કોવિડ-19ની મહામારીએ આહાર સંરક્ષણ અને કુપોષણ સામે લેવાઈ રહેલા વિકાસાત્મક કાર્યોની ઝડપ અવરોધી છે
ગ્રાહકોને તેમણે શું ખાવું જોઈએ તે માટે પ્રોત્સાહિત કરવાને બદલે તેમણે શું ના ખાવું જોઈએ તે વિશે સાવધ કરવા જોઈએ. ચેતવણીના ચિહ્નોથી નિરક્ષર લોકોને પણ સરળતાથી બિનઆરોગ્યપ્રદ આહાર અંગે સાવધ કરી શકાશે – સીઈઆરસીના એડવોકસી ઓફિસર સુશ્રી અનુષા ઐયર
અમદાવાદ,તા.11
દક્ષિણ એશિયામાં આહાર પ્રણાલી પર તાત્કાલિક નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. કોવિડ-19ની મહામારીએ આહાર સંરક્ષણ અને કુપોષણ સામે લેવાઈ રહેલા વિકાસાત્મક કાર્યોની ઝડપ અવરોધી છે. 2021 યુનાઈટેડ નેશન્સ ફૂડ સિસ્ટમ્સ સમિટ એ નીતિના હિમાયતોનું વૈશ્વિક આહાર પદ્ધતિમાં બદલાવ અંગે નિર્ણાયક પગલાં લેવા માટે સરકારોને અપીલ કરતું મંચ છે. આ પ્રસંગે કન્ઝ્યૂમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (સીઈઆરસી) સહિતના ભારત અને બાંગ્લાદેશના ગ્રાહક સંગઠનો તથા યુકેના કન્ઝ્યૂમર ઈન્ટરનેશનલે ભેગા મળી આરોગ્યપ્રદ અને સાતત્યપૂર્ણ આહારને પ્રોત્સાહન આપવા માટે તેમના દ્વારા બંને દેશોની સરકારને કરાનારા નીતિગત સૂચનો અંગે ચર્ચા કરી હતી. ગ્રાહક સંગઠનો દ્વારા કરાયેલી વિગતવાર ચર્ચા અને સૂચનોનું સંકલન કરાયું હતું અને એક ટૂંકો અહેવાલ તથા કાર્યવાહી માટેનું નિવેદન તૈયાર કરાયું હતું જેનો હેતુ બંને સરકારો દ્વારા અર્થપૂર્ણ બદલાવ માટે પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરાય તેવો હતો. યુએન ફૂડ સિસ્ટમ પ્રી-સમિટ સંલગ્ન સત્ર ‘કન્ઝ્યૂમર વોઈસીસ ઓન ધ ફ્યુચર ઓફ ફૂડ’ દરમિયાન નિવેદન તથા અહેવાલને લોન્ચ કરાયો હતો.
સીઈઆરસી દ્વારા બિનઆરોગ્યપ્રદ આહાર અંગે ગ્રાહકોને ચેતવણી આપતા અને તેમને આરોગ્યપ્રદ આહાર તરફ વળવા પ્રોત્સાહિત કરતાં ફ્રન્ટ-ઓફ-પેક વોર્નિંગ સિમ્બોલ છાપવા અંગે મજબૂત કેસ રજૂ કરાયો હતો. ખોરાકમાં ચરબી, મીઠું, કે ખાંડ( ખોરાકમાં નિર્ધારિત મર્યાદા કરતાં એકાદ તત્વની પણ વધારે હાજરી હોય તો પણ ચેતવણીનું ચિહ્ન જરૂરી) વધારે છે તે દર્શાવતા ચેતવણી ચિહ્નોથી તરત જ ગ્રાહકોનું ધ્યાન ખેંચાશે અને નિરક્ષર લોકો પણ સરળતાથી તે સમજી શકશે. આ પ્રકારના ચિહ્નો ગ્રાહકોને વધુ મીઠું, ખાંડ કે ચરબી ધરાવતાં અને મેદસ્વિતા જેવા બીનચેપી રોગ માટે જવાબદાર છે તેવો આહાર લેવાથી દૂર રાખવામાં મદદરૂપ બનશે
સીઈઆરસીના એડવોકસી ઓફિસર સુશ્રી અનુષા ઐયરે પ્રી-સમિટ સત્રમાં જણાવ્યું હતું કે ભારતમાં ગ્રાહકોનો મોટો વર્ગ શહેરી અને ગ્રામીણ ગરીબોનો છે, જેમનામાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું નીચું છે. તેમની સુખાકારી, આરોગ્ય અને સુરક્ષા ભારતીય નીતિના આયોજનનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. ગ્રાહકોને તેમણે શું ખાવું જોઈએ તે માટે પ્રોત્સાહિત કરવાને બદલે તેમણે શું ના ખાવું જોઈએ તે વિશે સાવધ કરવા જોઈએ. ચેતવણીના ચિહ્નોથી નિરક્ષર લોકોને પણ સરળતાથી બિનઆરોગ્યપ્રદ આહાર અંગે સાવધ કરી શકાશે. કંપનીઓ અને જાહેરાતોમાં મુખ્યત્વે આરોગ્યપ્રદ આહારને બદલે જીવનશૈલી આધારિત આહારને પ્રોત્સાહન અપાય છે.
અગ્રણી ગ્રાહક સંગઠનો જેમ કે ભારતમાંથી સીટિઝન કન્ઝ્યૂમર એન્ડ સિવિક એક્શન ગ્રૂપ (સીએજી), કન્ઝ્યૂમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી (સીયુટીએસ), કન્ઝ્યૂમર વોઈસ તથા મુંબઈ ગ્રાહક પંચાયત(એમજીપી) ઉપરાંત કન્ઝ્યૂમર એસોસિયેશન ઓફ બાંગ્લાદેશે પ્રી-સમિટ બેઠકોમાં ભાગ લઈ પોતાના સૂચનો રજૂ કર્યાં હતાં. કન્ઝ્યૂમર ઈન્ટરનેશનલમાં વિશ્વના 100થી વધુ દેશોના 200થી વધુ ગ્રાહક જૂથો સભ્યપદ ધરાવે છે. નિવેદન અને વિસ્તૃત સૂચનોનો અહેવાલ છ ચાવીરૂપ ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં ગ્રાહક માહિતી, માર્કેટિંગ અને જાહેરાત, ફૂડ સ્ટાન્ડર્ડ, નાણાકીયન નીતિ, જાહેર અધિગ્રહણ અને વિતરણ તથા સપ્લાય ચેઈન ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ નીતિગત સૂચનોને સમિતમાં બંને દેશોની સરકારો દ્વારા દાખવેલી પ્રતિબદ્ધતામાં સમાવાય તે હેતુથી તેને દરેક દેશના એનએફએસએસ કન્વેનર્સને સુપરત કરવામાં આવશે તથા તેને આહાર પદ્ધતિમાં બદલાવ માટે ગ્રાહક સમર્થિત ઉકેલો તરીકે પ્રોત્સાહિત કરાશે. યુએન ફૂડ સિસ્ટમ સમિટ સપ્ટેમ્બર, 2021માં યોજાશે.
bharatmirror #bharatmirror21 #news
        
                                                                                               
								







