એકાઉન્ટર રાઇટર હેડ ઉમેશ ભાટીયાએ આજે વહેલી સવારે પોલીસમથકમાં આવીને ચાલુ ફરજ દરમ્યાન એકાઉન્ટ ઓફિસમાં પોતાની ખુરશી ઉપર બેસીને લમણાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી – લોહીલુહાણ હાલતમાં ઉમેશને જોઇ અન્ય પોલીસ કર્મચારીઓ આઘાતમાં ગરકાવ
નોકરીમાં કોઇનાથી કંટાળીને કે પારિવારિક સમસ્યાના કારણે આત્મહત્યા કરી તેને લઇ અનેક તર્ક-વિતર્ક – પોલીસની તપાસ તેજ
અમદાવાદ,તા.15
અમદાવાદ શહેરના પાલડી પોલીસ મથકમાં આજે સવારે એક પોલીસ કર્મચારીએ રહસ્યમય સંજોગોમાં રિવોલ્વરથી પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, આ ઘટનાને પગલે શહેર પોલીસ બેડામાં પણ ભારે ચર્ચા સાથે શોકન લાગણી પ્રસરી ગઇ હતી. પાલડી પોલીસમથકમાં એકાઉન્ટ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતાં ઉમેશ ભાટીયા નામના પોલીસ કર્મચારીએ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લેતા પોલીસતંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. લોહીલુહાણ હાલતમાં ઉમેશને જોઇ અન્ય પાલડી પોલીસ મથકના અન્ય પોલીસ કર્મચારીઓ આઘાતમાં ગરકાવ બન્યા હતા. પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ શરૂ કરી છે. જો કે, આ બનાવને લઇ કેટલાક ગંભીર સવાલો પણ ઉઠયા છે. ખાસ કરીને ઉમેશ ભાટિયાએ નોકરીમાં કોઇનાથી કંટાળીને કે પારિવારિક સમસ્યાના કારણે આત્મહત્યા કરી તેને લઇ અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે, જેને લઇને પણ પોલીસે હવે તપાસ તેજ કરી છે.
મૃતક ઉમેશ ભાટીયા પાલડી પોલીસમથકમાં રાઈટર હેડ એકાઉન્ટ વિભાગમાઁ ફરજ બજાવતા હતા. આજે વહેલી સવારે તેઓ પોતાની ફરજ પર આવી ગયા હતા અને એકાઉન્ટ ઓફિસને અંદરથી બંધ કરીને પોતાની ખુરશી ઉપર બેસીને રિવોલ્વર વડે લમણાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. થોડીવાર બાદ નોકરીએ હાજર થનાર તેમના સહકર્મીઓએ આવીને જોયુ તો ઉમેશ ભાટિયા લોહીલુહાણ હાલતમાં ઓફિસમાં પડ્યા હતા. તાત્કાલિક તેમને અન્ય કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. લગભગ બાર વર્ષ પહેલાં એટલે કે, સને 2009 ના વર્ષમાં ઉમેશ ભાટીયાની પોલીસમાં ભરતી થઈ હતી. ઉમેશ ભાટિયા પાલડી પોલીસ મથકમાં છેલ્લા પાંચ વર્ષથી એકાઉન્ટ રાઈટર તરીકે ફરજ બજાવતા હતા. ઉમેશ ભાટીયાના આપઘાત કરવા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. એફ.એસ.એલ ટીમ પોલીસ સ્ટશને પહોંચી ગઇ હતી.
ઉલ્લેખનય છે કે, ઉમેશભાઈ એકાઉન્ટ રાઈટર હેડ હોવાથી તેમની પાસે પોલીસ સ્ટેશનના હથિયારો અને દારૂગોળો જમા રહેતો હોય છે. પરંતુ આ આત્મહત્યાને લઇને કેટલાક સવાલો અને તર્ક-વિતર્કો પણ ઉઠી રહ્યા છે. જેમ કે, ઉમેશભાઇની પાસે રિવોલ્વર આવી કયાંથી…, શું તેમને આત્મહત્યા કરવી પડે એ માટે કયુ પરિબળ જવાબદાર હતું…, ઉમેશભાઈએ નોકરીમાં કોઈનાથી કંટાળીને આપઘાત કરી લીધો છે કે પછી પારિવારિક કારણને લીધે આપઘાત કરી લીધો સહિતના સવાલો હાલ તો પોલીસતંત્રમાં ચર્ચાઇ રહ્યા છે. આ સવાલોને લઇને પણ પોલીસે તપાસ તેજ બનાવી છે. પોલીસે પ્રાથમિક તબક્કે તો, ઉમેશ ભાટિયાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જો કે, આ બનાવને લઇ શહેર પોલીસ બેડામાં ભારે ચર્ચા સાથે શોકની લાગણી પ્રસરી ગઇ છે તો, ખાસ કરીને પાલડી પોલીસ મથકમાં તો, ઘેરા આઘાતની લાગણી જોવા મળી રહી છે.