ગુજરાત બાર કાઉન્સીલની સામાન્ય સભામાં વેલ્ફેર ફંડની ખાધ ઓછી કરવાના હેતુથી બહુ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો
નવી વેલ્ફેર સ્ટેમ્પની ટિકિટનો અમલ તા.1લી ઓગસ્ટ, 2021થી થશે – ગુજરાત બાર કાઉન્સીલના નવા નિર્ણયની જાણ ગુજરાત હાઇકોર્ટને પણ કરાઇ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.4
ગુજરાતભરના વકીલઆલમે હવે રાજયની તાલુકા અને જિલ્લા અદાલતોમાં હવે રૂ.10ની જગ્યાએ તેમ જ હાઇકોર્ટ અને ટ્રિબ્યુનલોમાં રૂ.20ના બદલે રૂ.40ની વેલ્ફેર સ્ટેમ્પ ટિકિટ લગાવવી પડશે. ગુજરાત બાર કાઉન્સીલની સામાન્ય સભામાં વેલ્ફેર ફંડની ખાધ ઓછી કરવાના હેતુથી બહુ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નવી વેલ્ફેર સ્ટેમ્પની ટિકિટનો અમલ તા.1લી ઓગસ્ટ, 2021થી થશે એમ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન હીરાભાઇ એસ.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના મહામારીની પરિસ્થિતિમાં સવા વર્ષથી વધુ સમયગાળાથી રાજયભરની કોર્ટોનું કોર્ટ કામકાજ બંધ રહ્યું હતુ અને કોર્ટ કામગીરી વર્ચ્યુઅલી ચાલવાના કારણે વેલ્ફેર સ્ટેમ્પની ટિકિટના વેચાણમાં તથા વેલ્ફેર ફઁડના મેમ્બરશીપ ફીમાં તેમ જ એડવોકેટ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફીની આવકમાં બહુ જ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહી, કોરોના મહામારીના સમયમાં મૃત્યુ પામનાર વકીલોના વારસદારોને મૃત્યુસહાયની રકમ મોટા પ્રમાણમાં ચૂકવવાની જવાબદારી ઉભી થતાં ગુજરાત બાર કાઉન્સીલના વેલ્ફેંર ફંડમાં મોટા પ્રમાણમાં ખાધ નોંધાઇ છે, જેને લઇને ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન હીરાભાઇ એસ.પટેલના અધ્યક્ષપદે તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં વેલ્ફેર ફંડની ખાધ ઓછી કરવાના ઉમદા આશયથી તા.1-8-2021થી રાજયભરની તાલુકા અને જિલ્લા અદાલતોમાં હવે રૂ.10ની જગ્યાએ રૂ.20 તેમ જ હાઇકોર્ટ અને ટ્રિબ્યુનલોમાં રૂ.20ના બદલે રૂ.40ની વેલ્ફેર સ્ટેમ્પ ટિકિટ લગાવવા માટેનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે, જેની જાણ ગુજરાત હાઇકોર્ટને પણ કરવામાં આવી છે. અગાઉ 2018માં પણ તાલુકા અ જિલ્લાની અદાલતોમાં રૂ.20ની વેલ્ફેર સ્ટેમ્પ તથા હાઇકોર્ટ અને ટ્રિબ્યુનલોમાં રૂ.40ની વેલ્ફેર સ્ટેમ્પ લગાવવામાં આવતી હતી, પરંતુ ત્યારબાદ વેલ્ફેર સ્ટેમ્પના દરોમાં ઘટાડો કરાયો હતો પરંતુ જો કે, છેલ્લા બે વર્ષથી આવેલી કોરોના મહામારીના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિના કારણે વકીલોના વેલ્ફેર ફંડમાં બહુ મોટી ખાધ ઉભી થતાં ફરી એકવાર વેલ્ફેર સ્ટેમ્પના દરોમાં વધારો કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.
દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટ-1991 હેઠળ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વેલ્ફેર ફંડની યોજનામાં જે વકીલો સભ્ય બન્યા હોય અને વેલ્ફેર ફંડ એકટના ધારાધોરણોનું સંપૂર્ણપણે પાલન કરતા હોય તેવા વકીલોના મૃત્યુ બાદ તેમના વારસદારોને વર્તમાન સમયમાં સાડા ત્રણ લાખ રૂપિયા મૃત્યુ સહાય પેટે ચૂકવવામાં આવે છે. તદુપરાંત, 45 વર્ષની વય બાદ વકીલાતના વ્યવસાયમાં આવનાર વકીલોને વેલ્ફેર ફંડની મર્યાદિત રકમ તેમની પ્રેકટીસના વર્ષ પ્રમાણે મૃત્યુ સહાય ચૂકવવામાં આવે છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તા.1-9-2003થી વકીલોને મૃત્યુ સહાયની રકમ ચૂકવવામાં સતત વધારો કરવામાં આવ્યો છે. તેમ જ વેલ્ફેર ફંડની મેમ્બરશીપ ફી અને રિન્યઅલ ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અત્યારસુધીમાં રાજયના આશરે 2400થી વધુ વકીલોને કુલ રૂ.52 કરોડ, 31 લાખ જેટલી મૃત્યુ સહાયની માતબર રકમ ચૂકવવામાં આવી છે., જે ભંડોળ વેલ્ફેર ફંડની વેલ્ફેર સ્ટેમ્પ, વેલ્ફેર ફંડની મેમ્બરશીપ ફી તેમ જ રિન્યુઅલ ફીની આવક દ્વારા વેલ્ફેર ફંડનું મૃત્યુ સહાયનું ભંડોળ એકત્ર કરવામાં આવે છે.
ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ એ બાબતે પણ ધ્યાન દોર્યુ કે, અગાઉ સામાન્ય ક્રમમાં 225થી 250 જેટલા વકીલોના વારસદારોની મૃત્યુસહાય મેળવવાની અરજીઓનું પ્રમાણ જોવા મળતુ હતુ પરંતુ વર્તમાન સમયમાં કોરોના મહામારી દરમ્યાન વકીલોની મૃત્યુ સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેમાં 2020ના એક જ વરષમાં 368 જેટલા વકીલો મૃત્યુ પામ્યા હતા અને આ જ રીતે 2021ના વર્ષમાં જૂલાઇ માસ સુધીમાં 225થી વધુ વકીલો મૃત્યુ પામ્યા છે. ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા કોરોના મહામારીના કપરા કાળમાં વકીલઆલમની વહારે આવી માંદગી સહાયમાં 2400 જેટલા વકીલોને સાડા ત્રણ કરોડ રૂપિયા અને ગુજરી જનાર 90 વકીલોના વારસદારોને મૃત્યુ સહાય પેટે તાકીદની સહાય તરીકે કુલ રૂ.90 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું પણ બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉમેર્યું હતું.
ગુજરાત બાર કાઉન્સીલની યોજાયેલી સામાન્ય સભામાં ચેરમેન હીરાભાઇ એસ.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા ઉપરાંત, વાઇસ ચેરમેન શંકરસિહ એસ.ગોહિલ, સભ્યો દિપેન કે.દવે, કરણસિંહ બી.વાઘેલા, પરેશ આર.જાની, ગુલાબખાન પઠાણ, રણજીતસિંહ રાઠોડ સહિતના સભ્યો પણ હાજર રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો.