કરફયુના અમલ વચ્ચે રથયાત્રા કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલના ચુસ્ત પાલન વચ્ચે જ નીકળશે, જાહેરજનતાને ઘેરબેઠા ટીવી ચેનલોના માધ્યમથી, ફેસબુક, મોબાઇલ મારફતે જ ભગવાનના દર્શન કરવા મંદિર તરફથી જાહેર અપીલ
તા.12મી જૂલાઇએ રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળાઆરતી, સાડા ચાર વાગ્યે ખીચડાનો વિશિષ્ટ ભોગ, સાડા પાંચ વાગ્યે ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવશે, પોણા છ વાગ્યે ભગવાનનું રથમાં પ્રસ્થાન, સાડા છ વાગ્યે ગજરાજો દ્વારા સૌપ્રથમ ભગવાનના દર્શન, સાત વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવશે, ત્યારબાદ રથયાત્રાનું નગરના માર્ગો પર નિજમંદિરથી પ્રસ્થાન શરૂ થશે
રથયાત્રા પૂર્વે આવતીકાલે અમાસના દિવસે તા.10મી જૂલાઇએ સવારે આઠ વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ, 9-30 વાગ્યે ધ્વજારોહણ અને 10-30 વાગ્યે મહાઆરતી, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ ખાસ હાજર રહેશે
રથયાત્રાના આગલા દિવસે તા.11મી જૂલાઇએ સાંજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા જગન્નાથજી મંદિર અને મહંતશ્રી દિલીપદાસજીની શુભેચ્છા મુલાકાત લેશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.9
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 144મી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા કરફયુના કડક અમલ અને કોરોના ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન વચ્ચે જ નીકાળવામાં આવશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કે ઘટાડો કરવામાં આવ્યો નથી અને રથયાત્રા તેના 19 કિ.મી લાંબા રૂટ પર પરંપરાગત રીતે જ નીકળશે પરંતુ રથયાત્રા દરમ્યાન સમગ્ર રૂટ પર કરફયુ રહેશે અને દર્શનાર્થીઓ રથની નજીક આવી દર્શન કરી શકશે નહી. લોકોએ કોરોના મહામારીને લઇ સાવચેતી અને સલામતીના ભાગરૂપે ઘેરબેઠા ટીવી ચેનલોના માધ્યમથી અને મોબાઇલ-સોશ્યલ મીડિયાના માધ્યમથી જ આ વખતે નીકળનારી રથયાત્રાના અને ભગવાનના દર્શન કરી લેવા જાહેર અનુરોધ કરવામાં આવે છે એમ અત્રે સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઇ ઝાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલના ચુસ્ત પાલન વચ્ચે જ નીકળશે પરંતુ ભગવાનની જે પરંપરાગત અને શાસ્ત્રોકત વિધિ કે પૂજા છે દર વર્ષે કરાતી હોય છે, તેમાં કોઇ ફેરફાર કે બદલાવ કરાયો નથી. તે પરંપરાગત રીતે જ કરવામાં આવશે. રથયાત્રાના સમગ્ર રૂટ પર કયાંય કોઇ જગ્યાએ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહી. પરંતુ નિજમંદિરમાં રથયાત્રા પરત ફર્યા બાદ ભગવાનના ત્રણેય રથ નિજમંદિરમાં આવી ગયા બાદ શ્રધ્ધાળુ ભકતોને જાંબુ, ફણગાવેલા મગનો પરંપરાગત પ્રસાદ વિતરણ કરવામાં આવશે. તમામ ભકતોને પ્રસાદનો લાભ મળી રહે તે હેતુથી ગુરૂપૂર્ણિમા સુધી મંદિર તરફથી પ્રસાદ વિતરણ ચાલુ રાખવામાં આવશે.
જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઇ ઝાએ રથયાત્રાને લઇ વધુ માહિતી આપતાં જણાવ્યું કે, આ વખતે તા.12મી જૂલાઇએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ છે તે પૂર્વે આવતીકાલે તા.10મી જૂલાઇએ અમાસના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આશે. ત્યારબાદ સવારે આઠ વાગ્યે તેમને આંખે પાટા બાંધવાની ભગવાનની નેત્રોત્સવ વિધિ, 9-30 વાગ્યે ધ્વજારોહણ અને 10-30 વાગ્યે મહાઆરતીના કાર્યક્રમ યોજાશે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ ખાસ હાજર રહેશે.
જયારે બીજા દિવસે તા.11મી જૂલાઇએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સુંદર અને ભવ્ય એવા સોનાવેશથી શણગારવામાં આવશે. સવારે આઠ વાગ્યે ભગવાનના સોનાવેશના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. જેમાં વિશેષ પ્રકારકના આભૂષણો અને સાજ શણગાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. બપોરે 3-00 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીના ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ કરવામાં આવશે. આ દિવસે ગજરાજોનું વિશેષ પૂજન પણ કરવામાં આવશે અને રથયાત્રા માટે ગજરાજોના આશીર્વાદ મેળવવામાં આવશે. રથયાત્રાના આગલા દિવસે તા.11મીએ સાંજે 6-00 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા વર્ષોની પરંપરા મુજબ, જગન્નાથજી મંદિર અને મહંતશ્રી દિલીપદાસજીની શુભેચ્છા મુલાકાત લેશે. તેઓ ભગવાન જગન્નાથજી માટે વિશિષ્ટ ખીચડીનો પ્રસાદ લાવશે.
જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઇ ઝાએ રથયાત્રાના દિવસની ખાસ માહિતી પૂરી પાડતાં ઉમેર્યું કે, તા.12મી જૂલાઇએ રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે ભગવાનની મંગળાઆરતી યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહેશે. એ પછી સાડા ચાર વાગ્યે ભગવાનને ખીચડાનો વિશિષ્ટ ભોગ, સાડા પાંચ વાગ્યે ભગવાનની આંખો પરથી વૈદિક મંત્રોચ્ચાર સાથે પાટા ખોલવામાં આવશે, પોણા છ વાગ્યે ભગવાનનું રથમાં પ્રસ્થાન, સાડા છ વાગ્યે ગજરાજો દ્વારા સૌપ્રથમ ભગવાનના દર્શન, સાત વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવશે, ત્યારબાદ રથયાત્રાનું નગરના માર્ગો પર નિજમંદિરથી પ્રસ્થાન શરૂ થશે. રથયાત્રા સમગ્ર રૂટ પર પરિક્રમા કરી નિજમંદિરમાં પરત ફરે ત્યારબાદ શ્રધ્ધાળુ ભકતો માટે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના રથમાં દર્શન કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. રથયાત્રા નિજમંદિર પરત ફર્યા બાદ અહીં મંદિર તરફથી ભકતોને મગ અને ફણગાવેલા મગનો પરંપરાગત પ્રસાદ પણ વિતરણ કરવામાં આવશે. કોઇપણ શ્રધ્ધાળુ કે ભકતો પ્રસાદના લાભથી વંચિત ના રહી જાય તે માટે ગુરૂપૂર્ણિમા સુધી મંદિર તરફથી પ્રસાદ વિતરણ ચાલુ રાખવામાં આવશે.