ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન એક તબક્કે કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ
વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીને કપાળમાં વાગતાં તેમને સામાન્ય ઇજા પહોંચી – પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી સહિત અનેક આગેવાનો અને સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરતાં એક તબક્કે મામલો ગરમાયો
ભાજપ સરકારના માણસો એ નવા અંગ્રેજો છે પરંતુ કોંગ્રેસે તો જૂના અંગ્રેજો સામે પણ લડત આપી છે ત્યારે આ નવા અંગ્રેજોના અત્યાચાર સામે પણ કોંગ્રેસ ઝુકશે નહી
અમદાવાદ,તા.11
તૌકતે વાવાઝોડાથી રાજયમાં થયેલ તારાજી અને નુકસાનીમાં અસરગ્રસ્તોને રાજય સરકાર દ્વારા પૂરતી અને યોગ્ય આર્થિક સહાય નહી ચૂકવી તેઓની ક્રૂર મજાક કરી હોવાના ગંભીર આરોપ લાગવી ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગરમાં વિધાનસભા સંકુલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે, પોલીસની મંજૂરી નહી હોવાના કારણસર પહેલેથી જ તૈનાત પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને જવાનોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી સહિતના નેતાઓ અને આગેવાનો તેમ જ સેંકડો કાર્યકરોને ત્યાંથી હટાવ્યા હતા ત્યારે પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે એક તબક્કે જોરદાર ઘર્ષણ સર્જાયું હતું. જેમાં વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીને કપાળમાં વાગતાં તેમને સામાન્ય ઇજા પણ પહોંચી હતી. પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી સહિત અનેક આગેવાનો અને સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરતાં એક તબક્કે મામલો ગરમાયો હતો.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ ભાજપ સરકાર અને પોલીસ પર આકાર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના માણસો એ નવા અંગ્રેજો છે પરંતુ કોંગ્રેસે તો જૂના અંગ્રેજો સામે પણ લડત આપી છે ત્યારે આ નવા અંગ્રેજોના અત્યાચાર સામે પણ કોંગ્રેસ ઝુકશે નહી. કોંગ્રેસ પ્રજાનો અવાજ રજૂ કરે છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે બેસી ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ કરી રહી છે તે પણ યોજવા નથી દેવાતા અને ગેરકાયદે અટકાયત કરી લોકશાહીના મૂલ્યોની હત્યા કરાઇ રહી છે. સરકાર દ્વારા તૌકતે વાવાઝોડાથી અસર પામેલા લોકોને આર્થિક સહાય ચૂકવવામાં ભારે વિસંગતતા રહી ગઇ છે. સાચા અસગ્રસ્તો સહાયથી વંચિત રહી ગયા છે અને ખોટા માણસો સહાયનો લાભ લઇ ગયા છે. વળી, તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં પંદર હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે પરંતુ સરકારે એક હજાર કરોડનું પેકેજ જાહેર કરી અસરગ્રસ્તો સાથે ક્રૂર મજાક કરી છે. કોંગ્રેસ પ્રજાનો અવાજ બનીને આજે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ કરી રહી છે ત્યારે આ અત્યાચારી સરકાર અને તેના પોલીસ પટાવાળા પ્રજાનો અવાજ પણ દબાવવાની કોશિશ કરી રહી છે. પરંતુ ગુજરાતની જનતા આ બધુ જોઇ રહી છે અને તે ભાજપને આગામી ચૂંટણીમાં તેનો જોરદાર વળતો જવાબ આપશે. ઉત્સવો અને તાયફા કરનારી આ સરકાર જરૂરિયાતમંદોની લાભ નથી આપતી. લોકોની વાત લઈને કોંગ્રેસ નીકળે તો તેમને પણ રોકે છે.
આજે સવારે તૌકતે પ્રભાવિત વિસ્તારના ધારાસભ્યોની એક અગત્યની બેઠક વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીની ઓફિસમાં યોજાઇ હતી. ત્યારબાદ વિધાનસભા સંકુલમાં ગાંધીજીની પ્રતિમા પાસે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણાં યોજાયા હતા. જો કે કાર્યક્રમને મંજૂરી નહી હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે આ ઘર્ષણમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને માથા પર વાગ્યુ હતું અને તેમના કપાળ પરથી લોહી નીકળવા લાગ્યુ હતું. પોલીસ સાથેના ઘર્ષણમાં શ્રી ધાનાણીને સામાન્ય ઇજા પહોંચી હતી. જેને લઇ કોંગ્રેસના કાર્યકરોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. તૌકતે નુકસાનીના વળતરમાં અનિયમિતતા અને વિસંગતતા હોવાનો કોંગ્રેસનો આરોપ છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસના ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ આ મુદ્દે મુખ્યમંત્રીને મળ્યું હતું. જો યોગ્ય ઉકેલ નહિ આવે તો કોંગ્રેસના ધારાસભ્યોએ ચીમકી આપી હતી, તેના અનુસંધાનમાં આજે કોંગ્રેસ દ્વારા આ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ ગળામાં બેનર લટકાવી સરકાર વિરોધી સૂત્રો લખીને વિરોધ દર્શાવ્યો હતો. દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ પણ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને વિરોધ કરી રહ્યા છીએ. સરકાર તૌકતેના અસરગ્રસ્તોને સહાય આપવામાં વ્હાલા દવલાની નીતિ રાખે છે. જેને મળવુ જોઈએ તેને મળતુ નથી. વળતરમાં પણ ભેદભાવ રાખે છે. તૌકતેમાં જેમને નુકસાન થયુ હતું તેમને વળતર આપ્યુ નથી. તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્તોને હજુ પૂરતી અને યોગ્ય સહાય મળી નથી ત્યારે સરકાર તેની ઉજવણી અન તાયફાઓ કરવામાંથી ઉઁચી આવતી નથી, જે બહુ શરમજનક અને આઘાતજનક કહી શકાય. રાજયના તમામ અસરગ્રસ્ત લોકોને ન્યાય આપાવવા અમે બનતા તમામ પ્રયાસ કરીશું. કોંગ્રેસના આગેવાનો, નેતાઓ અને કાર્યકરોએ આજે કોંગ્રેસ કાર્યાલયથી ગાંધીજીની પ્રતિમા સુધી રેલી કાઢીને ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો.