સ્વીટીબેન પટેલ ગુમ થયાના ચકચારી કેસમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની મહત્વપૂર્ણ જાહેરાત
ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાતને પગલે હવે ટૂંક સમયમાં જ ચકચારભર્યા એવા આ કેસનો ભેદ ઉકેલાઇ જાય તેવી શકયતા
ટેકનિકલ અને એફએસએલની મદદની આધારે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ઉપરાંત આવશ્યકતા અનુસાર શંકાસ્પદ લોકોના એસડીએસ, પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામા આવી રહી છે – ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.18
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા પોલીસતંત્રના પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટીબેન પટેલ ગુમ થયાના ચકચારી કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને રાજ્ય એટીએસને સોંપવાની જાહેરાત કરી હતી. જેને પગલે હવે આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ અને એટીએસના ચુનંદા અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની આ બહુ જ મહત્વપૂર્ણ જાહેરાતને પગલે હવે ચકચારભર્યા એવા આ કેસમાં ન્યાયી અને તટસ્થ તપાસનો માર્ગ મોકળો થયો છે.
ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યુ કે, ટેકનિકલ અને એફએસએલની મદદની આધારે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ઉપરાંત આવશ્યકતા અનુસાર શંકાસ્પદ લોકોના એસડીએસ, પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામા આવી રહી છે. વડોદરા શહેરની મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શહેર કાયદો અને વ્યવસ્થાની પદાધિકારીશ્રીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરવાની સાથે શી ટીમના કાઉન્સિંલિગ એન્ડ ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સ્વીટીબેન પટેલ ગુમ થયાના ચકચારભર્યા કેસમાં અત્યાર સુધી તપાસ કરતી વડોદરા ગ્રામ્ય પોલીસે પીઆઇ અજય દેસાઇનો ગાંધીનગર FSL ખાતે પોલિગ્રાફિક ટેસ્ટ કરાવ્યો હતો. જ્યારે હવે તેમના નાર્કો ટેસ્ટ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જ્યારે વડોદરા ગ્રામ્ય પોલીસના પીઆઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં ડીવાયએસપી કલ્પેશ સોલંકી દ્વારા પૂછપરછનો દોર આગળ વધારવામાં આવ્યો હતો . જેમાં એક રાજકીય અગ્રણીની પૂછપરછ અને કરજણ પીઆઈ મેહુલ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ કેસમાં થોડા સમય પૂર્વે દહેજના વાગરા નજીકથી શંકાસ્પદ હાડકા મળ્યા હતા તેની નજીકમાં આ રાજકીય અગ્રણીના મિત્રનુ ફાર્મ હાઉસ આવેલુ છે, જો કે રાજકીય નેતા દ્વારા પૂછપરછ થઈ હોવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. તેમણે મિત્રના કામ અર્થે કરજણ પોલીસ મથકે ગયો હોવાનું રટણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પીઆઇ અજય દેસાઇએ સ્વયંભૂ કોર્ટે સમક્ષ હાજર થઇને ટેસ્ટ માટે સંમતિ આપી હતી. અગાઉ સમગ્ર કેસમાં તલસ્પર્શી તપાસ માટે તપાસ અધિકારીએ નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટ માટે અરજી કરી હતી . કોર્ટે બંને ટેસ્ટ કરાવવા માટે તપાસ અધિકારીને મંજૂરી આપી હતી.
રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર આ કેસમાં સ્વીટી પટેલના ગુમ થયાના 37 દિવસ થઈ ચૂક્યાં છે. વડોદરા જિલ્લા એસ.ઓ.જી અને સમગ્ર જિલ્લા પોલીસ પી.આઇ. અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. પરંતુ, સ્વીટી પટેલનો કોઇ પત્તો મળ્યો નથી. પોલીસે ગુજરાતની વિવિધ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવેલી બિનવારસી 17 ડેડ બોડીની તપાસ કરી છે, પરંતુ, તે તમામ ડેડ બોડીઓ અન્ય કોઇ વ્યક્તિની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત થોડા દિવસ પૂર્વે પોલીસને દહેજ વિસ્તારમાંથી શંકાસ્પદ હાડકા મળી આવ્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર આ હાડકા બળેલી હાલતમાં મળી આવ્યા છે. જો કે આ હાડકાં માનવના છે કે કોઈ પશુના તેની તપાસ માટે એફએસએલની મદદથી કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના મતે, એફએસએલના રિપોર્ટ અભિપ્રાય બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્વીટી પટેલ ગુમ થવાની તપાસ દરમ્યાન પોલીસને નિર્માણાધીન હોટલની પાછળના ભાગથી હાડકાં મળી આવ્યા હતા. જેમાં પોલીસે આ જગ્યાએ એટલે તપાસ હાથ ધરી હતી કારણ કે તા.5 જૂનની સાંજે પી.આઇ. અજય દેસાઇનું લોકેશન દહેજ હોવાનું જાણવા મળ્યું હતું.
જો કે, ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આજે કરાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાતને પગલે આ સમગ્ર કેસની તપાસ હવે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ અને રાજય એટીએસ દ્વારા હાથ ધરવામાં આવશે, જેને પગલે હવે ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાતને પગલે હવે ટૂંક સમયમાં જ ચકચારભર્યા એવા આ કેસનો ભેદ ઉકેલાઇ જાય તેવી શકયતા બળવત્તર બની છે.