સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જોડાઈને પોતાની શિક્ષક તત્પરતા અને નિષ્ઠા પ્રદર્શિત કરી
અંદાજે 1,51,000 શિક્ષકો સર્વેક્ષણમાં જોડાવા પાત્ર હતા તે 37% જેટલા શિક્ષકો આ મરજીયાત અને સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જોડાયા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.24
શિક્ષણમાં આમૂલ ગુણાત્મક પરિવર્તન માટે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યાં છે. આજે તા. 24 ઑગસ્ટના રોજ યોજાયેલ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજીયાત હોવા છતાં, અંદાજે 57000 જેટલા શિક્ષકો સ્વૈચ્છિક રીતે આ સર્વેક્ષણમાં જોડાયા હતા. અત્રે એ નોંધવુ જરૂરી છે કે કેટલાક લોકોએ શિક્ષકોને આ સર્વેક્ષણનો બહિષ્કાર કરવા ઉશ્કેર્યા હતા તેમ છતાં હજારોની સંખ્યામાં શિક્ષકોએ આ સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જોડાઈને પોતાની શિક્ષક તત્પરતા અને નિષ્ઠા પ્રદર્શિત કરી હતી.
પ્રાથમિક શિક્ષકો પૈકી CRC કોઓર્ડિનેટર્સ, દિવ્યાંગ શિક્ષકો, સ્કૂલ ઇન્સ્પેક્ટર વગેરેને બાદ કરતાં મહત્તમ અંદાજે 1,51,000 શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાવા પાત્ર હતા તે પૈકી 57000 એટલે કે 37% જેટલા શિક્ષકો આ મરજીયાત અને સ્વૈચ્છિક સર્વેક્ષણમાં જોડાયા હતા.
આ સર્વેક્ષણનાં પરિણામનુ પૃથક્કરણ કરીને શિક્ષણ વિભાગ હવે પછી કયા શિક્ષકોને કયા મુદ્દાઓની તાલીમની જરૂર છે એનો અહેવાલ તૈયાર કરીને એ મુજબ આગામી તાલીમનુ આયોજન કરશે.
આ સર્વેક્ષણમાં જોડાયેલા શિક્ષકોની સંખ્યા પર નજર કરતાં જણાય છે કે, નવસારી જિલ્લામાં 78% જેટલા શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાયા હતા. નવસારી જિલ્લો શિક્ષણમાં અગ્રેસર છે એનું કારણ એના શિક્ષકોની નિષ્ઠાને ગણી શકાય. તાલુકાની વાત કરીએ તો વિજયનગર જેવા બહુ જ અંતરિયાળ અને આદિવાસી બહુલ તાલુકામાં 99% શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિજયનગર તાલુકો પ્રાથમિક શિક્ષણમાં રાજ્યના શ્રેષ્ઠ તાલુકાઓ પૈકી છે. આ દર્શાવે છે કે સ્થાનિક બોલી અને અંતરિયાળ વિસ્તાર જેવા અવરોધો હોવા છતાં, માત્ર શિક્ષકોની શિક્ષણ નિષ્ઠાને લીધે આ તાલુકો સારુ પ્રદર્શન કરી રહ્યો છે એમ રાજય પરીક્ષા બોર્ડ અને જી.સી.ઈ.આર.ટી ની યાદીમા જણાવાયુ છે.
#bharatmirror #bharatmirror21 #news