દેત્રોજ તાલુકામાં કિસાનોના સન્માનમાં “કિસાન સૂર્યોદય યોજના”નો પ્રારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
અગાઉની સરકારમાં પાયમાલ બનેલો ખેડૂત અત્યારની સરકારમાં સુખી સંપન્ન થયો છે, વિવિધ સરકારી સહાયથી ગુજરાતના ખેડૂતનો સર્વાંગી વિકાસ થયો છે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.5
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે અમદાવાદના દેત્રોજ સ્થિત “કિસાન સમ્માન દિવસ” કાર્યક્રમમા કહ્યું હતું કે, રાજ્યભરમાં કિસાન સુર્યોદય યોજનાના અસરકારક અમલીકરણ થી ખેડૂતને “નિરાંતની નીંદર” મળશે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં આ યોજનાના અસરકારક અમલીકરણ બાદ આજે દેત્રોજ તાલુકાના ૩૦ જેટલા ગામોના ખેડૂતોને આ યોજના થકી ખેતી અને સિંચાઈ માટે દિવસે પણ વીજળી ઉપલબ્ધ થનાર છે જે એક ઐતિહાસિક ક્ષણ છે. આ યોજના દેત્રોજ તાલુકાને જ નહીં રાજ્યના તમામ ખેડૂતો,જગત ના તાતની સુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના ખેડૂતોનો દાયકાઓથીજે પ્રશ્ન સતાવતો હતો તેની ચિંતા ગુજરાતની સંવેદનશીલ સરકારે કરી છે તેમ જણાવી નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખેડૂતોની સુખાકારી માટે જનહિત લક્ષી નિર્ણય કરી તેમને દિવસે પણ વિજળી પ્રાપ્ત થાય તે માટેની “કિસાન સૂર્યોદય યોજના” કાર્યરત કરીને રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે પોતાની કટિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અગાઉની સરકારના સમયમાં ખેડૂતોને રાત્રી દરમિયાન ઉજાગરા કરીને ખેતી કરવા જવું પડતું હતું.જે જોખમ ભરેલું હતું. જેની ચિંતા રાજ્ય સરકારે કરીને રાજ્યમાં “કિસાન સૂર્યોદય યોજના” અમલી બનાવી છે.
તેમણે ઉમેર્યુ કે,આઠ થી નવ હજાર કરોડના ખર્ચ મંજુર કરીને જી.ઈ.બી.ના સહયોગથી ખેડૂતોને દિવસ દરમિયાન પણ ખેતી માટે વીજળી મળી રહે તેવું તબક્કાવાર આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પણ તબક્કાવાર કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી શરૂ થવા જઈ રહી છે. રાત્રી ઉપરાંત દિવસ દરમિયાન પણ ખેતી માટે હાઇવોલ્ટેજ સહિત વીજળી ઉપલબ્ધ થાય તે માટે ફીડર બદલવાની આવશ્યકતા રહે છે જેના ઉપલક્ષ્યે આ યોજનાની અમલવારી રાજ્યમાં તબક્કાવાર થઈ રહી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, “કિસાન સૂર્યોદય યોજના”ના અમલીકરણ થી રાજ્યમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ કરાવતું સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. જે ગુજરાત સરકારની સંવેદનશીલતાની પ્રતિતિ કરાવે છે. ખેડૂતોને વીજળી જ નહીં વિવિધ કૃષિ લક્ષી સહાય આપીને રાજ્ય સરકાર જગતના તાત ના પ્રશ્નોના હર હંમેશ નિરાકરણ લાવ્યા છે.
આજે ગુજરાતના ખેડૂતોનો સન્માન દિવસ છે ત્યારે તે જણાવવું જરૂરી છે કે , રાજ્યની સંવેદનશીલ સરકારે ગુજરાતના ખેડૂતોના હિતને હંમેશાથી પ્રાથમિકતા આપી છે. રાજ્ય સરકારે ખેડૂતો ગ્રામજનોની ચિંતા કરીને નર્મદા યોજના દ્વારા કચ્છ સુધી તેમજ ૩૫૦ કિ.મીની કેનાલ દ્વારા સુજલામ સુફલામ યોજના થકી ઉત્તર ગુજરાતના ગામે-ગામ પાણી પહોંચતું કર્યું છે.જેનાથી આજે ગુજરાત ૧૮ લાખ હેકટર જમીનમાં સિંચાઇ થઈ રહી છે જે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના કાર્યાન્વિત કરીને ગામેગામ પહોંચાડેલ પાણી ની સુવિધાને આભારી છે.
રાજ્યના ખેડૂતનો પાક નિષ્ફળ જતા તેના વળતર રૂપ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે રાજ્યના ખેડૂતોના ઉત્પાદનને સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા સબસીડી અપાય છે. ખેત ઉત્પાદનોને ટેકાના ભાવ નક્કી કરીને ખેડૂતોને આર્થિક સ્તર પર લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
ખેડૂત જગતનો તાત છે અગાઉની સરકારના સમયમાં ખેડૂતોએ ઘણા સંઘર્ષ કર્યા છે પોતાના હક માટે ઘણા આંદોલન કર્યા છે જેમાં ઘણા ખેડૂતો શહિદ પણ થયા છે તેમ જણાવી નાયબ મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું કે,છેલ્લા ૨૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોના હિતલક્ષી અનેકવિધ નિર્ણય કરીને પગલાં ભરીને ખેડૂતનો સંઘર્ષ અટકાવ્યો છે.અગાઉની સરકારમાં પાયમાલ બનતા ખેડૂત આજે આર્થિક રીતે સજ્જ અને સુખી સંપન્ન જ નહીં પરંતુ આત્મનિર્ભર પણ બન્યા છે.
તેમણે ઉમેર્યુ કે, તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિચાર ના પરિણામ સ્વરૂપ તેમના કાર્યકાળમાં જ્યોર્તિગ્રામ યોજના દ્વારા રાજ્યના ગામે ગામ વીજળી પહોંચાડવાનું કાર્ય સફળતાપૂર્વક હાથ ધરાયું હતું જેના પરિણામ સ્વરૂપ આજે ગામમાં ૬૦ થી ૭૦ હોર્સ પાવર વીજકનેકશન ઉપલબ્ધ થયા છે જેનાથી ગામનો ખેડૂત સુખી અને સંપન્ન બન્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોની વર્ષ ૨૦૨૨ સુધીમાં આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે જે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સમયસર પાણી વીજળી ખેતી માટે ઉપયોગી બિયારણ અને અદ્યતન સાધનો સહિત ની સહાય પૂરી પાડીને રાજય સરકાર તેમાં મદદરૂપ બની રહી છે. એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ઉત્પાદનો અને બજારમાં કિંમત મળે સારા ભાવ મળે ટેકાના ભાવ મળે તે પ્રમાણેનૂ આયોજન પણ કરવામાં આવ્યું છે.
જય જવાન જય કિસાન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલબિહારી બાજપાઈજી એ આપેલા જય વિજ્ઞાનના સૂત્રને ખરા અર્થમાં ગુજરાત સરકાર દ્વારા ચરિતાર્થ કરવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે મંત્રીશ્રીએ કડી વિધાનસભાથી ધારાસભ્ય તરીકેના કાર્યકાળ સમયથી દેત્રોજ તાલુકાના તબક્કાવાર વિકાસના સાક્ષી રહ્યા હોવાનું જણાવ્યુ હતું.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આરંભેલી ગ્રામ્ય વિકાસની મુહિમને આજે શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકાર આગળ ધપાવી રહી છે એમ તેમણે કહ્યું હતું. દેત્રોજ તાલુકાએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં વિકાસશીલ તાલુકા થી વિકસિત તાલુકા તરીકેની હરણફાળ ભરી છે તેમ જણાવી આજે દેત્રોજ તાલુકાના ગામોમાં રસ્તા ,વીજળી, પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો સાથે અત્યાધુનિક સુવિધાઓ પણ સજ્જ થઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
“કિસાન સન્માન દિન”ના પવિત્ર અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે દેત્રોજ તાલુકાના સ્વ.કાંતિભાઈ રાવ, ભાઈલાલ કાકા અને જગદીશ ભાઈ જેવા સામાજિક અગ્રણીઓના યોગદાનને પણ યાદ કર્યા હતા. “કિસાન સમ્માન દિવસ” કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી એ દેત્રોજ તાલુકાના ખેડૂતોને કૃષિલક્ષી સાધન સહાય,ટૂલ કીટ સહાય જેવી વિવિધ સહાય થી લાભાન્વિત કર્યા હતા.
નાયબ મુખ્યમંત્રી શ્રી એ કિસાન પરિવહન હેઠળ ખેડૂતને મળેલ પરિવહન સહાયનું પણ ફ્લેગ ઓફ કર્યું હતું. દેત્રોજ તાલુકાના કિસાન સન્માન દિવસ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઇ, જિલ્લા પંચાયત ચેરમેન શ્રી વિનોદભાઈ, જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલીયા,યુ.જી.વી.સી.એલ. ના મુખ્ય ઈજનેર શ્રી પી.વી. પંડ્યા, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી વજુભાઈ ડોડિયા અને શ્રી તેજસ્વી બેન પટેલ, દેત્રોજ તાલુકા પ્રમુખશ્રી, મામલતદાર શ્રી સહિત જિલ્લાના અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.