રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત આ કોન્ફરન્સનું કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ ઉદ્ઘાટન કર્યું
પોષણ પરંપરાઓ અને ઇચ્છનીય પરિવર્તનો ની રૂપરેખા આપતી વિશેષ પુસ્તિકાનું મંત્રીશ્રીએ કર્યું વિમોચન – આ કોન્ફરન્સમાં વિવિધ મિશન આધારિત થઈ રહ્યો છે વિચાર વિમર્શ
(વિવેક આચાર્ય દ્વારા)
કેવડિયા, તા.31
કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા આ પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ અવસરે કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ પોષણ પરંપરાઓ અને ઇચ્છનીય પરિવર્તનોની રૂપરેખા આપતી વિશેષ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. આ કોન્ફરન્સમાં રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ ભાગ લઈ વિવિધ મિશન આધારિત વિચાર-વિમર્શ કરશે.
આ બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે વિવિધ રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીશ્રીઓ તથા સચિવશ્રીઓ વિશ્વની ૧૮૨ મીટર સૌથી ઊંચી લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મિશન પોષણ ૨.૦, મિશન વાત્સલ્ય તથા મિશન શક્તિ જેવાં વિવિધ વિષય પર પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે પોષણ અભિયાન હેઠળ દેશભરમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ને પોષણ અભિયાન માટે નોડલ મંત્રાલય નિયુક્ત કરવામાં આવ્યું છે જેમના દ્વારા સહભાગી મંત્રાલયો અને વિભાગો સાથે મળી, રાષ્ટ્રીય, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે, જિલ્લા અને તદ્દન પાયાના સ્તરે આ ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસની ઉજવણી કરવા પાછળ નાના બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે જન આંદોલનનું નિર્માણ કરવા માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે જેથી દરેક વ્યક્તિ માટે આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત થઇ શકે.
અત્યંત તીવ્ર કુપોષિત (SAM) બાળકોની ઓળખ અને તેમના વ્યવસ્થાપન તેમજ પોષણ વાટિકાઓ એટલે કે પોષણ બાગનું વાવેતર વગેરે કાર્યક્રમો પર આ પોષણ માસ દરમિયાન ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમજ વહેલા સ્તનપાનનું મહત્વ, બાળકના જીવનના શરૂઆતના ૧,૦૦૦ દિવસમાં સારા પોષણની જરૂરિયાત, યુવાન મહિલાઓ અને બાળકોમાં એનેમિયા ઘટાડવા માટે યોગ્ય પગલાં વગેરે અંગે જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
#bharatmirror #bharatmirror21 #news