આઝાદીના મહામૂલા અવસરે દેશસેવાના કર્તવ્યભાવ માટે સંકલ્પ બદ્ધ થઈએ – મંત્રીશ્રીમતી વિભાવરીબેન દવે
એક અને અખંડ ભારતનાં નિર્માણમાં અનેક ભારતીયોએ પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું છે. આજે પણ સરહદ પર અનેક જવાનો મા-ભોમની રક્ષા કાજે ખડેપગે તૈયાર રહે છે તેમને વંદન કરવાનો આ અવસર છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.૧૪
ભારતની આઝાદીના ૭૫ માં વર્ષની અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. તેનાં ઉપલક્ષ્યમાં અમદાવાદના બિબિપુરા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માં દેશભક્તિના ગીતોનો રંગારંગ સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત પર્વની પૂર્વે સંધ્યાએ દેશને આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલે જેવા અનેક નામી -અનામી લોકોનું યોગદાન રહેલું છે.
તેમણે કહ્યું કે, એક અને અખંડ ભારતનાં નિર્માણમાં અનેક ભારતીયોએ પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું છે. આજે પણ સરહદ પર અનેક જવાનો મા-ભોમની રક્ષા કાજે ખડેપગે તૈયાર રહે છે તેમને વંદન કરવાનો આ અવસર છે.
આઝાદીના આવાં મહામૂલા અવસરે દેશસેવા ના કર્તવ્યભાવ માટે સંકલ્પબદ્ધ થઈએ તે જ આઝાદી પર્વની સાચી અંજલિ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે દસ્ક્રોઈ ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા કારોબારી અધ્યક્ષશ્રી, જિલ્લા અને તાલુકા ડેલીકેટ શ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, દસ્ક્રોઈ પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.