધ્ધિથી જીવે…ભોળાનાથની કૃપા સૌકોઇ પર વરસતી રહે બસ..
બોક્ષ – સોલા રોડ ખાતેના નીલકંઠ મહાદેવ મંદિરમાં ભોળાનાથને ફુલોનો અદ્ભુત શણગાર
દરમ્યાન શહેરના સોલા રોડ પર આવેલા ચાંદની એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા અંબાજી માતા મંદિર અને નીલકંઠ મહાદેવ ખાતે પણ આજે શ્રાવણ માસના પ્રારંભ નિમિતે અને પ્રથમ સોમવારને લઇ નીલકંઠ મહાદેવને ફુલોનો બહુ સુંદર અને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી હરેશભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, આ વખતે કોરોના મહામારીના કારણે મંદિરમાં ભકતોને ફરજિયાતપણે માસ્ક, સોશ્યલ ડિસન્ટન્સીંગ સહિત કોવીડ ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન સાથે જ પ્રવેશ આપવાની વ્યવસ્થા કરાઇ છે. જો કે, ભકતોની લાગણીને ધ્યાનમાં રાખી દિવસના અમુક સમય દરમ્યાન તેઓને નીલકંઠ મહાદેવના શિવલિંગને જળ અને ફુલ-બિલ્વપત્ર ચઢાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે મંદિરમાં શ્રાવણ માસના હિંડોળાના દર્શન બહુ અદ્ભત અને ભકતોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. હિંડોળામાં બાળગોપાલ લાલજી મહારાજને બિરાજમાન કરી રોજેરોજ અલગ-અલગ શણગાર અને ફુલો, ચોકલેટ સહિત ભગવાનને પ્રિય વસ્તુઓથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. આ શ્રૃંગાર અને મંદિરના સાજ શણગાર અને અન્ય વ્યવસ્થામાં વર્ષોથી મંદિરમાં સેવા આપતા ચાંદની અંબાજી મંદિરના રણછોડ મંડળના ભીખીબહેન વાઘેલા સહિતની અન્ય બહેનોની મહેનત અને સેવા પણ દાદ માંગી લે તેવી છે કારણ કે, તેઓ વર્ષોથી નિઃસ્વાર્થભાવે સતત સેવા આપી રહ્યા છે એમ પણ મંદિરના મહારાજ હરેશભાઇ વ્યાસે ઉમેર્યું હતું.