જાણીતા ભજનીક નયનભાઇ પંચોલીએ ભોળા શંકર અને બાળગોપાલના ભજનો ગાઇ વાતાવરણ ભકિતમય બનાવ્યું
ભજન સંધ્યા અને ભકિત સંગીતના કાર્યક્રમમાં બહેનો-મહિલાઓ ભકિતના તાલે ઝુમી – કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન થાય તેનું વિશેષ ધ્યાન રખાયુ
શ્રી કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ જીગીશાબહેન પટેલ, શ્રી કડવા પાટીદાર પરિવારના વડીલો ભીખુભાઇ પટેલ, નટવરભાઇ અઁબાલાલ પટેલ, વિજયભાઇ પટેલ, ઇલાબહેન પટેલ સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.9
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં અંકુર ખાતે આવેલા સુપ્રસિધ્ધ કામેશ્વર મહાદેવ ખાતે આજે શ્રાવણ માસના પ્રારંભે અને પ્રથમ સોમવારે શ્રી કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા વિશેષ પ્રકારે ભજન સંધ્યા અને ભકિત સંગીતના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીની અસર ઘટતાં લોકો ખાસ કરીને મહિલાઓ અને બહેનો માનસિક તાણ અને ડરની અનુભૂતિમાંથી બહાર આવે તેવા ઉમદા આશયથી આ ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ-બહેનો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લઇ ભકિતરસમાં તરબોળ બની હતી.
આ પ્રસંગે જાણીતા ભજનીક નયનભાઇ પંચોલીએ ભોળા શંકર અને બાળગોપાલના ભજનો ગાઇ વાતાવરણ ભકિતમય બનાવ્યું હતું. તો, ભજન સંધ્યા અને ભકિત સંગીતના કાર્યક્રમમાં બહેનો-મહિલાઓ ભકિતના તાલે ઝુમી ભકિતરસની જમાવટ કરી હતી. અલબત્ત, આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કોવીડ ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન થાય તેનું વિશેષ ધ્યાન રખાયુ હતું. આજના ભજન સંધ્યા કાર્યક્રમ અંગે શ્રી કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ જીગીશાબહેન પટેલ અને ઉપપ્રમુખ કલ્પનાબહેન મેઘમણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીની અસર ઘટતાં શ્રાવણ મહિનાના પ્રારંભે અને પ્રથમ સોમવારે વિશેષરૂપે બહેનો-મહિલાઓ માટે ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના કારણે લોકો ભારે માનસિક તાણ અને કોરોનાના એક પ્રકારના ડરમાં ગરકાવ થઇ ગયા હતા, જેની સીધી અસર સમાજજીવન પર પડી હોઇ લોકોને ખાસ કરીને બહેનો-મહિલાઓને આ માનસિક તાણ અને ડરની પરિસ્થિમાંથી બહાર લાવવા ભજનના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને નાથવા મહિલા-બહેનોએ આજે ભકિતનું શરણું લીધુ છે કારણ કે, ઇશ્વરીય શકિત જે સુરક્ષા અર્પે છે તે બીજું કોઇ આપી શકતુ નથી.
શ્રી કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ જીગીશાબહેન પટેલ અને ઉપપ્રમુખ કલ્પનાબહેન મેઘમણીએ વધુમાં ઉમેર્યું કે, કામેશ્વર મહાદેવ મંદિરના હોલમાં આજે યોજાયેલ ભજન સંધ્યા અને ભકિત સંગીતના કાર્યક્રમમાં બહેનો-મહિલાઓએ ખૂબ મોટી સંખ્યામાં અને ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને ભકિતરસમાં તરબોળ બની હતી. અલબત્ત, કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલનું સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જાણીતા ભજનીક નયનભાઇ પંચોલીએ દેવાધિદેવ મહાદેવ, બાળગોપાલ અને શ્રીકૃષ્ણ ભગવાનના ભજનો ગાઇ ભકિતરસની જમાવટ કરી હતી.
તેમણે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ અંગે જણાવતાં ઉમેર્યું કે, છેલ્લા 40 વર્ષોથી શ્રી કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ-બહેનોના ઉત્કર્ષ અને વિકાસ માટે તેમ જ બહેનો આત્મનિર્ભર બને તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે. શિક્ષણ હોય, રોજગાર હોય કે સામાજિક જીવન દરેક ક્ષેત્રમાં બહેનો-મહિલાઓને આગળ લાવવા અને તેઓને આત્મવિશ્વાસ સાથે અગ્રેસર કરવા સંસ્થા દ્વારા હરહંમેશ રચનાત્મક કાર્યો થઇ રહ્યા છે. મહિલાઓ-બહેનોના વિકાસ માટે નારણપુરા ગામમાં સંસ્થાના અલગ મકાનનું નિર્માણ થઇ રહ્યું છે. સંસ્થા મહિલા-બહેનોની કોઇપણ પ્રકારની સમસ્યાનું નિવારણ કરવામાં પણ બહુ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આજના ભકિત સંગીતના કાર્યક્રમમાં શ્રી કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ જીગીશાબહેન પટેલ, શ્રી કડવા પાટીદાર પરિવારના વડીલો ભીખુભાઇ પટેલ, નટવરભાઇ અઁબાલાલ પટેલ, વિજયભાઇ પટેલ, ઇલાબહેન પટેલ સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.