ગોતા વિસ્તારમાં સ્થિત સ્મૃતિ વન ખાતે આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વૃક્ષોરાપણ કરી આ વનમાં જાપાનીઝ ટેકનોલોજી મિયાવાકી પધ્ધતિથી 65 હજાર વૃક્ષો વાવવાનું અમ્યુકોનું જે આયોજન છે, તેનો પ્રારંભ કરાવ્યો
ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યભરમાં ૧૦ કરોડ જેટલા વૃક્ષોના વાવેતરના અભિયાનનો આરંભ કરવામાં આવનાર છે – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.8
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરંભાયેલા મીશન મિલીયન ટ્રી મીશનના ભાગરૂપે અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં સ્થિત સ્મૃતિ વન ખાતે આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વૃક્ષોરાપણ કરી આ વનમાં જાપાનીઝ ટેકનોલોજી મિયાવાકી પધ્ધતિથી 65 હજાર વૃક્ષો વાવવાનું જે આયોજન છે, તેનો પ્રારંભ કરાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આરંભેલા “મિશન મિલીયન ટ્રી” અભિયાનની પ્રશંસા કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે,સમયની માંગ આધારિત ટકાઉ વિકાસ માટે વૃક્ષારોપણ અતિ આવશ્યક છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણની સુપેરે કામગીરી કરીને પ્રકૃતિના જતનનો સકારાત્મક સંદેશો આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, સરકાર દ્વારા પણ રાજ્યભરમાં ૧૦ કરોડ જેટલા વૃક્ષોના વાવેતરના અભિયાનનો આરંભ કરવામાં આવનાર છે.
પાંચ વર્ષના સુશાસનના….. પાંચ વર્ષ સૌના સાથ, સૌનો વિકાસ સંદર્ભે આરંભેલા નવ દિવસના સેવાયજ્ઞના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો સંદર્ભે અમદાવાદ શહેરમાં આજે “શહેરી જન સુખાકારી દિવસ”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમ્યુકો દ્વારા અમદાવાદ શહેરના ગોતા વિસ્તાર સ્થિત સ્મૃતિ વનમાં મિયાવાકી પદ્ધતિથી એક સાથે ૬૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. આ સ્મૃતિ વનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આજે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનની નેમ વ્યક્ત કરી હતી.
મિશન મિલીયન ટ્રી અભિયાન અંતર્ગત તેમણે વિશેષમાં કહ્યું કે, રાજ્ય સરકાર ગ્રીન ગુજરાત અને ક્લીન ગુજરાતના લક્ષ્ય ભણી ટકાઉ વિકાસ તરફ આગળ વધી રહી છે. આવનારી પેઢીને વારસામાં કઇ આપવા માટે ટકાઉ વિકાસ ખૂબ જ જરૂરી છે. છે માટે પર્યાવરણની જાળવણી અને મહત્તમ વૃક્ષારોપણ, વૃક્ષોનું જતન, વૃક્ષોનો ઉછેર જેવી રાજ્યવ્યાપી વિવિધ કામગીરી સરકારે હાથ ધરી છે.
રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ પાણી સ્વચ્છ પર્યાવરણ અને પ્રદુષણ મુક્ત શહેર બને તે પ્રકારનું સુદ્રઢ આયોજન અને વ્યવસ્થાપન હાથ ધરાયું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આજના ગોતા સ્થિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ, પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ સહિત અધિકારી-પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમાં વધતા જતા પ્રદુષણના કારણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે અને કોરોના કાળમાં માનવીને જયારે ઓકિસજનની બહુમૂલ્ય કિંમત સમજાઇ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રદુષણની માત્રા ઘટાડવા અને ઓક્સિજનનો વ્યાપ વધારવા અલગ અલગ વિસ્તારોમાં વન ઉભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના ગોતા વિસ્તારમાં જાપાનીઝ ટેકનોલોજી મિયાવાકી પદ્ધતિથી સ્મૃતિ વનમાં 65 હજાર વૃક્ષોનું જંગલ બનાવવાનું આયોજન છે. જેની શુભ શરૂઆત આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વૃક્ષ વાવીને કરી છે. આ સ્મૃતિવનમાં જાપાનીઝ ટેકનોલોજી મિયાવાકી પધ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે.
જાપાની મિયાવાકી પધ્ધતિ શુ છે તે સમજીએ તો જાપાનના ડો. મિયાવાકીએ એક એક ફૂટના અંતરમાં વૃક્ષો વાવવામાં આવે છે. ઘનઘોર જંગલ જેવુ જ પ્રતિત કરાવતું આ પાર્કમાં અલગ અલગ જાતિના ફૂલો અને વૃક્ષો વાવવામા આવશે. આવા વન અને ઓક્સિજન પાર્ક વધતા જતા કોક્રિટના જંગલ સામે વરદાનરૂપ સાબિત થશે. આ સાથે જ લોકોને શારીરિક અને માનસિક રીતે પણ ઘણું ફાયદાકારક સાબિત થશે. આ વનમાં ખાખરા,વડ, નગોડ, પીપલ, ટીમબારું, સિસમ જેવા અલગ અલગ પ્રજાતિના વૃક્ષો વાવવાનું આયોજન છે.