રખડતા ઢોરોના ત્રાસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને હાલના સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહે સીમાચિહ્નરૂપ ચુકાદા અને માર્ગદર્શિકા જારી કર્યા હોવાછતાં તેનું પાલન કરાવવામાં મનપા, નપા, પોલીસ સહિતના સત્તાધીશો નિષ્ફળ
ખરેખર તો, પોલીસ સહિતના સંબંધિત સત્તાવાળાઓની આ ગંભીર બેદરકારી હાઇકોર્ટના ચુકાદાની અવમાનના સમાન છે, ખુદ હાઇકોર્ટ દ્વારા દરમ્યાનગીરી કરી કસૂરવાર સત્તાધીશો સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અદાલતી અવમાનનાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોમાં આક્રોશિત લાગણી – રખડતા ઢોરોના ત્રાસને લઇ નાગરિકોમાં વધતો જતો આક્રોશ
અમદાવાદ,તા.11
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરોનો ત્રાસ હવે ગંભીર અને ચિંતાજનક હદે વધતો જાય છે. દિન પ્રતિદિન અમદાવાદ સહિત રાજયના અનેક શહેરોમાં રખડતા ઢોરના આંતક અને તેના કારણે ઇજા કે અક્સ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં નવસારી અને જામનગરના ગંભીર કિસ્સાઓના કારણે ફરી એકવાર રાજયભરમાં રખડતા ઢોરોના ત્રાસ મુદ્દો ફરી ચર્ચાની એરણે આવ્યો છે. નવસારી શહેરમાં રખડતા ઢોરની અડફેટના કારણે એક આશાસ્પદ વિદ્યાર્થીંનું ગંભીર ઇજાઓ થવાના કારણે મૃત્યુ નીપજયુ છે તો, જામનગરમાં એક રખડતા ઢોરના હુમલાના કારણે એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ હતી. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ઘણા સમયથી થલતેજ, મેમનગર, ઘાટલોડિયા, સત્તાધાર, નારણપુરા, નવરંગપુરા, ઓઢવ, વસ્ત્રાલ, રબારીકોલોની, રામોલ, બાપુનગર, નરોડા, નારોલ સહિતના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસની ગંભીર ફરિયાદો ઉઠી રહી છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે, પોલીસ સત્તાવાળાઓ આ સમગ્ર મામલે કોઇ જ કાર્યવાહી કરી રહ્યા નથી, જેના કારણે આ સત્તાધીશો સામે ચાલીને ગુજરાત હાઇકોર્ટની અવમાનને આવકારી રહ્યા હોય તેવી સ્થિતિ બની રહી છે.
ઉલ્લેખનીય છે કે, રખડતા ઢોરોના ત્રાસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને હાલના સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એમ.આર.શાહે સીમાચિહ્નરૂપ ચુકાદા અને માર્ગદર્શિકા જારી કર્યા હોવાછતાં તેનું પાલન કરાવવામાં મનપા, નપા, પોલીસ સહિતના સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે. જેના કારણે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરોના ત્રાસની સમસ્યા વિકટ, જટિલ અને માથાના દુઃખાવા સમાન બની રહી છે. જસ્ટિસ એમ.આર.શાહે તેમના અતિમહત્વપૂર્ણ અને લેન્ડમાર્ક જજમેન્ટમાં અમ્યુકો, રાજયની મહાનગરપાલિકા, નગરપાલિકા, પોલીસ, રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને ઉદ્દેશીને ખૂબ જ મહત્વના અને માર્ગદર્શક નિર્દેશો જારી કર્યા છે પરંતુ તેમછતાં ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાનું ચુસ્તપણે પાલન કરવામાં અને કરાવવામાં પોલીસ સહિતના સંબંધિત સત્તાવાળાઓ સરેઆમ નિષ્ફળ રહ્યા છે. ખરેખર તો, પોલીસ સહિતના સંબંધિત સત્તાવાળાઓની આ ગંભીર બેદરકારી હાઇકોર્ટના ચુકાદાની અવમાનના સમાન છે, બીજીબાજુ, રખડતા ઢોરોના ત્રાસને લઇ લોકોમાં વધતો જતો આક્રોશ જોતાં હાઇકોર્ટે ફરી એકવાર આ સમગ્ર મામલે આકરા આદેશો જારી કરી પોલીસ સહિતના કસૂરવાર સત્તાધીશો સામે અદાલતી તિરસ્કારની કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવી પણ લોકોમાં ઉગ્ર માંગણી પ્રવર્તી રહી છે.
રાજ્યના અનેક શહેરમાં રખડતા ઢોરના આતંકના કિસ્સા સામે આવી રહ્યા છે. બે દિવસમાં આવા બે કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં નવસારી શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જેમાં રખડતા ઢોરે અડફેટે લેતા એક આશાસ્પદ વિદ્યાર્થીનું મોત થયું છે. નવસારીના ખડસુપા ખાતે રહેતા અને બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિશાલ હળપતિનું કાલિયાવાડી પાસે રખડતા ઢોરની અડફેટના અકસ્માતમાં મોત થયું છે. રખડતા ઢોરે અડફેટે લેતા વિશાલને અકસ્માત નડ્યો હતો. આ બનાવને પગલે મૃતક વિદ્યાર્થીનો પરિવાર તો ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે નવસારી શહેરમાં ભૂતકાળમાં પણ રખડતા ઢોરના ત્રાસના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. રખડતા ઢોરને લઈને પાલિકા અધિકારી અને શાસકો પર ભૂતકાળમાં પોલીસ કેસ પણ થયા છે. પરંતુ હજુ પણ સમસ્યા યથાવત્ રહેવા પામી છે.
આ જ પ્રકારના અન્ય એક બનાવમાં જામનગર ખાતે ચૌહાણ ફળીયા ખાતે રખડતા ઢોરે એક યુવતી પર હુમલો કર્યો છે. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ઢોરના હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવતી શેરીમાં જઈ રહી હોય છે ત્યારે એક ગાય સામેથી દોડી આવીને તેણી પર હુમલો કરી દે છે. આ દરમ્યાન અન્ય એક યુવતી તેને બચાવવા દોડે છે. પરંતુ ગાય યુવતીને છોડતી નથી અને યુવતી પર હુમલો કરવાનું ચાલુ જ રાખે છે. આ દરમિયાન આસપાસના લોકો પણ દોડી આવે છે, પરંતુ ગાય હુમલો કરવાનું ચાલુ જ રાખે છે. ગાયના હુમલાથી કિશોરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
રખડતા ઢોરના આંતક અને ત્રાસના આ જ પ્રકારના બનાવો રાજયના અમદાવાદ સહિતના અનેક શહેરોમાં પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર હવે અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયમાં રખડતા ઢોરોના ત્રાસનો મુદ્દો ચર્ચાની એરણે આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદામાં જસ્ટિસ એમ.આર.શાહે પોલીસ, મહાનગરપાલિકા, નગરપાલિકા સહિતના સંબંધિત સત્તાવાળાઓની જવાબદાર નક્કી કરી આ જટિલ સમસ્યાના કાયમી નિવારણ અર્થે અને સતત અસરકારક કામગીરી કરી તેના ઉકેલ માટે બહુ જ મહત્વના અને પરિણામલક્ષી આદેશો જારી કર્યા છે પરંતુ પોલીસ સહિતના સંબંધિત સત્તાવાળાઓ હાઇકોર્ટના ચુકાદાને પણ ઘોળીને પણ પી ગયા હોય તેવું ચિત્ર આ બનાવો પરથી સામે આવી રહ્યું છે. ત્યારે હવે રાજય સરકારે તાત્કાલિક આ મામલે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ અન્યથા પોલીસ સહિતના સરકારના સંબંધિત સત્તાવાળાઓ હાઇકોર્ટના ચુકાદાનું પાલન નહી કરીને, તેમાં કસૂર કરીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટ હેઠળ અદાલતી તિરસ્કારને પાત્ર બની રહ્યા છે. પ્રજાજનો પણ આ સમગ્ર મામલે હવે ખુદ હાઇકોર્ટ દ્વારા દરમ્યાનગીરી કરી કસૂરવાર સત્તાધીશો સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અદાલતી અવમાનનાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી આક્રોશિત લાગણી વ્યકત કરી રહ્યા છે.