નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મોટી જાહેરાત
વાસદ-બગોદરા ૧૦૧ કિ.મી લાંબા છ માર્ગીય હાઈવે પૈકી વાસદ-તારાપુર વચ્ચેના ૨૧ કિ.મી.ફલાય ઓવર સાથેના ૪૮ કિ.મી લંબાઈના માર્ગનુ કામ પૂર્ણતાના આરે
વાસદ-તારાપુર ૪૮કિ.મીના હાઈવેને આગામી એક માસમાં લોકાર્પિત કરાશે – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને લોકાર્પણ માટે અપાશે આમંત્રણ
તારાપુર-વાસદ હાઈવેના ચાલી રહેલ કામોની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
વાસદ થી બગોદરા નો ૧૦૧ કિમી ની લંબાઈ ધરાવતો ૬ માર્ગી હાઇટેક રસ્તો સુરત થી સૌરાષ્ટ્ર અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં અરસ-પરસના પરિવહનને ઝડપી સુરક્ષિત અને સરળ બનાવશે
વાહન વ્યવહાર સરળતાથી ચાલે એટલા માટે ૨૧ કિ.મી.ના ફ્લાય ઓવર બનાવવામાં આવ્યા હોય એવો આ દેશનો પહેલો રસ્તો
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.31
રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને માર્ગ મકાન વિભાગનું યશસ્વી નેતૃત્વ કરતાં શ્રી નીતિનભાઈ પટેલે વાસદ થી બગોદરા વચ્ચે બંધાઈ રહેલા અતિ અદ્યતન ૬(છ) માર્ગી રસ્તાના તારાપુર થી વાસદ સેક્શનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તથા આ આખા ગુજરાત માટે ચાવીરૂપ અગત્યના રસ્તાનું નિર્માણ વેગીલું બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી નીતિનભાઇ પટેલે ૪૮ કિ.મી.ના આ રોડ પેકેજનું ૯૫ ટકા કામ પૂરૂં થઈ ગયું છે અને એકાદ મહિનામાં આ રસ્તો બંધાઈ જશે. દેશ માટે નમૂનેદાર બની રહેનાર આ રસ્તાના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આમંત્રણ આપવામાં આવશે તેમ કહ્યું હતું. નાયબ મુખ્ય મંત્રીશ્રીએ આ રસ્તા પર થી પસાર થનારા પેસેન્જર વાહનો, ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાસેથી ટોલ ટેકસ નહિ લેવાય તેવી જાહેરાત કરી હતી. જ્યારે માલવાહક ટ્રકો, ટેન્કર, ટ્રેલર, કન્ટેનર ઇત્યાદિએ ટોલ ચૂકવવાનો રહેશે તેમ જણાવ્યું હતું.
શ્રી પટેલે ગુજરાતના માર્ગ અને મકાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોને જોડતા ૧(એક) લાખ કિલોમીટરથી વધુ લંબાઈના અદ્યતન રસ્તાઓનું નેટવર્ક તૈયાર કર્યું છે અને રાજ્યના લગભગ તમામ ગામોને પાકા રસ્તાઓથી જોડ્યા છે જે અભિનંદનને પાત્ર હોવાની લાગણી વ્યક્ત કરી નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના બંદરોએ લાખો ટન માલ ઉતરે છે અને ભારે વાહનો દ્વારા દેશના ખૂણે ખૂણે પહોંચે છે. ગુજરાતના નાગરિકો હજારોની સંખ્યામાં વાહનોમાં રાજ્યના એકથી બીજા વિસ્તારમાં પ્રવાસ કરે છે. ત્યારે સમગ્ર રાજ્યને આવરી લેતાં રસ્તાઓનું આ મજબૂત નેટવર્ક વિકાસને વેગ આપનારૂં પુરવાર થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ રસ્તો વાસદ થી તારાપુર ૪૮ કિમી અને બગોદરા થી વટામણ ૫૩ કિમી ના બે પેકેજમાં બનાવવામાં આવી રહ્યો છે તેવી જાણકારી આપતાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, તારાપુર-વાસદનું કામ પૂર્ણતાને આરે છે અને બગોદરા વટામણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ માર્ગ નિર્માણ આડે આવેલા અવરોધો ની વિગતવાર જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે પહેલા કોન્ટ્રાકટરની નિષ્ફળતા પછી માર્ગ અને મકાન વિભાગે દરેક સ્તરે સંકલન અને નવેસરથી નાણાંકીય વ્યવસ્થા અને પેકેજ બનાવી ને બે ઇજારદારને આ જવાબદારી સોંપી છે. કામ પૂરું થયા પછી ૧૫ વર્ષ સુધી તેની જાળવણી ઇજારદાર કરે એવી વ્યવસ્થા આ પેકેજમાં કરવામાં આવી છે. આ ૬ માર્ગી હાઇવે અનેક રીતે દેશમાં અજોડ બની રહેશે એવો વિશ્વાસ વ્યકત કરતાં તેમણે જણાવ્યું કે આ રસ્તા પર દૈનિક ૩૦ થી ૩૫ હજાર વાહનોની અવર જવર રહે છે. સુરત થી સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જોડાણમાં તેની ખૂબ અગત્યતા પુરવાર થશે.
નાયબ મુખ્ય મંત્રીશ્રી પટેલે વાહન વ્યવહાર સરળ અને અવિરત ચાલે તે માટે આ આખા રસ્તા પર અંદાજે ૨૧ કિલોમીટરની લંબાઈમાં ફ્લાય ઓવર બનાવવામાં આવ્યા છે. ઇજારદારે ચાર રસ્તાના જંકશન, ઓવરબ્રિજ જેવા સ્થળોએ મળીને લગભગ અર્ધા રસ્તા પર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરી છે. સલામતીના ધોરણોને અનુસરીને સર્વિસ રોડનું નેટવર્ક રચવામાં આવી રહ્યું છે.તમામ રીતે આ રસ્તો દેશમાં નમૂનેદાર બનવાનો છે. ગુજરાતનું માર્ગ નિર્માણ અન્ય રાજ્યો માટે પ્રેરક અને માર્ગદર્શક બન્યું હોવાનું કહ્યું હતું. તેમણે આ રસ્તાનું નિર્માણ સરળ બનાવવામાં સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીઓએ સતત ઉમદા સહયોગ આપ્યો છે. ખેડૂતોએ પણ જરૂરી જમીન સંપાદનની સરળતા કરી આપી તે માટે આ સહુ ધન્યવાદને પાત્ર હોવાનું કહ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે માર્ગમાં ચાલી રહેલ કામનું બારીકાઇથી નિરીક્ષણ કરી કરવામાં આવી રહેલ કામગીરી સંબંધી તેમજ માર્ગ પર પાથરવામાં આવી રહેલ ડામર અને કપચીના મિશ્રણની વિગતવાર જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શ્રી પટેલે તારાપુર-બોચાસણ વચ્ચે રેલ્વે લાઇન પર બની રહેલ ઓવરબ્રીજ ઉપરથી નિરીક્ષણ કરી માર્ગ ઉપર કેટલું વાયબ્રેશન આવે છે તેની પણ જાણકારી મેળવી હતી.
તારાપુર થી વાસદ જતાં માર્ગમાં આસોદર ચોકડી પાસે બની રહેલ ઓવરબ્રીજની નીચે ઉભા રહીને શ્રી નીતિનભાઇ પટેલે ચોકડી પાસેથી પસાર થઇ રહેલા વાહનો વિશે જાણકારી મેળવી નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો. શ્રી પટેલ તારાપુર-વાસદ માર્ગના નિરીક્ષણ અર્થે આવી પહોંચતા તારાપુર ચોકડી પાસે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે માર્ગમાં ગોકુલધામ, નારના સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મણી લક્ષ્મી તીર્થ ટ્રસ્ટ દ્વારા નાયબ મુખ્ય મંત્રીશ્રીને ગણેશજીની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે ખાસ કિસ્સામાં બોચાસણ પાસે નાળું મંજૂર કરવામાં આવતાં ગામના સરપંચશ્રીએ નાયબ મુખ્ય મંત્રીશ્રીનું સ્વાગત કરી આભાર માન્યો હતો.
શ્રી નીતિનભાઇ પટેલે આ વિસ્તાર ખેતીમાં ખૂબ પ્રગતિશીલ છે. આ રસ્તા પર બાપ્સ અને જૈન ધર્મના તીર્થો આવેલાં છે. આ વિસ્તારના લોકો ઘેર ઘેર વાહનો ધરાવે છે ત્યારે આ હાઇટેક રોડ સહુ માટે ખૂબ ઉપયોગી બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરી આ રસ્તો ખૂબ મજબૂત બને તેવી ડિઝાઇનને આધારે બની રહ્યો હોવાનું જણાવી પોતે ઘણીવાર સરપ્રાઇઝ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે આ રસ્તો ગુજરાતના વિકાસ માટે ચાવીરૂપ મહત્વનો બનશે તેમ ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે અમદાવાદ રાજકોટ વચ્ચે ૬ માર્ગી રસ્તો બની રહ્યો છે જેનું કામ ૧ વર્ષમાં પૂરું થશે. જયારે રૂા. ૯૦૦ કરોડના ખર્ચે ભારત સરકારના સહયોગ થી સરખેજ થી ચિલોડા વચ્ચે ૬ માર્ગી રસ્તો બની રહ્યો છે. આમ ગુજરાત અન્ય રાજ્યોને માર્ગ વિકાસની પ્રેરણા પુરૂં પાડી રહ્યું છે. નાયબ મુખ્ય મંત્રીશ્રીના આ મુલાકાત દરમિયાન માર્ગ-મકાન વિભાગના ચીફ એન્જિનિયર શ્રી એચ. સી. મોદી, આણંદ માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી આર. કે. દેલવાડિયા અને આર.કે.સી. ઇન્ફ્રાબિલ્ટના શ્રી કમલેશભાઇ સાથે રહ્યા હતા અને જરૂરી વિગતો આપી હતી.