ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાના રેલવે પોલીસ પરેડ મેદાન ખાતે ૭૫માં સ્વતંત્રતા પર્વ નિમિતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી આદર પૂર્વક દેશની આન, બાન અને શાનના સર્વોચ્ચ પ્રતીક તિરંગાને સલામી આપી
પ્રધાનમંત્રીશ્રી એ ગુજરાતને અમદાવાદ સુરત મેટ્રો એઇમ્સ સહિત વિકાસની અઢળક ભેટો આપી છે અને ઓબીસી બિલ વંચિતોના વિકાસમાં મહત્વપૂર્ણ બનશે – ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
રૂ.૩૪૨ કરોડના ખર્ચે રાજપીપળામાં સાકાર થનારું બિરસા મુંડા વિશ્વિદ્યાલય્ આદિવાસી વિસ્તારમાં ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ ની સુવિધા વધારશે
(વિવેક આચાર્ય દ્વારા)
વડોદરા, તા.15
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાના રેલવે પોલીસ પરેડ મેદાન ખાતે ૭૫માં સ્વતંત્રતા પર્વ નિમિતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી આદર પૂર્વક દેશની આન, બાન અને શાનના સર્વોચ્ચ પ્રતીક તિરંગાને સલામી આપી જણાવ્યું કે, ગુજરાતના બે સપૂતો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે ૩૭૦ અને ૧૩૫ એ ની કલમને નાબૂદ કરીને સમગ્ર દેશમાં તિરંગો લહેરાતો કરવાની સાથે કાશ્મીર થી કન્યાકુમારી સુધી સમગ્ર દેશને સાચી સ્વતંત્રતા ની અનુભૂતિ કરાવી છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી એ દેશનું ગૌરવ વિશ્વમાં વધાર્યું છે તો રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ તરફ લઈ જઈ રહ્યાં છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કોરોના ઘટયો છે, રિકવરી રેટ ૯૯ ટકા થયો છે,પોઝીટીવીટી દર ઘટ્યો છે પણ ત્રીજી લહેરની શક્યતા જોતાં ગાફેલ ન રહેતા તમામ તકેદારીઓ પાળવી જરૂરી છે.રાજ્ય સરકારી ત્રીજા વેવ ની શક્યતા ધ્યાનમાં લઈને પથારી,ઓક્સિજન,દવાઓ અને તબીબી માનવ સંપદા જેવી તમામ આગોતરી વ્યવસ્થા કરી છે.તેઓએ સહુને કોરોનાના નિયમો પાળવા ખાસ અનુરોધ કર્યો હતો.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરા ના રેલવે પોલીસ પરેડ મેદાન ખાતે ૭૫માં સ્વતંત્રતા પર્વ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી આદર પૂર્વક દેશની આન, બાન અને શાન ના સર્વોચ્ચ પ્રતીક તિરંગા ને સલામી આપી હતી. તેમણે ગણવેશધારી દળોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેર તથા જિલ્લાના લોકોને આઝાદીના અમૃત પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવવાની સાથે સ્વતંત્રતા ના શહીદોને ભાવભરી અંજલિ આપી હતી.
ગુજરાતની ૬.૫ કરોડ વસ્તી સહિત સમગ્ર દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ આપતા મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છે તેનું કારણ મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગત સિંહ જેવા સેનાનીઓ છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ગુજરાતની ઉન્નતિ, પ્રગતિ અને સમૃદ્ધિના દ્વાર ખોલ્યાં છે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા ગુજરાતના
વિકાસ માટે અમદાવાદ અને સુરત મેટ્રો, બુલેટટ્રેન, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ઓબીસી બિલ જેવા અનેકવિધ વિકાસ આયોજનો ની ભેટ આપવામાં આવી છે. ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ સુધી લઈ જવા રાજ્ય સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ અને કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં જ્ઞાનકુંજ યોજના હેઠળ વડોદરા જિલ્લામાં ૧૪૦ શાળાઓમાં ટેક્નોલોજીકલ સુવિધાઓથી સજ્જ સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરવામાં આવ્યાં. સેવાસેતુ કાર્યક્રમમાં કોરોના કાળમાં ઘર આંગણે ૫૮ સેવાઓ આપી નવીન અભિગમ આપનાવેલો છે. કોરોના મહામારીમાં રાજ્યના માટે ૬૮.૮૦ લાખ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ અનેક છત વગરના લોકોને આધુનિક સુવિધાઓથી સજ્જ ઘર આપવામાં આવ્યા છે. ગુજરાતનો યુવાન રાજ્યની શક્તિ છે તેથી જ રોજગાર દિવસે ૬૨૦૦૦ થી વધુ યુવાનોને સરકારી, અર્ધસરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓમાં રોજગારીની સમાન તકો આપવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વચ્ચે સરકાર દ્વારા તમામ તબીબી સુવિધાઓ જેમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ, સારવાર કરનાર કર્મચારીઓ વગેરે ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલું સૂત્ર ટેસ્ટિંગ, ટ્રેકિંગ, અને ટ્રીટમેન્ટ કોરોના મહામારીમાં સૌથી મહત્વનું પુરવાર થયું છે.
મુખ્યમંત્રીશ્રી એ રાજપીપળામાં બીરસા મુંડા વિશ્વ વિદ્યાલયના નિર્માણ માટે કરેલા ખાતમુહૂર્ત નો ઉલ્લેખ કરતાં ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રૂ.૩૪૨ કરોડના ખર્ચે બનનારી આ યુનિવર્સિટી આદિવાસી વિસ્તારમાં ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ વધારશે.સરકારે પેસા એક્ટ નો સુચારૂ અમલ કર્યો છે અને વન અધિકાર કાયદા હેઠળ ૧૩ લાખ એકર કરતાં વધુ જંગલ જમીનના આદિવાસીઓને અધિકાર આપ્યા છે.અમારી સરકાર ગરીબો,શોષિતો,વંચિતો, પીડિતો અને આદિવાસીઓની કાળજી લેનારી સરકાર છે.
મહિલા સશક્તિકરણ એ અમારી સરકારની પ્રાથમિકતા છે તેવા શબ્દો સાથે તેમણે જણાવ્યું કે તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રી ના હસ્તે ૧૦ હજાર મહિલા જૂથોની એક લાખ સદસ્યા મહિલાઓને સ્વરોજગારી અને બચત દ્વારા આત્મ નિર્ભરતા માટે રૂ.૧૪૦ કરોડનું ધિરાણ વગર વ્યાજે આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ૫ વર્ષ આપણી સરકારના સેવા યજ્ઞ હેઠળ રૂ.૭૫૦૦ કરોડથી વધુ રકમના વિકાસ આયોજનો નો રાજ્યને લાભ આપવામાં આવ્યો છે.મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી ના યશસ્વી નેતૃત્વ હેઠળ કોરોના કટોકટી છતાં રાજ્યનો અવિરત વિકાસ થયો છે.
ગૃહ રાજ્યમંત્રીએ આરોગ્ય વિભાગના કોરોના વોરિયર,અધિક નિવાસી કલેકટરશ્રી દિલીપ પટેલ અને ટીમ વડોદરાના કર્મયોગીઓ,ટીમ વડોદરા પોલીસ ના કર્મયોગીઑ,દોડવીર નિશાકુમારી,૧૦૮ અને અભ્યમ સેવાઓના કર્મયોગીઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયર શ્રી કેયુર રોકડીયા,ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડીયા,સીમાબેન મોહિલે,મનીષાબેન વકીલ,શ્રી શૈલેષભાઈ મહેતા,પોલીસ કમિશનરશ્રી,જિલ્લા કલેકટરશ્રી,સચિવ ડો. વિનોદ રાવ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી,અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સહુએ વૃક્ષારોપણ કર્યું હતું.