પોતાના નામથી વૃક્ષોરોપણ જાળીઓની વહેંચણી કરતા વિવાદ – ગાર્ડન વિભાગ દ્વારા સમગ્ર મામલે હવે અમ્યુકો સત્તાધીશોને ફરિયાદ કરવામાં આવશે
બીજી તરફ વિજેતા કોર્પોરેટર દ્વારા આ અંગેનું બજેટ કેમ ફાળવાયું તેને લઇને પણ હવે ચર્ચાઓ તેજ – અમ્યુકો વર્તુળમાં અનેક સવાલો ચર્ચાની એરણે
અમદાવાદ, 12
અમદાવાદ કુબેરનગર વોર્ડમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના હારી ગયેલા ઉમેદવાર જગદીશ મોહનાનીએ પોતે ચૂંટણી હારી ગયા બાદ પણ વૃક્ષારોપણ માટેની લોખંડની જાળી ઉપર પોતે મ્યુનિસિપલ કાઉન્સિલર હોવાની વિગતો દર્શાવતાં મોટો વિવાદ સર્જાયો છે. જો કે, કોંગ્રેસ પક્ષમાં કોઇ વિપક્ષ નેતા નહી હોવાથી તેઓ આ પ્રકારે મનમાની કરી રહ્યા છે કે, મહાનગર પાલિકાની ચૂંટણીમાં હારી ગયા હોવાછતાં તેઓ હજુ સુધી હાર સ્વીકારવા તૈયાર નથી કે શું તે સહિતના અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ વિજેતા કોર્પોરેટર દ્વારા આ અંગેનું બજેટ કેમ ફાળવાયું તેને લઇને પણ હવે ચર્ચાઓ તેજ બની છે.
કુબેરનગર વોર્ડમાં તાજેતરમાં યોજાયેલી અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાની હારી ગયા હતા.આ વોર્ડમાં ત્રણ કોંગ્રેસ અને એક ભાજપના ઉમેદવારને ચૂંટણી અધિકારીએ વિજયી જાહેર કર્યા હતા. જેમાં હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાની પોતાની હારને હાઈકોર્ટમાં પડકારી હતી. પરંતુ હાઈકોર્ટે પણ તેમની રિટ અરજી ફગાવી દીધી હતી. હાલ સુપ્રીમ કોર્ટમાં આ અંગેની મેટર પેન્ડિંગ છે.
અમદાવાદ મહાનગર પાલિકાનું વર્ષ બજેટ 2021-2022 માં વૃક્ષો માટેની જાળીઓમાં જગદીશ મોહનાની મ્યુનિસિપલ કાઉન્સીલર તરીકે દર્શાવતી હકીકત સામે આવતાં અનેક સવાલો પેદા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુબેરનગર વોર્ડમાં પોતાની જાતે બની બેઠેલા આ પાંચમા કાઉન્સિલર છે. કોર્પોરેશનમાં આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી છે અને હવે જાળી પર પોતાનું નામ મ્યુનિસિપલ કાઉન્સીલ તરીકે લખાવાતાં ગાર્ડન વિભાગ દ્વારા આગામી સમયમાં આ મુદ્દે ફરિયાદ કરવામાં આવશે. કોંગ્રેસમાં હાલ કોઈ વિપક્ષ નેતા નથી જેને લઈને કોંગ્રેસનાં કોર્પોરેટર પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. બીજી તરફ કોંગ્રેસનાં મ્યુનિસિપલ કાઉન્સિલર ઊર્મિલાબેન પરમારે પોતાના બજેટમાંથી જગદીશભાઈને કેમ ફાળવણી કરી તેને લઇને પણ અમ્યુકો વર્તુળમાં સવાલ ઉઠી રહ્યા છે. આપ્યું તે પણ એક પ્રશ્ન છે.