કાશીવિશ્વનાથ મહાદેવ ઉપરાંત શહેરના કેટલાક મુખ્ય તેમ જ મોટા શિવાલયો મંદિરના ગર્ભગૃહમાં શ્રધ્ધાળુઓને પ્રવેશ નહીં
વેક્સીનના 2 ડોઝ લીધા હશે તેમને જ ગર્ભગૃહમાં પ્રવેશ મળશે – કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
પવિત્ર શ્રાવણ માસને લઇ શિવભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ – શિવાલયોમાં પણ ખાસ તૈયારીઓ
અમદાવાદ, 8
દેવાધિદેવ મહાદેવના અતિ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત આવતીકાલે સોમવારથી થઈ રહી છે, ત્યારે શહેરના કેટલાક મુખ્ય અને મોટા શિવાલયોમાં આ વર્ષે કોરોનાકાળ દરમિયાન ભક્તોને કોરાનાનું સંક્રમણ વધુ ના ફેલાય અને કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન જળવાઇ રહે તે હેતુથી ગર્ભગૃહમાં પ્રવેશ નહીં મળે. અમદાવાદનાં મુખ્ય મંદિર જેવા કે કાશી વિશ્વનાથ, ચંદ્રેશ્વર મહાદેવ, કામેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ અને ચકુડિયા મહાદેવ અને ભાડજના લમ્બેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ કરવા નહીં મળે. દર વર્ષે શ્રાવણ મહિના પહેલા દિવસથી જ ભક્તોની ભારે ભીડ હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની માર્ગદર્શિકા-નિયમોના ચુસ્ત પાલન સાથે જ ભક્તોને મંદિરમાં પ્રવેશ મળશે.
આ વખતે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થઈ રહી છે અને તેનું સમાપન પણ સોમવારના દિવસે જ થઇ રહ્યુ છે, વળી, આ વખતે શ્રાવણ માસ દરમ્યાન પાંચ સોમવાર આવે છે. દેવાધિદેવ મહાદેવનો અતિ પ્રિય વાર સોમવાર હોઇ સોમવારથી પ્રારંભ થતા શ્રાવણ માસનું આ વખતે વિશેષ મહાત્મ્ય રહેશે.
પવિત્ર શ્રાવણ માસને લઇ અમદાવાદ શહેરના વિવિધ શિવાલયો-મંદિરો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવને જળ અને દૂધનો અભિષેક કરે છે મહા પૂજા અને રુદ્રી કરવામાં આવે છે. જો કે, આ વર્ષે શ્રાવણ માસમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં મળે કે ના અભિષેક કે મહાપૂજા કરવામાં આવશે. શહેરના મુખ્ય શિવાલયો અને મહાદેવ મંદિરો દ્વારા નિયમ લાવવામાં આવ્યો છે કે જે ભક્તોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા હોય તે ભક્તોને જ ગર્ભગૃહમાં પ્રવેશ મળશે અને તેમને અભિષેક કરવા દેવામાં આવશે. આ સાથે સોમવારના દિવસે મહાદેવજીનો વિશેષ શણગાર કરવામાં આવશે આ ઉપરાંત ભક્તો માટે બીલીપત્ર અને ફૂલ ચડાવવા માટેની પણ મનાઈ શિવાલયો તરફથી કરવામાં આવી છે.
ગતવર્ષે કોરોના મહામારીના કપરા સમયે મંદિરમાં કોઈપણ ભક્તને પ્રવેશ આપવામાં નહોતો આવતો પરંતુ આ વર્ષે કોરોના કેસ ઓછા છે અને વેક્સિન આવી ગઈ છે લગભગ મોટાભાગના લોકોએ રસીનો પહેલો કે બીજો ડોઝ લઈ લીધો છે. એટલે માસ્ક અને સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને ભક્તોને દર્શન કરવા દેવામાં આવશે.
બોક્ષ : વેક્સિનના 2 ડોઝ લીધા હશે તો જ ગર્ભગૃહમાં પ્રવેશ મળશે.
કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી હિમાંશુ રાવલે જણાવ્યુ હતું કે, આવતીકાલે તા.9 ઓગસ્ટ સોમવારથી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ મળશે નહીં. અભિષેક માટે તે જ ભક્તો જઇ શકશે જેણે પ્રથમ અને બીજો ડોઝ લઈ લીધો હશે. આ ઉપરાંત તેમણે બીલીપત્ર અને પ્રસાદી લઇને આવવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. હાલમાં કોરોના સમયને ધ્યાનમાં રાખીને મંદિર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે મહાદેવજીને વિશેષ શણગાર કરવામાં આવશે અને મહાઆરતી કરવામાં આવશે.
બોક્ષ : ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી
કામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી એવા નટુકાકાએ જણાવ્યુ હતું કે, ભક્તો દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. અમારા મંદિરના ભૂદેવ જ પૂજા આરતી અને અભિષેક કરશે. ભક્તો જે પણ બિલીપત્ર દૂધ અને પ્રસાદી લાવશે તેને મંદિરના પૂજારી અને મંત્રોચ્ચાર કરતા ભૂદેવો જ ભગવાનને અર્પણ કરશે. અમારા તમામ પૂજારીઓ અને ભૂ દેવો દ્વારા કોરોના વેક્સિનના બંને ડોઝ લેવાઈ ગયા છે. ભક્તોને વિનંતી છે કે સરકારની ગાઈડલાઈન સાથે દર્શન કરે કોરોના હજી ગયો નથી., તેથી કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરે.
બોક્ષ – શ્રાવણ માસને લઇ અમદાવાદના વિવિધ શિવાલયોમાં વિશેષ તૈયારીઓ
અમદાવાદના સુપ્રસિધ્ધ રખિયાલના ચકુડિયા મહાદેવ, રાયપુર ચકલાના ચકુડિયા મહાદેવ, થલતેજ ખાતેના કૈલાશ ટેકરી મહાદેવ, સારંગપુરના પ્રાચીન કર્ણમુકતેશ્વર મહાદેવ, બોડકદેવના પારદેશ્વર મહાદેવ, સોલા રોડ ચાંદની એપાર્ટમેન્ટ પાસેના નીલકંઠ મહાદેવ, ગાંધીનગરના સુપ્રસિધ્ધ ધોળેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં આવતીકાલે પવિત્ર શ્રાવણ માસથી હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજય મંત્રના જાપથી ગુંજી ઉઠશે. શ્રાવણ માસને લઇ અમદાવાદ શહેરના વિવિધ શિવાલયોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. તો, રાજયના જગવિખ્યાત સોમનાથ મહાદેવ, દ્વારકા પાસેના નાગેશ્વર મહાદેવ સહિતના બાર જયોર્તિલિંગ ધરાવતા સુપ્રિધ્ધ શિવાલયોમાં પણ દેવાધિદેવ મહાદેવની શ્રાવણ માસને લઇ વિશેષ પૂજા-અર્ચના, સાજ-શણગાર, મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરાયુ છે. જો આ સુપ્રસિધ્ધ શિવાલયોમાં પણ કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવાનું શ્રધ્ધાળુ ભકતોને ફરમાવાયું છે.