મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિક રમતોમાં પ્રતિનિધિત્વ કરનારી છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓ માટે પ્રોત્સાહક નિર્ણય
ગુજરાત રાજ્યના ઇતિહાસમાં ૬૦ વર્ષમાં પ્રથમવાર ગુજરાતના ખેલાડીઓ વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધા ઓલમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.14
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે. તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ – મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દિકરીઓને પ્રત્યેકને રૂ. ૧૦ લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યંમત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આ નિર્ણયને પગલે રાજયના અન્ય ખેલાડીઓ અને રમતવીરોમાં પણ ભારે ખુશી, ઉત્સાહ અને પ્રોત્સાહનની લાગણી ફેલાવા પામી છે.
ગુજરાતની આ છ દિકરીઓ જેમને પ્રત્યેકને આ 10 લાખ રૂપિયાની સહાય મળશે તે માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ. ૧૦ લાખની નાણાકીય આપવા સાથે આગામી ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલમ્પિક -૨૦૨૧ રમતો આ વર્ષે તા.ર૩મી જુલાઇ ૨૦૨૧થી તા. ૮ ઓગસ્ટ સુધી અને પેરા ઓલમ્પિક રમતો તા. ૨૪ ઓગસ્ટથી તા. ૫ સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.