કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને તા.15મી સપ્ટેમ્બર સુધીમાં ઇન્કમટેક્ષ પોર્ટલ બિલકુલ ફુલફલેજ રીતે ચાલુ થઇ જશે તેવી હૈયાધારણ આપી છે પરંતુ ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ તા.30મી સપ્ટેમ્બર જાહેર કરાઇ છે તો શું પંદર દિવસમાં અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશના કરદાતાઓના ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવા શકય છે અને શું થઇ જશે ખરા તે સૌથી મોટો પ્રશ્ન છે
આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા હજારો કરદાતાઓને જારી કરાયેલી ઇન્કમટેક્ષ એકટની કલમ-234(એ) અને 148ની નોટિસોને લઇને પણ કરદાતાઓમાં ભારે રોષ અને નારાજગીની લાગણી
ગુજરાત સહિત દેશના લાખો કરદાતાઓ, ઇન્કમટેક્ષ પ્રેકટીશનર્સ, સીએ, ટેક્ષ કન્સલ્ટન્ટ્સ વગેરે ભારે માનસિક તાણ અને બિનજરૂરી ઉતાવળ વચ્ચે રિટર્ન ફાઇલ કરવા સહિતની સંબંધિત બાબતોને લઇ કામનો બોજો ઉપાડી રહ્યા છે, આટલા માનસિક તાણ અને કામના દબાણ વચ્ચે જો કોઇને હાર્ટ એટેક કે અન્ય કોઇ શારીરિક તકલીફનો ભોગ બને તો તે માટે જવાબદાર કોણ એવું પણ નિષ્ણાતો પૂછી રહ્યા છે
સીએ, ટેક્ષ કન્સલ્ટન્ટ્સ, ઇન્કમટેક્ષ પ્રેકટીશનર્સ સહિતના વ્યવસાયિકોમાં પણ ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં અત્યારથી જ વ્યવહારૂ અભિગમ અપનાવી પૂરતો અને યોગ્ય વધારો કરી આપવા ઉગ્ર માંગણી
અમદાવાદ,તા.28
છેલ્લા કેટલાય મહિનાઓથી ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું પોર્ટલ ફુલફલેજ કામ કરતુ નહી હોવાના કારણે ગુજરાત સહિત દેશભરના લાખો કરદાતાઓની સાથે સાથે ટેક્સ કન્સલ્ટન્ટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઇન્કમટેક્ષ પ્રેકટીશનર્સ સહિતના વ્યવસાયિકો ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને તા.15મી સપ્ટેમ્બર સુધીમાં ઇન્કમટેક્ષ પોર્ટલ બિલકુલ ફુલફલેજ રીતે ચાલુ થઇ જશે તેવી હૈયાધારણ આપી છે પરંતુ ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ તા.30મી સપ્ટેમ્બર જાહેર કરાઇ છે તો શું પંદર દિવસમાં અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશના કરદાતાઓના ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવા શકય છે અને શું થઇ જશે ખરા તે સૌથી મોટો પ્રશ્ન છે. જેનો જવાબ ખુદ કેન્દ્રીય નાણાંમંત્રી અને કેન્દ્ર સરકારને પણ ખબર હોવાછતાં આવી પોકળ જાહેરાત કરવામાં આવી છે, જેને લઇ લાખો કરદાતાઓ, ઇન્કમટેક્ષ પ્રેકટીશનર્સ, સીએ, ટેક્ષ કન્સલ્ટન્ટ્સ વગેરેમાં ભારે નારાજગીની લાગણી જોવા મળી રહી છે. નિષ્ણાતોના મતે, કેન્દ્રીય નાણાંમંત્રીને ખબર છે કે, પંદર દિવસમાં આખા દેશના ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ થઇ શકવાના નથી તો શા માટે તેઓ અત્યારથી જ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવી દેતા નથી અને તેની જાહેરાત કરતા નથી.
આમ નહી કરવાના કારણે, ગુજરાત સહિત દેશના લાખો કરદાતાઓ, ઇન્કમટેક્ષ પ્રેકટીશનર્સ, સીએ, ટેક્ષ કન્સલ્ટન્ટ્સ વગેરે ભારે માનસિક તાણ અને બિનજરૂરી ઉતાવળ વચ્ચે રિટર્ન ફાઇલ કરવા સહિતની સંબંધિત બાબતોને લઇ કામનો બોજો ઉપાડી રહ્યા છે, આટલા માનસિક તાણ અને કામના દબાણ વચ્ચે જો કોઇને હાર્ટ એટેક કે અન્ય કોઇ શારીરિક તકલીફનો હુમલો આવે તો તે માટે જવાબદાર કોણ એવું પણ નિષ્ણાતો પૂછી રહ્યા છે.
બીજીબાજુ, છેલ્લા ચાર-પાંચ મહિનાથી ઇન્કમટેક્ષ પોર્ટલના પ્રોબ્લેમને લઇ ગુજરાત સહિત દેશના લાખો કરદાતાઓ ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે અને બીજીબાજુ, કોરોના મહામારી, મંદી અને મોંઘવારીના મારથી લોકો ત્રસ્ત છે ત્યારે તેવા કપરા સંજોગોમાં પણ ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્કમટેક્ષ એકટની કલમ-234(એ) હેઠળ જો ડયુ ડેટ પછી રિટર્ન ફાઇલ કર્યું હોય તો બાકી ટેક્સ પર એક ટકા લેખે ઇન્ટરેસ્ટ(વ્યાજ)ની માંગણી કરતી નોટિસો ફટકારાઇ છે, તેને લઇને પણ કરદાતાઓમાં ભારોભાર નારાજગીની લાગણી પ્રવર્તી રહી છે. કારણ કે, કાયદામાં જો ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ સમસ્યા કે ટેકનીકલ ગૂંચ સર્જાય અને તેના કારણે રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ થાય તો રાહત આપવાની કોઇ જોગવાઇ જ નથી, જે હાલના સંજોગોમાં આઇટી પોર્ટલનો ગંભીર પ્રશ્ન સરકાર અને ડિપાર્ટમેન્ટના કારણે ઉભો થયો, તેમાં કરદાતાઓને કોઇ લેવાદેવા નથી, તેમછતાં તેઓને ભોગ બનાવાઇ રહ્યા છે, તે વાતને લઇ રોષ સામે આવી રહ્યો છે.
એ જ પ્રકારે કરદાતાઓના રિટર્નમાં ખરાઇ અને ચકાસણી કરવાના હેતુસર આઇટી એકટની કલમ-148 હેઠળ તેમના રિટર્ન રિઓપન કરવાની નોટિસ ગુજરાતના હજારો કરદાતાઓને ફટકારવામાં આવી છે, જેને કરદાતાઓ ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની બિનજરૂરી હેરાનગતિ અને મનસ્વી જોહુકમી ગણાવી રહ્યા છે. તો આ મુદ્દાઓને લઇ જાણીતા સીએ, ટેક્ષ કન્સલ્ટન્ટ્સ, ઇન્કમટેક્ષ પ્રેકટીશનર્સ સહિતના વ્યવસાયિકોમાં પણ આંતરિક નારાજગી જોવા મળી રહી છે. નિષ્ણાતોના મતે, ફેબ્રુઆરીમાં કેન્દ્રીય બજેટ રજૂ થઇ ગયા બાદ પણ જો ઇન્કમટેક્ષ પોર્ટલના પ્રોબ્લેમ છેલ્લા ચાર-પાંચ મહિનાથી ચાલી રહ્યા હોય અને આટલા મહિનાઓ સુધી ઇન્કમટેક્ષ રિટર્ન માટેના ફોર્મ સુધ્ધાં ઉપલબ્ધ ના બનાવાયા હોય તો રિટર્ન ફાઇલ કરવામાં ડિલે કે વિલંબ કે અન્ય કોઇ કસર રહી ગઇ હોય તો તે માટે જવાબદાર કોણ…તમામ બાબતો માટે કરદાતાઓ પર દોષનો ટોપલો ઢોળવો વાજબી ના કહી શકાય.
ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના આ પ્રકારના બિનવ્યવહારૂ અભિગમ અને વલણના કારણે માત્ર લાખો કરદાતાઓ જ નહી પરંતુ સાથે સાથે તેમના રિટર્ન ફાઇલ કરતાં અને તે સંબંધી કામગીરી કરતાં સીએ, ટેક્ષ કન્સલ્ટન્ટ્સ, ઇન્કમટેક્ષ પ્રેકટીશનર્સ સહિતના વ્યવસાયિકો પણ ભારે સ્ટ્રેસનો ભોગ બની રહ્યા છે કારણ કે, ઓવરઓલ ડિપાર્ટમેન્ટ તેમની પર આ બધી બાબતોને લઇ પરોક્ષ રીતે દબાણ વધી રહ્યું છે, જેની સીધી અસર તેઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે, જે બહુ ગંભીર વાત કહી શકાય.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની મુદત તા.30 જૂલાઇથી લંબાવી તા.30 સપ્ટેમ્બર સુધીની કરી આપી છે પરંતુ આટલા મહિનાઓ ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું પોર્ટલ જ સરખી રીતે ચાલ્યુ નથી અને લાખો કરદાતાઓ, સીએ, ટેક્ષ કન્સલ્ટન્ટ્સ, ઇન્કમટેક્ષ પ્રેકટીશનર્સ સહિતના સંબંધિત તમામ લોકો ભારે હેરાનગતિનો ભોગ બન્યા છે. ખુદ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણે પોર્ટલની સમસ્યા તા.15મી સપ્ટેમ્બર સુધીમાં સોલ્વ કરી દેવા ઇન્ફોસીસને કડક તાકીદ કરી છે પરંતુ તે પછીના પંદર દિવસની સમયમર્યાદામાં શું આખા દેશના રિર્ટન ફાઇલ થઇ જશે ખરા તે સૌથી ગંભીર અને સળગતો સવાલ છે…જેથી સીએ, ટેક્ષ કન્સલ્ટન્ટ્સ, ઇન્કમટેક્ષ પ્રેકટીશનર્સ સહિતના વ્યવસાયિકોમાં પણ ઇન્કમટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં અત્યારથી જ વ્યવહારૂ અભિગમ અપનાવી પૂરતો અને યોગ્ય વધારો કરી આપવા ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.
બોક્ષ – ઇન્કમટેક્ષ પોર્ટલમાં પડી રહેલી મુખ્ય મુશ્કેલીઓ કઇ કઇ…
- ઇન્કમટેક્ષ પોર્ટલમાં હાલ જો કોઇ કરદાતાનું રિટર્ન ફાઇલ કરી દેવાયું હોય અને પછી તેને વેરીફાઇ કરવું હોય તો તે પાછું વેરીફાઇ થઇ શકતુ નથી
- આઇટી રિટર્ન ફાઇલ કરવામાં ઓટીપી લેટ જાય છે, જેના કારણે પણ ઘણી હાલાકી પડી રહી છે
- કરદાતાનું રિટર્ન ફાઇલ થઇ ગયુ હોય, તેનો મેસેજ પણ ડિપાર્ટમેન્ટ તરફથી મળી જાય પરંતુ તેની રિસીપ્ટ ડાઉનલોડ જ થતી નથી…કલાક-કલાક સુધી ઘણીવાર રાહ જોવી પડે છે, જેના કારણે સીએ, ટેક્ષ કન્સલ્ટન્ટ્સ, ઇન્કમટેક્ષ પ્રેકટીશનર્સ સહિતના વ્યવસાયિકોનો બહુ કિંમતી સમય વેડફાય છે.
- વળી, ડિજિટલ સીગ્નેચરથી આઇટી રિટર્ન ફાઇલ થઇ શકતા નથી, જેને લઇને પણ મોટો પ્રોબ્લેમ સામે આવી રહ્યો છે
- તે સિવાય પણ નાની-મોટી તકલીફોનો સામનો પ્રોફેશનલ્સ અને કરદાતાઓ કરી રહ્યા છે
- #bharatmirror #bharatmirror21 #news