ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય – દરેક બાર એસોસીએશને આ ચૂંટણી વન બાર વન વોટ હેઠળ કરવાની રહેશે
ગુજરાતમાં કોઇપણ ધારાશાસ્ત્રી માત્ર કોઇપણ એક જ બાર એસોસીએશનમાં પોતાના મતના અધિકારનો ઉપયોગ કરી શકશે
કોઇપણ ધારાશાસ્ત્રી એકથી વધુ જગ્યાએ મતદાર તરીકેના પોતાના અધિકારનો ઉપયોગ કરશે તો તેવા ધારાશાસ્ત્રીને મતાધિકારથી વંચિત રાખવામાં આવશે. એટલું જ નહી, આવા ધારાશાસ્ત્રી વિરૂધ્ધ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત એડવોકેટ એકટની કલમ-35 મુજબ કાર્યવાહી કરવામાં આવશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.28
ગુજરાત રાજયમાં આવેલી તમામ જિલ્લા અને તાલુકા અદાલતોના વિવિધ વકીલમંડળો(બાર એસોસીએશન)ની મહત્વપૂર્ણ ચૂંટણી આગામી તા.17 ડિસેમ્બર,2021ના રોજ યોજવામાં આવશે. ગુજરાત બાર કાઉન્સીલની મળેલી સામાન્ય સભામાં આજે આ ચૂંટણી અંગેનો નિર્ણય સર્વાનુમતે કરવામાં આવ્યો હતો. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન હીરાભાઇ એસ.પટેલ, વાઇસ ચેરમેન શંકરસિંહ એસ.ગોહિલ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઇ કે. પટેલ તથા શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લાએ આ વિષય સંદર્ભે જણાવ્યું હતું કે, બાર એસોસીએશન ઓફ ગુજરાત રૂલ્સ-2015 હેઠળ ગુજરાતના તમામ બાર એસોસીએશનના વાર્ષિક અથવા દ્વિવાર્ષિક ચૂંટણી ફરજિયાત રીતે ડિસેમ્બર માસના ત્રીજા શુક્રવારે એટલે કે, તા.17-12-2021ના રોજ દરેક એસોસીએશને યોજવાની રહેશે. નિયમોનુસાર, દરેક બાર એસોસીએશને આ ચૂંટણી વન બાર વન વોટ હેઠળ કરવાની રહેશે એટલે કે, ગુજરાતમાં કોઇપણ ધારાશાસ્ત્રી માત્ર કોઇપણ એક બાર એસોસીએશનમાં જ પોતાના મતના અધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાતના આશરે 270 બાર એસોસીએશનોએ ફરજિયાતપણે તા.17-12-2021ના રોજ તેમની ચૂંટણી કરવાની રહેશે.
ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન હીરાભાઇ એસ.પટેલ અને શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના તમામ બાર એસોસીએશને બાર એસોસીએશન ઓફ ગુજરાત રૂલ્સ-2015 હેઠળ તા.31-10-2021 સુધીમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ઓફિસમાં તેમની આખરી મતદાર યાદી(વન બાર વન વોટ) હેઠળની મતદાર યાદી મોકલી આપવાની રહેશે. દરેક બાર એસોસીએશને ચૂંટણીની તારીખના 45 દિવસ અગાઉ પોતાના ચૂંટણી કમિશનરની નિમણૂંક કરવાની રહેશે. એસોસીએશનના કોઇપણ સભ્યને મતદાર યાદી અંગે વાંધો હોય તો ચૂંટણી કમિશનરને તે બાબતે તે વાંધા અરજી આપવાની રહેશે અને જે તે ચૂંટણી કમિશનરે તેમની સમક્ષ આવેલ વાંધા અરજી પર જરૂરી નિર્ણય કરી 30 દિવસ અગાઉ આખરી યાદી વાંધા અરજી સહિતની હોય તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને મોકલી આપવાની રહેશે. ઉપરાતં, દરેક ચૂંટણી કમિશનરે બાર એસોસીએશન ઓફ ગુજરાત રૂલ્સ-2015 હેઠળ દરેક હોદ્દા અને કારોબારી સભ્યો માટે તેમ જ અન્ય હોદ્દા માટે ઉમેદવારી ફોર્મ વિતરણ અને ભરવાની કામગીરી તેમ જ ચકાસણીની કામગીરી કરવાની રહેશે. જો આ ચૂંટણીમાં આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામ અંગે કોઇપણ ઉમેદવારને વાંધો હોય તો ચૂંટણી સંદર્ભે અને પરિણામ સંદર્ભે દસ દિવસમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને અરજી કરવાની રહેશે.
તેમણે ઉમેર્યું હતું કે, કોઇપણ બાર એસોસીએશનમાં પ્રોવીઝનલ સનદ ધરાવતા ધારાશાસ્ત્રીઓ મત આપી શકશે નહી એટલે કે, ઓલ ઇન્ડિયા બાર એકઝામની પરીક્ષા પાસ કરનાર ધારાશાસ્ત્રી જ મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ઉપરાંત, કોઇપણ ધારાશાસ્ત્રી એકથી વધુ જગ્યાએ મતદાર તરીકેના પોતાના અધિકારનો ઉપયોગ કરશે તો તેવા ધારાશાસ્ત્રીને મતાધિકારથી વંચિત રાખવામાં આવશે. એટલું જ નહી, આવા ધારાશાસ્ત્રી વિરૂધ્ધ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત એડવોકેટ એકટની કલમ-35 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આજની સામાન્ય સભામાં સભ્ય વિજય એચ.પટેલ, દિપેન કે.દવે, આર.જી.શાહ, કરણસિંહ બી.વાઘેલા, પરેશ.આર.જાની, ગુલાબખાન પઠાણ, મનોજ અનડકટ, કિરીટ એ.બારોટ, અનિરૂધ્ધસિંહ એચ.ઝાલા, જીતેન્દ્ર બી.ગોળવાલા, પ્રવીણ ડી.પટેલ, રમેશચંદ્ર એન.પટેલ, કિશોરકુમાર આર.ત્રિવેદી, રણજીતસિંહ આર.રાઠોડ અને પરેશકુમાર એચ.વાઘેલા સહિતના સભ્યોએ બેઠકમાં હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકમાં સર્વાનુમતે ગુજરાતના તમામ બાર એસોસીએશનની ચૂંટણી તા.17-12-2021ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ લેવાયો હતો. બાર કાઉન્સીલ દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે રાજયના તમામ વકીલમંડળોમાં ખુશીન લાગણી ફેલાયેલી જોવા મળી હતી. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ચૂંટણીની તારીખ જાહેર થતાં હવે રાજયના વિવિધ વકીલમંડળોના હોદ્દેદારો દ્વારા ચૂંટણીને લઇ જરૂરી તૈયારીઓ આરંભવામાં આવશે. ખાસ કરીને ઉમેદવારોની પસંદગી અને તેમના પ્રચારને લઇ રણનીતિ તૈયાર કરવાના ચક્રો ગતિમાન થશે.
#bharatmirror #bharatmirror21 #news