ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયો નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સનો એક દિવસીય વર્કશોપ
ચીફ ઓફિસરોની ફરિયાદો કે બદલી માટે નહિ પરંતુ બદલી અટકાવવા માટે સરકારમાં રજૂઆત આવે તેવી નિષ્ઠાથી લોકહિત કામો કરો
ચૂંટાયેલી પાંખના નવયુવાઓ યંગ બ્લડ અને ચીફ ઓફિસરોની યુવા કેડર બેય આગવા વિકાસ વિઝનથી નગરવિકાસ કામો સૂમેળભર્યા સંબંધોથી કરે – લોકોની અપેક્ષા-આકાંક્ષા પરિપૂર્ણ કરે
નગરપાલિકા-નગર વિકાસના કામોનો મુખ્ય આધાર નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ છે :-મુખ્યમંત્રીશ્રી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.6
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સને નગરપાલિકાઓનો આધાર ગણાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, ગુડ ગર્વનન્સના મોડેલ તરીકે દેશમાં પ્રસ્થાપિત થયેલા ગુજરાતની આ શાખ-નામના જળવાઇ રહે અને ગુજરાત અન્ય રાજ્યોની તૂલનાએ શહેરી વિકાસ કામોમાં હંમેશા અગ્રીમ રહે તેવું દાયિત્વ તેમણે નિભાવવાનું છે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ સવિભાગે રાજ્યભરની નગરપાલિકાઓના ચીફ ઓફિસર મુખ્ય અધિકારીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં આયોજિત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી આ વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે મુખ્ય અધિકારીઓને આહવાન કર્યુ કે, સુશાસન મોડેલ અને શહેરી વિકાસની ગુજરાતની આગવી પ્રણાલિ પ્રત્યે સૌ નજર માંડીને બેઠા છે.
એટલું જ નહિ, ખાસ કરીને નગરોમાં રોજી-રોટી માટે અન્ય રાજ્યોના લોકો આવીને વસતા હોય છે તે પણ જે-તે નગરની સુખ-સુવિધા, વિકાસના કામોની ગતિ-વ્યાપ જોઇને શહેરો-નગરોના વિકાસ વિશેનું પરસેપ્શન બનાવતા, આકલન કરતા હોય છે. આવા સંજોગોમાં નગરપાલિકાના મુખ્ય અધિકારીઓએ શહેરી-નગર વિકાસની ઊડીને આંખે વળગે તેવી કામગીરી કરવી એ હવેના સમયની માંગ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, હવે કુલ વસ્તીના લગભગ પ૦ ટકા વસ્તી નગરો-શહેરોમાં વસે છે ત્યારે અર્બન અને ગ્રામીણ વિસ્તારોનો સમ્યક, સર્વાંગી સમતોલ અને સસ્ટેઇનેબલ વિકાસ થાય તે આપણા સૌની જવાબદારી બને છે.
મુખ્યમંત્રીશ્રીએ જ્યાં માનવી ત્યાં સુવિધા, લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ, વિવાદ નહિં સંવાદ એ ત્રણ ધ્યેયમંત્ર સાથે લોકહિત અને નગર સુખાકારી કામો કરવાની ચીફ ઓફિસરોને પ્રેરણા આપી હતી.
તેમણે ઉમેર્યુ કે રસ્તા, ગટર, લાઇટ, પાણી જેવી પાયાની સુદ્રઢ સુવિધા નગરોમાં હોય સાથોસાથ રાજ્યના શહેરોના સર્વગ્રાહી વિકાસને ટોપ પ્રાયોરિટી આપીને સિટીઝન સેન્ટ્રીક સેવાઓ ઓનલાઇન બને, શહેરો સ્માર્ટ અને આધુનિક બને તેમજ લોકોને પોતાના કામો માટે નગરપાલિકાએ આવ્યા વિના ઘરેબેઠા જ ઓનલાઇન સેવાઓ મળે તેવી સુવિધાઓ વિકસાવવાની આવશ્યકતા અને સમયની માંગ છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું કે થ્રી ટાયર સિસ્ટમમાં આપણી લોકશાહિમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા જેવી સંસ્થાઓની અલગ સ્વાયતતા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોની અપેક્ષા-આશા પૂરા કરીને લોકશાહિને વધુ મજબૂત બનાવવાની છે અને ચીફ ઓફિસરોએ પણ વ્યાપક જનહિતલક્ષી કામોથી સહયોગ આપવાનો છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, તમારા શહેરનો આગવો વિકાસ જનરલ બોર્ડની બેઠકમાં જ નિર્ણયો કરીને કરી શકાય તેવી સ્વાયતતા છે ત્યારે તાજેતરની ચૂંટાયેલી પાંખના યુવાઓ યંગ બ્લડ અને ચીફ ઓફિસરોની પણ યુવા ટિમ નવું લોહિ આવા આગવા વિકાસ વિઝનથી કાર્યરત બને. તેમણે ઉમેર્યુ કે, ફરિયાદોને અવકાશ ન રહે તેમજ લોકોના વ્યાપક હિતના જનસુખાકારીના વિકાસ કામો પ્રો-એક્ટિવલી થાય તેવું વર્કકલ્ચર આપણે નગરોમાં વિકસાવવું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનની નેમ દર્શાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, લોકોની પાઇ-પાઇનો સદુપયોગ થાય તે જરૂરી છે નગરના જનહિત કામોની સાઇટ વિઝીટ ચીફ ઓફિસરો કરે અને કામોની ગુણવત્તા ચકાસે, તેમણે ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ સાથે સૂમેળભર્યા અને યોગ્ય વર્તણુંકના સંબંધો જળવાઇ રહે તેની પણ છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ચીફ ઓફિસરોને સ્પષ્ટ તાકીદ કરી કે કોઇ પદાધિકારીના દાબ દબાવમાં આવ્યા વિના તેઓ વિકાસ કામોમાં કાર્યરત રહે અને ખોટું કરાવનારાઓ સામે સરકારમાં રજૂઆત કરશે તો સરકાર તેમની પડખે છે. પરંતુ તમારી ફરિયાદો ન આવે, તમારી બદલી કરાવવાની માંગ નહિં પણ બદલી અટકાવવાની માંગ સરકારમાં આવે તેવા લોકહિત કામો કરે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, મુખ્ય અધિકારીઓની કામગીરીના આધારે તેમની જે-તે વર્ગની નગરપાલિકામાં બઢતી માટે પણ શહેરી વિકાસ વિભાગ વિચારાધીન છે.
તેમણે રાજ્યના નગરોમાં ટેક્ષ કલેકશન, ર૦રર પહેલાં હર ઘર જલ અન્વયે ઘરોમાં નળ કનેકશન, એસ.ટી.પી., ગટર જોડાણ, રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ આગવી ઓળખના કામો, ફાયર બ્રિગેડ સિસ્ટમ, રેલ્વે ઓવરબ્રીજ રેલ્વે અંડરબ્રીજ વગેરે શહેર સુખાકારી કામોમાં પ્ણ આયોજનબદ્ધ રીતે આગળ વધી ગતિ લાવવા સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વધુને વધુ નગરપાલિકાઓ સોલાર એનર્જી તરફ પ્રેરિત થાય અને સેલ્ફ સફિસીયન્ટ બને તે દિશામાં પણ ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડ કોઇ કાર્યયોજના ઘડે તેવું સૂચન કર્યુ હતું.
શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પૂરીએ શહેરોના વિકાસ કામો માટે નાણાંની કોઇ કમી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની આ સરકારમાં નથી તેવો મત વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજકીય ઇચ્છાશક્તિના આવા પ્રોત્સાહનથી શહેરો-નગરોના વિકાસ કામોનો મહત્તમ લાભ લોકોને મળે તેવું સુદ્રઢ આયોજન આપણે કરવું જોઇએ.
આ એક દિવસીય વર્કશોપના પ્રારંભે કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમીનીસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલ, શહેરી ગૃહ નિર્માણના સચિવ શ્રી લોચન શહેરા અને મ્યૂનિસિપલ ફાઇનાન્સ બોર્ડના શ્રી પટ્ટણીએ પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરી કામગીરી અને થયેલ પ્રગતિનો ચિતાર આપ્યો હતો. ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ડૉ. ધનસુખભાઇ ભંડેરી, રિજીયોનલ મ્યૂનિસિપલ કમિશનરશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી શ્રી કમલ શાહ સહિત શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ આ વર્કશોપમાં જોડાયા હતા.