હાઇકોર્ટ ખુલતાં પ્રથમ દિવસે વકીલો ભારે ઉત્સાહ સાથે કોર્ટ પ્રાંગણમાં જોવા મળ્યા – વકીલો, કોર્ટ કર્મચારીઓ અને સ્ટાફના લોકોએ એકબીજાના ખબર-અંતર પૂછયા
હાઇકોર્ટ જજીસે પણ વકીલ-પક્ષકારોની ચિંતા વ્યકત કરી કોરોના મહામારીને લઇ સાવધાન અને સાવચેત રહેવા અનુરોધ કર્યો – હાઇકોર્ટમાં પહેલા દિવસે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો
અમદાવાદ,તા.17
કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ રહેલી ગુજરાત હાઇકોર્ટ આજે વિધિવત્ રીતે અને રાબેતા મુજબ શરૂ થઇ હતી. ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌપ્રથમવાર આટલા લાંબા સમય સુધી હાઇકોર્ટ બંધ રહી હતી. જે આખરે દોઢ વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટમાં આજથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થતાં વકીલો-પક્ષકારો સહિત કોર્ટ કર્મચારીઓ અને સ્ટાફમાં ભારે ખુશી અને રાહતની લાગણી પ્રસરેલી જોવા મળી હતી. હાઇકોર્ટ આજથી ખુલતાં પ્રથમ દિવસે વકીલો ભારે ઉત્સાહ સાથે કોર્ટ પ્રાંગણમાં જોવા મળ્યા હતા. વકીલો, કોર્ટ કર્મચારીઓ અને સ્ટાફના લોકોએ એકબીજાના ખબર-અંતર પૂછી કોરોના મહામારીના દિવસોમાં વીતેલી વાતો જાણી-પૂછી એકબીજાને હૈયાધારણ અને સાંત્વના પણ પાઠવી હતી. હાઇકોર્ટ જજીસે પણ કોરોના મહામારીમાં વકીલો-પક્ષકારો પરત્વે સંવેદના દાખવી તેમની ચિંતા વ્યકત કરતી પૃચ્છા કરી હતી અને કોરોના મહામારીને લઇ સાવધાન અને સાવચેત રહેવા તેમ જ કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો.
કોરોના મહામારીના કારણે ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયભરની નીચલી કોર્ટો પણ બંધ હતી પરંતુ થોડા સમય પહેલાં જ કોરોના મહામારીની અસર ઘટતાં હાઇકોર્ટ દ્વારા અમદાવાદ સહિત રાજયની નીચલી કોર્ટો કોવીડ ગાઇડલાઇન્સના પાલન સાથે ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એ પછી રાજયભરમાં કોરોનાનું સંક્રમણ નોંધપાત્ર રીતે ઘટી જતાં અને કોરોનાના કેસો માત્ર નામના જ સામે આવતાં પરિસ્થિતિ કાબૂમાં આવ્યાનું જણાંતાં હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો અને તા17મી ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટ પુનઃ રાબેતા મુજબ, શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ, આજથી ગુજરાત હાઇકોર્ટ વિધિવત્ રીતે રાબેતા મુજબ પુનઃ ધમધમતી થઇ હતી.
હાઇકોર્ટ આજથી ખુલે તે પહેલાં તા.14થી તા.17 ઓગસ્ટ દરમ્યાન રજા જાહેર કરાઇ હતી અને તે દિવસો દરમ્યાન સમગ્ર હાઇકોર્ટ અને તેના વિવિધ સ્થળો લોબી, જજીસ ચેમ્બર, કોર્ટ કેમ્પસ સહિતની જગ્યાઓ સંપૂર્ણપણે સેનીટાઇઝ કરી સ્વચ્છ અને સાફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજથી કોવીડ ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન વચ્ચે ગુજરાત હાઇકોર્ટનું કામકાજ પ્રત્યક્ષ રીતે શરૂ કરવામાં આવ્યું હતું.
વહેલી સવારથી જ વકીલો-પક્ષકારો હાઇકોર્ટમાં માસ્ક, સેનીટાઇઝેશન સાથે એન્ટ્રી લેતાં જોવા મળ્યા હતા. વકીલોમાં એક પ્રકારે ભારે ઉત્સાહ જોવા મળતો હતો. ખાસ કરીને છેલ્લા એક વર્ષથી ઓનલાઇન હીયરીંગ કર્યા બાદ આજથી પ્રત્યક્ષ સુનાવણીને લઇ ફરી એકવાર પહેલાંની જેમ જજીસની સમક્ષ કોર્ટ રૂમમાં વકીલો-પક્ષકારોની હાજરીમાં દલીલ કરવાની વકીલાતની પ્રેકટીસ જ તેમની આગવી ઓળખ હોય છે ત્યારે પ્રત્યક્ષ સુનાવણીને લઇ વકીલો ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની ભયંકર પરિસ્થિતિ જયારે ગુજરાતમાં વકરી ત્યારે ગત વર્ષે તા.23માર્ચ,2020થી ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયભરની નીચલી કોર્ટો બંધ કરી દેવાઇ હતી. એ પછી એપ્રિલ-2020થી હાઇકોર્ટમાં અરજન્ટ મેટરોનું ઓનલાઇન હીયરીંગ શરૂ કરાયું હતું., જેથી વકીલો ઓનલાઇન જ મેટરો ચલાવતા હતા અને જજીસ પણ ઓનલાઇન હીયરીંગ કરી મેટરો સાંભળતા હતા અને નોટિસ જારી કરી વચગાળાનો કે, ફાઇનલ ઓર્ડર પાસ કરતા હતા. એ પછી જૂન-જૂલાઇ,2020થી રેગ્યુલર મેટરોનું હીયરીંગ પણ ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે ઓનલાઇન મેટરો રેગ્યુલર ધોરણે ચાલવાનું શરૂ થયુ હતું. એ પછી અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં કોરોના સંક્રમણ નોંધપાત્ર રીતે ઘટતાં અને કોરોના કેસો નહીવત્ થતાં આખરે આજે તા.17 ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટ ખોલવાનો નિર્ણય લેવાયો હતો., જેના અનુસંધાનમાં આજથી હાઇકોર્ટ વિધિવત્ રીતે પુનઃ રાબેતા મુજબ ધમધમતી થઇ હતી. જજીસ, વકીલો, પક્ષકારો, કોર્ટ કર્મચારીઓ, સ્ટાફના કારણે હાઇકોર્ટ કોર્ટ રૂમ, વિવિધ ડિપાર્ટમેન્ટ, જીપી ઓફિસ, સરકારી વકીલની કચેરીઓ વગેરે ફરી એકવાર રાબેતા મુજબ ધમધમતા જોવા મળ્યા હતા.
હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી
દરમ્યાન હાઇકોર્ટ ખુલ્યાના આજના પ્રથમ દિવસનો અનુભવ જણાવતાં હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે દોઢ વર્ષ બાદ આખરે આજથી હાઇકોર્ટ વિધિવત્ રીતે શરૂ થઇ છે અને આજથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થતાં જજીસ, વકીલો, પક્ષકારો, કોર્ટ કર્મચારીઓ સહિત સૌકોઇમાં એક પ્રકારના ઉત્સાહ અને રાહતની લાગણી જોવા મળી હતી. આટલા લાંબા સમય બાદ હાઇકોર્ટમાં પગ મૂકવાને લઇને પણ એક અલગ પ્રકારની લાગણીનો અનુભવ થઇ રહ્યો છે. દોઢ વર્ષ બાદ કોર્ટ પ્રાંગણમાં, લોબીમાં વકીલો-પક્ષકારો એકબીજાના ખબર-અંતર પૂછી કોરાના કાળના દિવસોની પૃચ્છા કરતાં નજરે પડતા હતા. ઓવરઓલ આજનો પહેલો દિવસ વકીલો-પક્ષકારો સહિત સૌકોઇ ઉત્સાહિત વાતાવરણમાં જોવા મળ્યા હતા. અલબત્ત, હાઇકોર્ટ ખુલી પરંતુ માસ્ક, સેનીટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની કોવીડ ગાઇડલાઇન્સના ચુસ્ત પાલનની પણ સાવધાની રાખવી એટલી જ અનિવાર્ય અને ફરજિયાતા રાખવામાં આવી છે, કે જેથી કોરોના સંક્રમણ ફરી માથુ ઉંચકે નહી..સમગ્ર હાઇકોર્ટ અને કેમ્પસમાં તમામ સ્થળો, જગ્યાઓ ફુલપ્રુફ રીતે સુંદર રીતે સેનીટાઇઝ કરાયા છે, તે બહુ સારી વાત કહી શકાય.
#bharatmirror #bharatmirror21 #news