બે તાલુકાની ત્રણ આઉટપોસ્ટના સમાવેશ સાથે ૪૯ ગામોની કાયદો અને વ્યવસ્થાની દેખરેખ માટે ૫૭ પોલીસકર્મીઓ ફરજ બજાવશે
કુણઘેર ખાતે રૂ.૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આઉટપોસ્ટના મકાન તથા સ્ટાફ ક્વાર્ટર્સની તકતીનું ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે અનાવરણ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર,તા.2
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ખાતે આવેલા ચોરમારપુરા ગામે સરસ્વતી તાલુકાના નવા પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વહિવટી સરળતા ખાતર ઉભા કરવામાં આવેલા આ નવીન પોલીસ સ્ટેશનથી તાલુકાના ૪૯ ગામના પ્રજાજનોને વધુ સારી સલામતી સેવાઓ પૂરી પાડી શકાશે. આનાથી પ્રજાને પડતી અસુવિધાઓ પોલીસ દ્વારા સત્વરે દૂર કરી શકાશે.
સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે વાગડોદ પોલીસ સ્ટેશન હસ્તકના સરીયદ અને વાયડ આઉટપોસ્ટ તથા પાટણ પોલીસ સ્ટેશન હસ્તકના વામૈયા આઉટપોસ્ટનો સમાવેશ કરી શરૂ કરવામાં આવેલા આ પોલીસ સ્ટેશનમાં ૫૭ જેટલા પોલીસ અધિકારીશ્રીઓ તથા પોલીસકર્મીઓ ફરજ બજાવશે. આ સાથે ગૃહ રાજ્ય મંત્રીશ્રી દ્વારા કુણઘેર ખાતે રૂ.૩૫ લાખના ખર્ચે નવનિર્મિત આઉટપોસ્ટના મકાન તથા સ્ટાફ ક્વાર્ટર્સની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
સરસ્વતી ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ બેન્ડનું નિરિક્ષણ કરી તેની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, પ્રદેશ સંગઠન ઉપાધ્યક્ષશ્રી નંદાજી ઠાકોર, સંગઠનના પૂર્વ મહામંત્રીશ્રી કે.સી.પટેલ, પૂર્વ મંત્રીશ્રી રણછોડભાઈ દેસાઈ સહિતના પદાધિકારીશ્રીઓ, રેન્જ આઈ.જી.શ્રી જે.આર.મોથલિયા, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.