કોરોનાકાળમાં પોતાના વાલી ગુમાવનાર બાળકો માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે હેલ્થ ચેકઅપ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
પાટણ પોલીસ દ્વારા કોરોના મહામારીમાં છત્રછાયા ગુમાવનાર બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરીને સમાજને સહાયરૂપ થવાનો પ્રયાસ કરાયો છે. જે બદલ જિલ્લા પોલીસ અને તબીબોની ટીમને અભિનંદન – ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર,તા.2
રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે સંવેદના દિન અંતર્ગત કોરોના મહામારીમાં પોતાના વાલી ગુમાવનાર બાળકોના હેલ્થ ચેકઅપ માટે પાટણ પોલીસ વિભાગ દ્વારા વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો હતો. સેવા સેતુ સહિતના કાર્યક્રમો માટે પાટણ પધારેલા ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ આ ચેકઅપ કેમ્પની મુલાકાત લીધી હતી.
પોલીસ એ પ્રજાની પડખે છે એ વાતની પ્રતિતિ કરાવતાં પાટણ પોલીસ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસ મહામારી દરમ્યાન માતા-પિતા ગુમાવનાર બાળકો તથા તેમના પાલક વાલીઓ માટે આયોજીત હેલ્થ ચેકઅપ કેમ્પની ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી. ઉપસ્થિત તબીબો સાથે વિચારવિમર્શ કરી આ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણીમાં કોઈ કચાસ ન રહી જાય તે માટે સુચન કર્યું હતું. આ કેમ્પમાં પોલીસકર્મીઓ તથા તેમના પરિવારના સભ્યોએ પણ ભાગ લીધો હતો.
પાટણના સેવાભાવી તબીબો દ્વારા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્કિન, ગાયનેક, ડેન્ટીસ્ટ અને ઓર્થોપેડિકને લગતી સમસ્યાઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. હેલ્થ ચેકઅપ કેમ્પની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા આગામી ૦૫ દિવસમાં ૨૫૦ યુનિટ બ્લડ એકત્ર કરવાના લક્ષ્યાંક સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સંવેદના દિન નિમિત્તે પાટણ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સંવેદનશીલ અભિગમ રાખીને નિરાધાર બાળકોના સ્વાસ્થ્યની કાળજી માટે પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાળકો માટે સમાયાંતરે પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારના કેમ્પનું આયોજન થતું રહેશે.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાટણ પોલીસ દ્વારા કોરોના મહામારીમાં છત્રછાયા ગુમાવનાર બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરીને સમાજને સહાયરૂપ થવાનો પ્રયાસ કરાયો છે. જે બદલ જિલ્લા પોલીસ અને તબીબોની ટીમને અભિનંદન પાઠવું છું.
આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, પૂર્વ મહામંત્રીશ્રી કે.સી.પટેલ, રેન્જ આઈ.જી.શ્રી જે.આર.મોથલિયા, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા તથા કાર્યક્રમના આયોજકશ્રી બાબુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.