કાંકરિયા સફલ-2ના વેપારીઓ દ્વારા 75મા સ્વાતંત્ર્ય પર્વની સુંદર ઉજવણી કરાઇ
કાંકરિયા સફલ-2ના વેપારીઓ દ્વારા 75માં સ્વાતંત્ર્યદિન પર્વની અનોખી ઉજવણી કરી સેનાના વીર જવાનો અને શહીદ સપૂતોને લાખ-લાખ સલામી આપતા ધ્વજવંદન કાર્યક્રમમાં પૂર્વ મેયર ગૌતમભાઇ શાહ, ન્યુ કલોથ કાપડ માર્કેટ અને મસ્કતી મહાજન માર્કેટના પ્રમુખ શ્રી ગૌરાંગભાઇ ભગત, કાગડાપીઠ પોલીસમથકના પીઆઇ અજયજી પાંડવ, સફલ-2 વેપારી મંડળના અગ્રણી રમેશભાઇ ગીડવાણી, પ્રિયંક ગીડવાણી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.15
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં એકબાજુ સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે તેના ઉપલક્ષ્યમાં આજે સમગ્ર ગુજરાતમાં ધ્વજ વંદન સહિતના રાષ્ટ્રભકિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કાંકરિયા સફલ-2ના વેપારીઓ દ્વારા ધ્વજ વંદન, રાષ્ટ્રગાન, શહીદોને સલામી સહિતના કાર્યક્રમો યોજી 75મા સ્વાતંત્ર્ય પર્વની સુંદર ઉજવણી કરાઇ હતી. સેનાના વીર જવાનો અને શહીદ સપૂતોને લાખ-લાખ સલામી અને દેશને આઝાદી અપાવવામાં પોતાના જીવનનું પણ બલિદાન આપી દેનાર મહાન વિભૂતિઓ પરત્વે ઋણ વ્યકત કરતાં આજના રાષ્ટ્રભકિત – ધ્વજવંદન કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પૂર્વ મેયર ગૌતમભાઇ શાહ, મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના પ્રમુખ શ્રી ગૌરાંગભાઇ ભગત, કાગડાપીઠ પોલીસમથકના પીઆઇ અજયજી પાંડવ, સફલ-2 વેપારી મંડળના અગ્રણી રમેશભાઇ ગીડવાણી, પ્રિયંક ગીડવાણી, અંશુલ સોમાણી સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આજના પ્રસંગે પૂર્વ મેયર શ્રી ગૌતમભાઇ શાહે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સફલ-2ના વેપારીઓ દ્વારા આ સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી થઈ રહી છે, તે પ્રશંસનીય અને સરાહનીય છે. દેશની આઝાદીમાં અનેક મહાન વ્યકિતઓ, વીર જવાનો-સપૂતો, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભાઇ પટેલ, ઝાંસીની રાણી, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ સહિતની મહાન વિભૂતીઓને આજે યાદ કરવાનો અને તેમના બલિદાન પરત્વે ઋણ યાદ કરવાનો આજે યાદ કરવાનો દિવસ છે, જેથી આવનારી પેઢી અને આજની આ નવી પેઢીને રાષ્ટ્રભકિત સમજાવવાનો અને તેમને આપણા ઇતિહાસનો વારસાની જાણ થાય અને તે ઐતિહાસિક વારસાને લઇ તેઓ જાગૃત થઇ દેશને વિકાસના ઉચ્ચ શિખરો સુધી પહોંચાડે અને સાચા અર્થમાં મેરા ભારત મહાન બનાવે તેવો પવિત્ર સંકલ્પ આજના દિવસે લઇએ. ભારત દેશની આઝાદી માટે બહુમૂલ્ય સમર્પણ કરનાર તમામ લોકોને યાદ કરીને આજના યુવાનો આઝાદી અમૃત મહોત્સવની સમગ્ર વર્ષ દરમ્યાન આ પ્રકારની ઉજવણી કરી રાષ્ટ્ભકિતની ભાવના લોકોમાં જાગૃત કરે તે જ અભ્યર્થના છે.
પૂર્વ મેયર શ્રી ગૌતમભાઇ શાહે વધુમાં ઉમેર્યું કે, આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં દેશની સરહદો અને સીમાઓ સુરક્ષિત બની છે અને આપણો દેશ વિકાસ અને પ્રગતિના નવા અને ઉચ્ચ શિખરો સર કરી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વને ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનો પરિચય થઇ રહ્યો છે. વિશ્વકક્ષાએ આજે ભારતના વિકાસ અને તેની શકિતની નોંધ લેવાઇ રહી છે અને તેની સરાહના થઇ રહી છે. આપણે સૌએ પણ રાષ્ટ્રભકિતની ભાવના વિકસાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વ દ્વારા ચીંધવામાં આવેલા વિકાસપથ પર સતત આગળ વધતા રહીએ. ખાસ કરીને યુવાનો તેમનામાં રાષ્ટ્રભકિતની ઉત્કૃષ્ટ ભાવના કેળવે અને જીવનમાં તેમના તમામ કાર્યો સમાજ અને રાષ્ટ્ર સેવા તરીકે આલેખી દેશને નવી ઉંચાઇઓ પર લઇ જવાના સપનાને સાકાર કરે તે ખૂબ જરૂરી છે.
દરમ્યાન મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના પ્રમુખ શ્રી ગૌરાંગભાઇ ભગતે જણાવ્યું હતું કે, દેશની આઝાદી મળી અને 75 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છુ. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સમગ્ર વર્ષ દરમ્યાન આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થવાની છે તેના ભાગરૂપે આજે સફલ-2માં મહાજનના હોદ્દેદારો અને માર્કેટ સભ્યો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇને આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છે. પૂર્વ મેયર ગૌતમભાઇ શાહના નેજા હેઠળ તમામ મહાજનો અને માર્કેટના વેપારીઓ એકત્ર થઇ આ સુંદર ઉજવણીમાં સહભાગી બન્યા છે અને આપણા વીર શહીદ જવાનો અને દેશને આઝાદી અપાવવામાં બહુમૂલ્ય યોગદાન આપનાર મહાન વિભૂતિઓને યાદ કરી તેઓનું ઋણ અદા કરી રહ્યા છે તે રાષ્ટ્રભકિતની ભાવનાને બળવત્તર બનાવશે. આજે આપણા વીર શહીદ જવાનો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ સહિતની મહાન વિભૂતિઓ અને દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપનાર તમામ લોકોને યાદ કરવાનો સુંદર અને પવિત્ર અવસર છે ત્યારે આપણે સૌ રાષ્ટ્રભકિતની ભાવના સાથે તેઓનું ઋણ અદા કરવાની ભાવના વ્યકત કરીએ.
તેમણે ઉમેર્યું કે, દરેક વેપારી, માર્કેટ, એસોસીએશન, મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટ અને મહાજન સાથે જોડાયેલા વેપારીઓ સહિતના તમામ લોકોની એકતા વધારવા અને આ એસોસીએશન અને માર્કેટ સાથે જોડાયેલા કર્મચારીઓ, શ્રમજીવીઓના ઉત્કર્ષ માટેના ઉમદા આશય સાથે આ ઉજવણી કરાઇ રહી છે., તે સરાહનીય વાત છે. મારી તમામ વેપારીઓ, કર્મચારીઓને અપીલ છે કે, તેઓ મહત્તમ સંખ્યામાં મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટ સાથે જોડાય અને તેમાં સભ્ય બને કે જેથી તેમના કોઇપણ પ્રકારના પ્રશ્નો કે સમસ્યાનું તાકીદે અમે નિરાકરણ લાવી શકીએ. અમે હરહંમેશ વેપારીઆલમની પડખે જ છીએ.
મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના પ્રમુખ શ્રી ગૌરાંગભાઇ ભગતે ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને અભિનંદન આપતાં જણાવ્યું કે, રાજય સરકાર અને અમ્યુકો સત્તાવાળાઓએ વેપારીઓને સમયસર અને પૂરતી રસી આપવા માટે ખરેખર અસરકારક અને પ્રશંસનીય પ્રયાસો હાથ ધર્યા છે. સરકાર અને અમ્યુકો સત્તાધીશોને અમારી વિનંતી છે કે, અમારા દસ હજાર વેપારીઓ અને ત્રીસ હજાર કર્મચારીઓ છે, તેથી તા.31મી ઓગસ્ટ સુધી વેકસીનેશન કાર્યક્રમ ચાલુ રાખવો જોઇએ કે જેથી કોઇપણ વેપારી કે તેમના ત્યાં કામ કરતાં કર્મચારી કે શ્રમજીવી રસીકરણ વિના રહી ના જાય.,તેથી સરકારને અમારી આ અંગેની ખાસ વિનંતી છે.
દરમ્યાન કન્યા ક્રિએશનના પ્રિયંક ગીડવાણી અને રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું કે, દેશની રક્ષા કાજે શહીદી વહોરનાર અને આઝાદી અપાવવામાં બલિદાન આપનારા તમામ વીર જવાનો અને સેનાના મહાન સપૂતોને યાદ કરી તેઓને કોટિ કોટિ નમન કરીએ છીએ. સેનાના વીર જવાનો હોય કે, દેશની મહાન વિભૂતિઓ કે જેઓએ દેશની આઝાદી માટે સતત વર્ષો સુધી ચળવળ, આંદોલન અને જલદ કાર્યક્રમો આપી રાષ્ટ્રભકિતના ભાવના જગાવી વર્ષોની લડતના અંતે આખરે આપણા દેશને આઝાદી અપાવી સાચા અર્થમાં સ્વતંત્રતાની મહત્તા સમજાવી છે તે તમામનું ઋણ વ્યકત કરવાનો અને તેઓને યાદ કરી તેમના રાષ્ટ્ર સેવા અને બલિદાનને બિરદાવવાનો આજનો આ દિવસ છે. કાંકરિયા સફલ-2ના વેપારીઓ દ્વારા 75માં સ્વાતંત્ર્યદિન પર્વની અનોખી ઉજવણી કરી સેનાના વીર જવાનો અને શહીદ સપૂતોને લાખ-લાખ સલામી આપતા ધ્વજવંદન કાર્યક્રમમાં પૂર્વ મેયર ગૌતમભાઇ શાહ, મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને ન્યુ કલોથ માર્કેટના પ્રમુખ શ્રી ગૌરાંગભાઇ ભગત, કાગડાપીઠ પોલીસમથકના પીઆઇ અજયજી પાંડવ, સફલ-2 વેપારી મંડળના અગ્રણી રમેશભાઇ ગીડવાણી, પ્રિયંક ગીડવાણી, અંશુલ સોમાણી સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓ દ્વારા ભારત માતા કી જય, વંદે માતરમ્. વંદે માતરમ્..જય હિન્દ..સહિતના રાષ્ટ્રભકિતના નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂકયુ હતુ ત્યારે એક તબક્કે રાષ્ટ્રભકિતનો માહોલ છવાયો હતો.