જો કે, પ્લાન સફળ થાય તે પહેલાં જ પોલીસના હાથે ચીટર આયા પકડાઇ ગઇ – સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન આંખ ઉઘાડનારો ચાંદખેડાનો કિસ્સો
પશ્ચિમ બંગાળના પોલીસ ઓફિસરે એક ફોન મારફતે માનવ તસ્કરી ગેંગ મારફતે આયાના બાળકીના વેચી મારવાના પ્લાનને ચોપટ કર્યો
ચાંદખેડા પોલીસ દ્વારા આયા બિંદુની ધરપકડ – પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવવાની શકયતા
અમદાવાદ,તા.5
આજના મોંઘવારી અને ભાગદોડભર્યા જીવનમાં સ્પર્ધા અને હાઇપ્રોફાઇલ લાઇફ સ્ટાઇલની લ્હાયમાં પતિ-પત્ની બંને જણા કમાતા હોય છે અને તેમની પાસે પોતે જન્મ આપેલા સંતાનોને સાચવવાની નવરાશ સુધ્ધાં નથી હોતી અને તેથી પારકી આયાઓ કે કામવાળાઓના સહારે સંતાનો મૂકીને નોકરી કરતા હોય છે ત્યારે અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવી જ એક આયાએ જે ઘરમાં 11 મહિનાની બાળકીને સાચવવા રહી હતી, તે બાળકીને જ વેચી મારવાનો ખતરનાક પ્લાન બનાવ્યો હતો પરંતુ આયા પોતાના પ્લાનમાં સફળ થાય તે પહેલાં દંપત્તિના સારા નસીબજોગે તે પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી. સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન અને આંખ ઉઘાડનારા આ કિસ્સાએ શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે. ખાસ કરીને પોતાના વ્હાલસોયા સંતાનોને બીજાના ભરોસે છોડીને નોકરી કરતાં માતા-પિતાઓને એક સારી શીખ પણ આ કિસ્સાથી મળી છે. શહેરમાં હરીફાઈ અને હાઈ પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ વચ્ચે દંપતીઓ નોકરી કરતા હોય છે અને તેમના છોકરાઓની સંભાળ રાખવા માટે આયાઓ રાખતા હોય છે. પરંતુ આયા રાખનાર લોકો માટે એક ચેતવણી ભર્યો કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે. હાલ તો, ચાંદખેડા પોલીસે બિંદુ નામની આયાને ઝડપી લઇને બાળકીને બચાવી હતી અને આરોપી આયા સાથે કેટલા લોકો આ ગુનામાં સામેલ છે તે સહિતની પોલીસે સઘન પુછપરછ શરૂ કરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા ચાંદખેડામાં રહેતા રમેશભાઈ અને તેમની પત્ની રેખા (ઓળખ છુપાવવા માટે બંન્નેનું નામ બદલેલ છે)વર્કિંગ કપલ છે. તેમની એક દિકરી છે જે 11 મહિનાની છે. આ પરીવારમાં પતિ પત્ની અને એક બાળકી છે. જો કે રમેશભાઈ એક આઈટી કંપનીમાં તથા પત્ની રેખા પણ આઈટી પ્રોફેશનલ તરીકે કામ કરી રહ્યા છે. જેથી 11 મહિનાની દિકરી સાથે પૂરતો સમય આપી શકતા ન હતા અને ધ્યાન આપી શકતાં નહી હોવાથી દિકરીને ઉછેર કરવા માટે તકલીફ પડતી હતી અને પતિ પત્ની વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો. બાદમાં એક દિવસ રમેશભાઈ અને રેખાએ તેની દિકરીને સાચવવા માટે ઓનલાઈન આયા માટે સર્ચ કરતા હતા. જો કે એક એજન્સી દ્વારા આયાનું કામ કરતી એક બિંદુ નામની આયાનો સંપર્ક કરાયો હતો. બાદમાં રમેશભાઈ અને રેખાએ આ બિંદુને બાળકીની સંભાળ રાખવા માટેના દર મહિને રૂ.18 હજાર રૂપિયાના પગાર પર રાખી લીધી હતી. બિંદુ 11 મહિનાની દિકરીને સારી રીતે દેખરેખ કરતી હતી. જેથી દંપતી પોત પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. જો કે બિંદુના મનમાં શું ચાલતું હતું તેની ના તો રમેશભાઈને જાણ હતી કે, ના તો રેખાને જાણ હતી.
એક દિવસ રમેશભાઈ તેમની નોકરી પર હાજર હતા ત્યારે એક ફોન આવ્યો હતો અને જાણાવ્યું હતું કે, હું પશ્ચિમ બંગાળથી એક પોલીસ ઓફિસર બોલુ છુ તમે બાળકને સાચવવા માટે આયા રાખી છે તેનું નામ બિંદુ છે? જેથી રમેશભાઇએ હા પાડી ત્યારે ઓફીસરે સમગ્ર દેશમાં હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલી ગેંગ પાસે તમારી દીકરીનો ફોટો ફરી રહ્યો છે. બિંદુ તમારી દિકરીને વેચવા માંગે છે તેવી પોલીસ અધિકારીએ રમેશભાઇને જાણ કરી હતી. જેથી ગભરાઈ ગયેલ રમેશભાઈ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને બિંદુની પુછપરછ કરી હતી. જો કે બિંદુ કઈ જવાબ આપવા તૈયાર થઈ ન હતી અને ઘરમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે, મોડે મોડે જાગેલા આ દંપત્તિએ પોલીસને જાણ કરતાં ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને બિંદુને ઝડપી પાડી હતી. પોલીસ હવે આરોપી આયા બિંદુની કડકાઇથી પૂછપરછ કરી રહી છે, જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવવાની શકયતા છે. દરમ્યાન ડીસીપી ઝોન-2શ્રી વિજય પટેલે પણ આ બનાવની ગંભીરતા ધ્યાને લઇ પોલીસને કડક કાર્યવાહી સૂચના આપી હતી અને સમગ્ર મામલે જાત માહિતી મેળવી તપાસ કરી હતી. ડીસીપી ઝોન-2શ્રી વિજય પટેલે જણાવ્યું કે, આ પ્રકારે બાળકો કે વૃધ્ધોની સારસંભાળ માટે આયા કે કામવાળા રાખતી વખતે નાગરિકોએ તેની ઓળખના પુરાવા સહિતની બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ અને પોલીસમાં ખાસ કરીને તાત્કાલિક પહેલેથી જ આ બધી જાણકારી જમા કરાવવી જોઇએ કે જયારે આવી કોઇ ઘટના કે બનાવ બને તો પોલીસ આવા ગુનેગાર તત્વોને ઝબ્બે કરી શકે.