મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની 102 ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં 394 વર્ગોમાં જ્ઞાન કુંજ કાર્યક્રમનું લોકાર્પણ પણ કરાયુ
ભાજપ સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા પણ અમદાવાદમાં આજે વિવિધ જગ્યાઓ પર ઉજવણી કરવામાં આવી
અમદાવાદ: 1
ભાજપ સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા પણ અમદાવાદમાં આજે વિવિધ જગ્યાઓ પર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે પહેલા દિવસે જ્ઞાન શક્તિ દિવસ નિમિતે આજે પાલડી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે અલગ અલગ કામોના ઇ લોકાર્પણ કાર્યકમો કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં શિક્ષણ સમિતિ દ્વારા 100 જેટલા સ્થળોએ સિવિલ વર્ક અને આઈ સી ટી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમો પૈકી અમ્યુકો સ્કૂલ બોર્ડ સંચાલિત દાણીલીમડા ગુજરાતી શાળા નબર 1 અને 2માં 33 ઓરડાનું આજે ઇ લોકાર્પણ ધારાસભ્ય પ્રદીપ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ 33 ઓરડાના ભવ્ય મકાનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેની પાછળ રૂ.2.97 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની 102 ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં 394 વર્ગોમાં જ્ઞાન કુંજ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમ્યુકો સ્કૂલ બોર્ડની આ 102 શાળાઓમાં ધોરણ 6 થી 8ના 394 વર્ગો ઇન્ટરેક્ટિવ બોર્ડ, ઇંફા રેડ કેમેરા, લેપટોપ અને સ્પીકર સીસ્ટમ સહિત અત્યાધુનિક બનાવવામાં આવ્યા છે. આ અંગે અમ્યુકો સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લખધીર દેસાઇએ જણાવ્યુ હતું કે, 102 ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં 394 વર્ગો થી 30 હજાર જેટલા બાળકોને ટેકનૉલોજી સાથે શિક્ષણ મળશે. ધીરે ધીરે સરકારી શાળાઓ પણ ટેકનૉલોજી વાળી થઈ રહી છે તેનું અમને ખૂબ જ ગૌરવ છે. અમદાવાદમાં 10 શાળાઓ સ્માર્ટ શાળાઓ બની ગઇ છે. જેનો લાભ હવે વાલીઓ અને વિધાર્થીઓ લઈ રહયા છે.
અમદાવાદમાં બનેલી સ્માર્ટ શાળાઓની મુલાકાત માટે તાજેતરમાં રાજકોટ નાગર પ્રાથમિક શિક્ષક બોર્ડ પણ આવ્યું હતું અને આપણી શાળાઓની રૂબરૂ મુલાકાત અને ટેકનોલોજી તેમણે જોઈ હતી. આ શાળાઓના વખાણ પણ તેમણે કર્યા હતા. અમદાવાદની સ્માર્ટ શાળાઓ જોઈને તેઓ પણ હવે રાજકોટમાં સ્માર્ટ શાળાઓ બનાવશે. તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાસ કરીને સ્કૂલ બોર્ડ માટે પણ ગૌરવની વાત કહી શકાય એમ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લખધીર દેસાઇએ ઉમેર્યું હતું.