અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં ઠેર-ઠેર બિસ્માર અને તૂટેલા રસ્તાઓ અને ભુવાઓથી નાગરિકો પરેશાન -કોર્પોરેશન થીગડા મારી સંતોષ માની રહ્યું છે
શહેરમાં ભૂવા પડવાની ઘટનામાં અમ્યુકો અને કોન્ટ્રાકટરની મિલી ભગતના આક્ષેપો – લોકોમાં અમ્યુકોના કથળેલા વહીવટને લઇ આક્રોશ
અમદાવાદ, 6
સ્માર્ટ અને મેગા સીટીની ઓળખ ધરાવતું અમદાવાદ હવે જાણે ભુવા નગરી સાબિત થઈ રહ્યું છે. તાજેતરના સામાન્ય વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં અને અનેક જગ્યાઓ પર ભૂવા પડતાં લોકો પરેશાન થઈ રહ્યા છે, ભુવાના કારણે કેટલાક વિસ્તારોમાં તો ગંભીર અકસ્માત અને ઇજાના ગંભીર બનાવો પણ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાકટરની મિલી ભગતના કારણે શહેરના બિસ્માર-તૂટેલા રસ્તાઓ, ભુવાઓ, ખાડાઓના કારણે અત્યારે પ્રજાને પરેશાન થવાનો સમય આવ્યો છે. આજે ખોખરામાં લક્ષ્મીનારાયણ ચાર રસ્તા પાસે એક જ જગ્યા પર થોડા થોડા અંતરે બે ભુવા પડ્યા છે. તેમ છતાં અમ્યુકો સત્તાવાળાઓએ માત્ર બેરીકેડ મૂકી અને સંતોષ માન્યો છે, બાકી તેને પૂરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમ્યુકોની ગંભીર બેદરકારી અને કથળેલા વહીવટને લઇ હવે લોકોમાં અમ્યુકો સત્તાધીશો પરત્વે ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
અમદાવાદમાં હજી નહિવત વરસાદ છે.છતાં પણ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ખાડા રાજ સર્જાયું છે. હમણાં થોડા દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટી બી આર ટી એસ રોડ પર ભૂવો પડ્યો હતો. જેને કારણે બી આર ટી એસ ને ફરીને જવું પડ્યું હતું. ત્યાં પણ કોર્પોરેશને ખાલી બેરીકેડ મૂકી દીધા હતા. અમદાવાદમાં હજી વરસાદએ જોઇએ તેવી જમાવટ કરી નથી ત્યાં તો ખાડા અને ભુવા પડવાનું શરૂ થઈ ગયું છે. આજે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઘણા વિસ્તારોમાં નાના, મોટા અને મધ્યમ કક્ષાના ભુવા પડ્યા છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર 54 જેટલા ભુવા પડ્યા છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર ફરિયાદ મળતા તેનું નિરાકરણ લાવવામાં આવે છે પરંતુ યોગ્ય પુરાણ નહીં કરતાં તેમાં ફરી ત્યાં ખાડા પડી જાય છે અને ત્યાં પાણી ભરાવાની પણ ઘટના બને છે. જેમાં અનેક વાહનો પણ ફસાઈ જાય છે. લોકોને પરેશાન થવાનો પણ વારો આવે છે. ત્યારે બીજી તરફ કોર્પોરેશનમાં અનેક જગ્યાઓ પર રોડ અને રસ્તા ધોવાઈ જવાની ફરિયાદ આવી હતી જેમાં કોર્પોરેશન દ્વારા થીગડા મારવાનું કામ કરી સંતોષ માનવામાં આવી રહ્યો છે પરંતુ લોકો અમ્યુકોની આવી કામગીરીને લઇ ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે.
રોડ અને બિલ્ડીંગ કમિટીમાં અનેક બાબતે ચર્ચા થાય છે પરંતુ રોડ અને રસ્તાને લઈને કોઈ પણ ચર્ચા કરવામાં આવી નથી તેવી અનેક ફરિયાદો આવે છે. આ વખતે મળેલી રોડ અને બિલ્ડીંગ કમિટી હોય કે સ્ટેન્ડિંગ કમિટીમાં આ વિષે ચર્ચા કરવામાં આવી નથી. નવા આર સી સી રોડ માટે 10 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને અમદાવાદનાં બિસ્માર રોડ અને રસ્તા પર થીગડા મારી કોર્પોરેશન કામ કર્યાનું ચિત્ર ઉપસાવી રહ્યું છે પરંતુ પ્રજા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાધીશોના આવા ગંભીર બેદરકારીભર્યા અને બેજવાબદાર વલણને લઇ આક્રોશિત છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે આગામી દિવસોમાં શાસક પક્ષ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવે તેવી પણ પૂરી શકયતા છે.