બેચરાજી પોલીસે એકસ બુલ લિ. કંપનીના આરોપીઓ દિક્ષીત કાંતિલાલ સુથાર, પ્રદીપ સાલુભાઇ ચૌધરી, કિર્તીભાઇ પારસંગભાઇ ચૌધરી વિરૂધ્ધ આ ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરને પાંચ મહિનાનો ગર્ભ હતો છતાં પોલીસે ફરિયાદ નહી નોંધતા મરનારના પિતા સહિતના પરિવારજનો છેલ્લા એક મહિનાથી ઉચ્ચ પોલીસ સત્તાધીશો વારંવાર રજૂઆત કરી ન્યાય માટે ગુહાર લગાવતા રહ્યા
આખરે રેન્જ આઇજી અભય ચુડાસમાના ધ્યાન પર આ હકીકત આવતાં તેમણે બેચરાજી પોલીસને ખખડાવી અને એફઆઇઆર નોંધવા સૂચના આપતાં આખરે બેચરાજી પોલીસે લગભગ સવા મહિના બાદ આ કેસમાં એફઆઇઆર નોંધી હવે તપાસ શરૂ કરી
મહેસાણા, તા.10
મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં મહ્ત્વપૂર્ણ ડેવલપમેન્ટ સામે આવ્યું છે. બેચરાજી પોલીસે એકસ બુલ લિ. કંપનીના આરોપીઓ દિક્ષીત કાંતિલાલ સુથાર, પ્રદીપ સાલુભાઇ ચૌધરી, કિર્તીભાઇ પારસંગભાઇ ચૌધરી વિરૂધ્ધ આ ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મરનાર પરિણિતાને પાંચ મહિનાનો ગર્ભ હતો છતાં પોલીસે ફરિયાદ નહી નોંધતા મરનારના પિતા સહિતના પરિવારજનો છેલ્લા એક મહિનાથી ઉચ્ચ પોલીસ સત્તાધીશો વારંવાર રજૂઆત કરી ન્યાય માટે ગુહાર લગાવતા હતા. આખરે રેન્જ આઇજી અભય ચુડાસમાના ધ્યાન પર આ હકીકત આવતાં તેમણે બેચરાજી પોલીસને ખખડાવી અને એફઆઇઆર નોંધવા સૂચના આપતાં આખરે બેચરાજી પોલીસે લગભગ સવા મહિના બાદ આ કેસમાં એફઆઇઆર નોંધી હવે તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના કેસમાં આખરે લગભગ સવા મહિના બાદ એફઆઇઆર નોંધાતા મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે ચકચાર મચી ગઇ છે.
મહેસાણા જિલ્લાના માનવ આશ્રમ ચોકડી પાસે ધરતી બંગલોઝ ખાતે રહેતા અને ખેતી-પશુપાલનનો વ્યવસાય કરતાં ખેડૂત હીરાભાઇ ફુલજીભાઇ ચૌધરીએ એક્સ બુલ લિ. કંપનીના આરોપીઓ વિરૂધ્ધ પોતાની પુત્રીની આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવતી એફઆઇઆર નંધાવી છે. ખેડૂત પિતા દ્વારા બેચરાજી પોલીસમથકમાં નોંધાવાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમને સંતાનોમાં એક દિકરો છે અને એક દિકરી જયોત્સનાબેન હતી. તેમની પુત્રી જયોત્સનાબેનના લગ્ન દોઢ વર્ષ અગાઉ સમાજના રિતરીવાજ મુજબ માણસા તાલુકાના ચૌધરી અનિલભાઇ સાથે કર્યા હતા. જયોત્સનાબેન પાંચ વર્ષ પહેલાં સને 2015માં શુભલક્ષ્મી કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાં નોકરી કરતા હતા. જેના ચેરમેન ચૌધરી પ્રદીપભાઇ સાલુભાઇ (રહે.ગોકળ ગઢ, તા.જોટાણા) અને ચૌધરી કિર્તીભાઇ પારસંગભાઇ (રહે.ખારા, તા.જોટાણા) હતા. દરમ્યાન શુભ લક્ષ્મી ક્રેડિટ સોસાયટી બંધ થઇ જતાં તેમની પુત્રી જયોત્સનાબેન મહેસાણા ગાંધી શોપીંગ સેન્ટરમાં સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાં મેનેજર તરીકે ફરજ બજાવી હતી અને તે વખતે તેના ચેરમેન ચૌધરી કિર્તીભાઇ પારસંગભાઇ હતા. લગ્ન બાદ તેમની પુત્રીએ સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાં જવાનું ઓછુ કરી દીધુ હતુ પરંતુ ચૌધરી કિર્તીભાઇ પારસંગભાઇના માર્ગદર્શન હેઠળ રોકાણકારો પાસેથી ક્રેડિટ સોસાયટીના પૈસા લેવાનું ચાલુ રાખ્યું હતું., જેનું રોકાણ સારા નફા માટે ખાનગી કંપનીમાં કરતા હતા, તે મારી જાણમાં ન હતુ.
દરમ્યાન ગત તા.1-7-2021ના રોજ મારી પુત્રી સાસરીમાંથી મહેસાણા મુકામે આવેલી ત્યારે મારો ભાણો વિનુભાઇ ચૌધરી અને તેની સાથે તેના ફોઇ વારીબહેન મારી પુત્રી જયોત્સનાબેન સાથે પૈસાની લેવડદેવડ સારૂ મળવા આયા હતા એ વખતે તેઓ, તેમની પત્ની અને તેમનો દિકરો હાજર હતા. જેથી મારી પુત્રીએ આવનાર લોકોને જણાવ્યું હતું કે, તમને તમારા રૂપિયા તા.5-7-2021 રોજ પરત મળી જશે. એ વખતે ફરિયાદી પિતાએ પોતાની પુત્રીને આ અંગે પૂછતાં તેણીએ જણાવ્યું હતું કે, સમર્પણ ક્રેડિટ સોસાયટીમાં આવેલ રોકાણકારોના પૈસા સારા નફા માટે પ્રાઇવેટ કંપની(એક્સ બુલ લિ.)માં કિર્તીભાઇ અને તેમના ફોઇના દિકરા ચૌધરી પ્રદીપભાઇ સાલુભાઇ કે જે કંપનીમાં માલિક છે, તેમાં રોકાણ કરે છે. જેઓને જયોત્સનાબેન રૂબરૂમાં જઇ પૈસા આપતા હતા અને છેલ્લા છ-સાત મહિનાથી તેનું વળતર નહી મળતાં તેણીએ સતત ઉઘરાણી કરતાં પ્રદીપ ચૌધરી અને કિર્તીભાઇએ પાંચ તારીખનો વાયદો કર્યો હતો પણ પૈસા આપ્યા ન હતા. જયોત્સનાબેને તેમના પિતાને જણાવ્યું હતું કે, પ્રદીપભાઇ, કિર્તીભાઇ સાથે દિક્ષીતભાઇ મિસ્ત્રી(સુથાર) પણ ભાગીદાર છે. જયોત્સનાબેનની સતત ઉઘરાણીના કારણે પ્રદીપભાઇએ દિક્ષીતભાઇની સહીવાળા ચેક પણ આપ્યો છે, જે રિટર્ન થયેલા છે.
દરમ્યાન ગત તા.9-7-2021ના રોજ જયોત્સનાબેન તેનું પ્લેઝર લઇ મહેસાણા આવવા નીકળી હતી અને તેણીએ મને તેના મોબાઇલ ફોન પરથી જણાવેલ કે, પપ્પા, હું મહેસાણા પહોંચી ગઇ છુ અને પ્રદીપભાઇએ જે મને પાંચ તારીખનો વાયદો કર્યો હતો, તે દિવસે પૈસા આપ્યા નથી. અને મને કહ્યું કે, તારાથી થાય એ કરી લે..તને પૈસા નહી મળે, જેથી હું પ્રદીપભાઇને મળીને મહેસાણા આપણા ઘેર જઇશ કેમ કે, વિનુભાઇ અને તેમના ફોઇ ઉઘરાણી માટે આવીને બેઠા છે તેમ કહેતાં ફરિયાદી પિતાએ પોતાની પુત્રી જયોત્સનાબેનને સાંત્વના પાઠવતાં જણાવ્યું કે, સારૂ બેટા, તું ચિંતા ના કર.બધુ સારૂ થઇ જશે. પરંતુ એ પછી આશરે 12 વાગ્યાના સુમારે મારા દિકરા ચેતનભાઇની પત્ની દિશાએ તેના મોબાઇલ ફોનથી મારા મોબાઇલ પર મને જાણ કરી હતી કે, જયોત્સનાબેને તમારા ભાણા વિનુભાઇ વિહાભાઇના ફોન પર મેસેજ કર્યો છે કે, મારી પાસે પૈસાનું સેટીંગ નહી થયુ ભાઇ અને હું બહુ જ દુઃખી છું. હું બાન્ટાઇ કેનાલમાં પડુ છુ. મને કંઇ રસ્તો નહી મળતાં હું તમારા પૈસા ટાઇમથી ના આપી શકી. બીજા દિવસે સવારે તેમની પુત્રી જયોત્સનાબહેનની લાશ કેનાલમાં તરતી જોવા મળી હતી. પોલીસે ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાવતાં તેમની પુત્રી જયોત્સનાબેનને પાંચ મહિનાનો ગર્ભ હોવાની હકીકત સામે આવી હતી.
ખેડૂત પિતાએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું કે, એક્સ બુલ લિ.ના આરોપીઓ પ્રદીપ ચૌધરી, કિર્તીભાઇ પારસંગભાઇ અને દિક્ષીત કાંતિલાલ સુથારના પાપે મારી દિકરીને મરવાનો વારો આવ્યો છે. આ આરોપીઓએ તેમની પુત્રીના રોકાણ કરેલા પૈસા પેટેનું વળતર અને મળવાપાત્ર રૂપિયા પરત નહી કરી પારાવાર માનસિક ત્રાસ આપતાં તેમની પુત્રીને આત્મહત્યા કરવા માટે મજબૂર બનવુ પડયુ. ખેડૂત પિતાની આ ફરિયાદના આધારે હવે બેચરાજી પોલીસે ચકચારભર્યા એવા આ કેસમાં તપાસનો દોર આગળ ધપાવ્યો છે.
જો કે, ચકચારભર્યા આ કેસમાં નોંધનીય વાત એ છે કે, બેચરાજી પોલીસે લગભગ સવા મહિના બાદ ફરિયાદ નોંધી છે. મરનાર પરિણિતાને પાંચ મહિનાનો ગર્ભ હતો છતાં પોલીસે ફરિયાદ નહી નોંધતા રેન્જ આઇજી અભય ચુડાસમાએ બેચરાજી પોલીસને ખખડાવી હતી અને એફઆઇઆર નોંધવા સૂચના આપતાં આખરે બેચરાજી પોલીસે લગભગ સવા મહિના બાદ આ કેસમાં એફઆઇઆર નોંધવાની ફરજ પડી છે. મહેસાણા જિલ્લાની ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં મહ્ત્વપૂર્ણ ડેવલપમેન્ટને લઇ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
bharatmirror #bharatmirror21 #news
