મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરીના ભાગરૂપે બ્રીજ તા.1થી તા.7 ઓગસ્ટ દરમ્યાન બંધ કરવાની જાહેરાતને પગલે વાહનચાલકો પરેશાન
હવે સાત દિવસ માટે વાહનચાલકોએ જીવરાજ બ્રીજને બદલે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે
અમદાવાદ,તા.1
મેટ્રો પ્રોજેક્ટની કામગીરીના ભાગરૂપે અમદાવાદ શહેરનો ભારે ટ્રાફિક અને વાહનોની અવરજવરથી ધમધમતો જીવરાજપાર્ક ફલાય ઓવર આજથી ફરીથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજે તા.1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી આ બ્રીજ તમામ વાહનવ્યવહાર માટે રાખવામાં આવશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ બ્રીજ બંધ રાખવા અંગે સત્તાવાર જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું છે. ગયા મહિને પણ મેટ્રોની કામગીરી માટે જીવરાજ બ્રીજ ત્રણ દિવસ બંધ કરાયો હતો. જેના કારણે આ વિસ્તાર તરફ આવતા માર્ગો પર ભારે ટ્રાફિક સર્જાયો હતો. આજથી ફરી એકવાર સાત દિવસ માટે જીવરાજ ફલાયઓવર બ્રીજ બંધ કરાતાં અને તેની જાણ વાહનચાલકો તેમ જ નાગરિકોને પહેલેથી નહી હોવાથી તેઓને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ સુધીનો ફલાયઓવર આજથી સાત દિવસ માટે એટલે કે, તા.7મી ઓગસ્ટ સુધી બંધ કરવામાં આવતાં વાહનચાલકોને ભારે અગવડ અને હાલાકીનો ભોગ બનવુ પડશે. જીવરાજ આ રૂટ પરના વાહનવ્યવહારને વેજલપુર તથા ધરણીધર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પહેલા દિવસે મોટાભાગનાં લોકોને આ અંગેની જાણ નહી હોવાથી તેઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. હવે સાત દિવસ માટે વાહનચાલકોએ જીવરાજ બ્રીજને બદલે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જીવરાજ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા તરફ જવા માટે બળીયાદેવ મંદિર ચાર રસ્તાથી જમણી બાજુએ વળી વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગથી આગળ ચંદ્રમૌલી સ્કૂલ ત્રણ રસ્તાથી જમણી તરફ વળી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રોડ પર જીવરાજ બ્રિજની નીચેના ભાગથી ડાબી બાજુ સર્વિસ રોડથી શ્યામલ ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકાશે. આ સિવાય, શ્યામલ ચાર રસ્તાથી શ્રી આનંદમાઈ માર્ગ પર સીધા માણેકબાગ ચાર રસ્તાથી જમણીબાજુએ વળીને શ્રેયસ બ્રીજ પરથી ધરણીધર ચાર રસ્તાથી જમણી બાજુ ડો. સી.વી રામન માર્ગથી સ્વ. હરેનભાઈ વિઠ્ઠલભાઈ પંડ્યા ઉદ્યાનથી જમણીબાજુ વળી ડો. જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી સીધા જ જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે. અથવા તો ધરણીધર ચાર રસ્તાથી યુ-ટર્ન લઈને બ્રીજને સમાંતર સર્વિસ રોડ ઉપરથી જયદીપ ટાવર સામેના ચાર રસ્તાથી ડાબી બાજુએ વળીને જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે. આમ, વાહનચાલકોએ ટ્રાફિક તંત્ર દ્વારા સૂચવાયેલા વૈકલ્પિક માર્ગોએ સાત દિવસ પૂરતી અવરજવર કરવી પડશે.
જો કે, કેટલાક વાહનચાલકો કે જેઓને જીવરાજ બ્રીજવાળા માર્ગે થઇને જ જવું ફરજિયાત હોય છે, તેઓ માટે તો ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે, તેઓને હવે લાંબુ અંતર કાપીને ફરીને જવાનો વારો આવ્યો છે. વળી, આજે બ્રીજ થયાના બંધ થયાના પહેલા દિવસે મોટાભાગના લોકોને જાણ નથી તેઓને અડધે રસ્તેથી પાછા વળવાનો વારો આવ્યો હતો અને તેના કારણે પણ આ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કેટલાક વાહનચાલકોએ તો, આ અંગે રોષ પણ ઠાલવ્યો હતો કે, ટ્રાફિક પોલીસ કે મેટ્રો રેલ તંત્રએ પહેલેથી આગોતરી જાહેરાત કરવી જોઇએ અને નાગરિકોને પરતી જાણકારી આપ્યા બાદ જ આ પ્રકારે બ્રીજ બંધ કરવો જોઇએ કે જેથી લોકોને અચાનક આ પ્રકારે હાલાકીનો ભોગ બનવુ ના પડે.