છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા શાહિદ સુમરાને આખરે ગુજરાત એટીએસની ટીમે દિલ્હી એરપોર્ટ પર ઉતરાતાની સાથે જ ધરદબોચી લીધો
સુમરાએ પોતાની ઓળખ ખુલ્લી ના પડે તે માટે આખો લુક બદલી નાંખ્યો પરંતુ એટીએસના ચુનંદા અધિકારીઓ તેને ઓળખી કાઢયો અને કસ્ટડીમાં લઇ લીધો
શાહિદ કાસમ સુમરા ભારતના અલગ અલગ ચાર ગુનામાં ફરાર હતો અને છેલ્લા ઘણા સમયથી તે પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો
અમદાવાદ,તા.29
કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા રૂ.175 કરોડનાં હેરોઇન કેસમાં ગુજરાત એટીએસને બહુ મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસના ચુનંદા અધિકારીઓએ ગુપ્તતાપૂર્વક પાર પાડેલા ઓપરેશનમાં આ કેસના મુખ્ય આરોપી શાહિદ કાસમ સુમરાને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. આરોપી શાહિદ સુમરા દુબઇથી દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ દબોચી લેવામાં આવ્યો છે. શાહિદ કાસમ સુમરા ભારતના અલગ અલગ ચાર ગુનામાં ફરાર હતો અને છેલ્લા ઘણા સમયથી તે પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો. એનઆઈએ અને એક પંજાબના ડ્રગ્સ કેસમાં પણ તે મુખ્ય આરોપી હતો. ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરી મહિનામાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે મધદરિયે આ રૂ.175 કરોડના હેરોઇનના કન્સાઇનમેન્ટનું સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં અગાઉ પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા શાહિદ સુમરાને આખરે ગુજરાત એટીએસની ટીમે ધરદબોચી લીધો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, 175 કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહિદ કાસમ સુમરાને દિલ્હીથી દબોચી લેવામાં આવ્યો છે. આ આરોપીનું મુખ્ય કામ હતું કે, પાકિસ્તાનથી ભારતનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર ઘુસાડવાનું મુખ્ય કામ આરોપી શાહિદની જવાબદારીમાં આવતું હતુ અને તે તેના સાગરિતોની મદદથી આ ખતરનાક ષડયંત્ર પાર પાડયો હતો. આરોપી શાહિદ સુમરા મૂળ કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, શાહિદ સુમરા દુબઇથી દિલ્હી આવવાનો છે. જેને પગલે ગુજરાત એટીએસના ચુનંદા અધિકારીઓની ટીમ પહેલેથી જ દિલ્હી એરપોર્ટ પર ગુપ્ત રીતે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. ગુજરાત એટીએસની ટીમે તેને દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ઝડપી લીધો હતો. જો કે, શાહિદે પોતાની ઓળખ ખુલ્લી ના પડી જાય તે માટે પોતાનો આખો લુક બહુ આશ્ચર્યજનક રીતે બદલી નાંખ્યો હતો પરંતુ તેમછતાં એટીએસના અધિકારીઓ તેને ઓળખી જ ગયા હતા. શાહિદ સુમરાએ શરૂઆતમાં તો, પોલીસને પોતે શાહિદ નથી તેની અનેક સમજાવટ પણ કરી હતી. પરંતુ અંતે તેણે શરણાગતિ સ્વીકારી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરીમાં મધરાત્રે એક વાગ્યાના અરસામાં જખૌથી આશરે 440 કિમીના અંતરે ડ્રગ્સ ભરેલી પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાં ઘુસતા જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના કેરિયરોને ખબર ના પડે તેવી રીતે સંયુક્ત ઓપરેશન કરીને બોટને ઘેરી લીધી હતી તેમજ બોટનો કબજો કરીને જખૌ કોસ્ટગાર્ડ મથકે લાવવામાં આવી હતી. ત્યારે બોટમાંથી પાંચ પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતા. બોટની જડતી દરમ્યાન બોટમાં રાખેલા હેરોઈનના એક કિલોગ્રામના એક એવા 35 પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 175 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, કચ્છના દરિયામાંથી ઝડપાયેલું ડ્રગ્સ નેધરલેન્ડ પહોંચાડવાનું હતું. આ ડ્રગ કેસનો મુખ્ય કમાન્ડર પાકિસ્તાનનો હુસૈન બલૌચી અને શાહીદ કાસમ હતા. ડ્રગ્સને પહેલા જખૌ અને ત્યાંથી દિલ્હી પહોંચાડવાનું હતું. જે બાદ અફઘાનિસ્તાનનાં એક વ્યક્તિ દ્વારા રશિયા અને નેધરલેન્ડ પહોંચાડવાનું હતું. જખૌનો એક માછીમાર તેને રિસીવ કરવાનો હતો. આ ડ્રગનાં રિસીવરને આ કામ માટે 50થી 70 લાખ રૂપિયા મળવાનાં હતાં. ડ્રગ રિસીવ થાય તે પહેલા જ ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ અને ઈન્ડિયન કૉસ્ટગાર્ડની ટીમે તેને પકડી પાડ્યુ હતું. આ કેસમાં હવે શાહિદ સુમરા ઝડપાતાં ભારતમાં ડ્રગ્સ અને હેરોઇન સહિતના નશીલા માદક દ્રવ્યો ઘૂસાડવાના પાડોશી દેશ પાકિસ્તાનના ષડયંત્રોને લઇને પણ મહત્વની કડીઓ તપાસનીશ એજન્સીને હાથ લાગે તેવી પૂરી શકયતા છે.