રાજય સરકાર દ્વારા લેવાયેલો મહત્વનો નિર્ણય – તા.28 ઓગસ્ટથી તા.15 સપ્ટેમ્બર સુધી રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફયુનો અમલ રહેશે
જો કે, જન્માષ્ટમીના તહેવારને લઇ એક દિવસ પૂરતું રાત્રે એક કલાક માટે કર્ફયુમાં વધુ છૂટછાટ જાહેર કરાઇ
જન્માષ્ટમીને લઇ મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને પ્રવેશ આપી શકાશે – જાહેર ગણેશ ઉત્સવમાં ચાર ફુટ અને ઘરમાં બે ફુટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.26
આગામી દિવસોમાં શ્રીકૃષ્ણ ભગવાનના જન્માષ્ટમીના તહેવાર અને ગણેશ મહોત્સવના પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ના ફેલાય તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તા.15મી સપ્ટેમ્બર સુધી રાજયના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય લીધો છે. જેને પગલે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં તા.28 ઓગસ્ટથી તા.15 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. રાજયના આ આઠ શહેરોમાં રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. બીજીબાજુ, રાજય સરકારે આગામી શ્રીકૃષ્ણજન્મોત્સવના જન્માષ્ટમીના તહેવાર અને ગણેશ મહોત્સવને લઈને ગાઇડલાઇન જારી છે, જે મુજબ, આ તહેવારોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક સહિતની એસઓપી ગાઇડલાઇન્સ અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કે, રાજય સરકારે જન્માષ્ટમીના તહેવારને લઇ તા.30મી ઓગસ્ટ પૂરતું એક દિવસ માટે રાત્રિ કર્ફયુમાં એક કલાકની વધુ છૂટ જાહેર કરી છે.
રાજ્યભરમાં જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ પણ આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે, જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોની વધુ ભીડ એકઠી ના થાય અને કોરાનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે હેતુથી સરકાર દ્વારા રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવી દેવામાં આવ્યો છે. હવે આ શહેરોમાં તા.28 ઓગસ્ટથી તા.15 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ રહેશે. આ દરમિયાન લોકો રાત્રે 11થી સવારે 6 કલાક સુધી બિનજરૂરી બહાર નીકળી શકશે નહીં. તો આ આઠ મહાનગરોમાં માત્ર જન્માષ્ટમી એટલે કે તા.30 ઓગસ્ટ, સોમવારે એક દિવસ પૂરતો રાત્રી કર્ફ્યૂમાં વધારાની એક કલાકની છૂટછાટ મળશે.
ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં પવિત્ર તહેવારો આવી રહ્યાં છે, જેને લઇ નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તા.30 ઓગસ્ટે જન્માષ્ટમી છે. તો તા.9 સપ્ટેમ્બરથી 19 ,સપ્ટેમ્બર રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેથી આ બંને તહેવારોને લઇ પણ રાજ્ય સરકારે ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યભરમાં જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ પણ આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
સરકારની ગાઇડલાઇન્સ મુજબ, રાજ્યભરમાં લોકો જન્માષ્ટમીના રોજ રાત્રે 12 કલાકે ઉજવાતા પરંપરાગત શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકશે. મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે. તો મંદિરમાં દર્શન માટે આવતા લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. તો તહેવારમાં નીકળતી શોભાયાત્રામાં પણ મર્યાદિત વાહનો અને મર્યાદિત રૂટ પર તેનું આયોજન કરી શકાશે. આ શોભાયાત્રામાં પણ વધુમાં વધુ 200 લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. તો રાજ્યમાં તહેવારો દરમિયાન મટકીફોડનું આયોજન કરવામાં આવશે નહીં. એ માટે સરકારે સ્પષ્ટ મનાઇ ફરમાવી છે.
તો, આ જ પ્રકારે ગણેશ મહોત્સવને લઇને પણ સરકાર દ્વારા ખાસ ગાઇડલાઇન્સ જારી કરાઇ છે. રાજ્યભરમાં તા.9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવની ઉજવણી થવાની છે. જે માટે સરકારની ગાઇડલાઇન મુજબ, જાહેર ગણેશ ઉત્સવમાં ચાર ફુટ અને ઘરમાં બે ફુટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. જાહેર ગણેશ મહોત્સવમાં પંડાલ શક્ય તેટલા નાના રાખવાનું પણ જણાવાયું છે. ગણેશ ઉત્સવમાં આવતા લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે પણ એસઓપીમાં તાકીદ કરાઇ છે. તો ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોને અને એક વાહનને છૂટ આપવામાં આવી છે. તો ઘરમાં સ્થાપન કરેલા ગણેશજીનું ઘરમાં જ વિસર્જન કરવાનું જણાવવામાં આવ્યું છે. જો કે, સરકાર દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. એટલે કે આ 8 મગહાનગરોમાં ગણેશ ઉત્સવ દરમિયાન રાત્રે 12 કલાક સુધી છૂટછાટ આપવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news